વિક્રમસિંહ જાડેજા, ચોટીલા:
થાન પંથકમાં દેશી વિદેશી દારૂની બદીએ માઝા મૂકી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જી પોલીસ દ્વારા રાત્રિના સુમારે થાન અભેપર રોડ પર આવેલ ડોકટરની માલિકીના સિરામિકના બંધ કારખાનામાંથી ચોક્ક્સ બાતમીનાં આધારે પોલીસે વિદેશી દારૂની 744 બોટલ, બીયરના 788 ટીન, ઇકો ગાડી કી. રૂ. 2,00,000 મળી કુલ રૂ. 5,15,200 નો મુદ્દામાલ ઝડપી પાડી ડોકટર તથા અન્ય 1 શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્થળ પરથી કોઇ આરોપી ઝડપાયો નથી. જેની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
થાન પી.એસ.આઇ. એન.પી. મારુને ચોક્કસ બાતમી મળી હતી કે અભેપર રોડ ઉપર આવેલ ડોકટર મિથુન બાંભણીયાના સિરામિકના બંધ કારખાનામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી છૂટક વેચાણ તથા કટિંગ કરી દારૂ બહાર સપ્લાય કરવામાં આવી રહ્યો છે. બાતમીનાં આધારે સ્ટાફના જયેશભાઇ પટેલ, પી.આઇ. એ.એચ.ગોરીને સાથે રાખી કારખાનામાં દરોડો કરતા કારખાનામાં સિરામિકના માલના બદલે દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતારેલો જોવા મળ્યો હતો.
દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી. અને ડોક્ટર તથા સિરામિકના માલિક કક્ષાના માણસો પણ રૂપિયા કમાવા દારૂના કટિંગ અને વેચાણ કરતા થઈ ગયા હોય કારખાનાના માલ મૂકવાના શેઇડમાં દારૂની પેટીઓ મુકવામાં આવી હોય સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ નંગ 744, બીયરના ટીન નંગ 788 તથા ઇકો ગાડી કી.રૂ. 2,00,000 સાથે કુલ રૂ. 5,15,200 નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે ડોકટરની સાથે આરોપી યુવરાજભાઈ વહતુભાઈ ખાચર સામે ફરિયાદ નોંધી બન્ને શખ્સોની પોલીસ દ્વારા શોધખળ શરૂ કરવામાં આવી છે.