Abtak Media Google News

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પરથી 6 મહિનાથી ચશ્મા ગાયબ

દેશભરમાં છેલ્લા 9 વર્ષથી ચાલતું સ્વચ્છતા અભિયાન કાગળ પર પૂરજોશમાં દોડી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા અલગ: બાપુના ચશ્માની એક આંખમાં સ્વચ્છતા અને બીજી આંખમાં ભારતનો અભિગમ પરંતુ બંને ભેગા થાય તો જ સ્વચ્છ ભારતનું નિર્માણ થાય

બાપુની પ્રતિમા સામે જ બેફામ ગંદકી હોય કોઇ દુભાયેલા વ્યક્તિએ સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતાએ આ દ્રશ્ય ન જોવું પડે તે માટે ચશ્મા ઉતારી લીધા હોવાની સંભાવના: તંત્રએ ગંદકી તો દૂર ન કરી પરંતુ બાપુને ચશ્મા પણ પહેરાવવાની તસ્દી ન લીધી

અહિંસાના પૂજારી એવા પૂ.મહાત્મા ગાંધીજીએ ભારતીયોને અંગ્રેજોની 150 વર્ષની ગુલામીમાંથી મુક્તિ અપાવી આજે બાપુના કારણે વિશ્ર્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. વિશ્ર્વનો એકપણ દેશ એવો નહિં હોય જ્યાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સ્થાપવામાં નહિં આવ્યો હોય કે તેઓના નામના રોડ નહિં હોય પરંતુ અફસોસએ વાતનો છે કે જે ભારતીયોને બાપુએ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી તે ભારતીય હાલ અંગ્રેજીની ગુલામીમાં સપડાઇ ગયા છે. બાપુના એકપણ સિદ્વાંતનું જનતા દ્વારા પાલન કરવામાં આવતું નથી. શું આવુ જોવા માટે બાપુએ આપણને આઝાદી અપાવી હશે. તેવા સવાલો મનમાં ઉઠી રહ્યા છે.

હાલ ગાંધીવાદી વિચારો માત્રને માત્ર આંદોલન પૂરતા સિમિત રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. માત્ર આવેદન કે આંદોલનના કાર્યક્રમોમાં ગાંધીચિંધ્યા માર્ગનો ઉલ્લેખ કરવામાં આવે છે. બાકી કોઇ વ્યક્તિ ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના કદમો પર ચાલતા નથી. આ વાત આજે ગાંધી જયંતિ કે ગાંધી નિર્વાણ દિન નથી છતાં કરવી પડે છે. તેની પાછળનું મુખ્ય કારણએ છે કે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. જેના પરથી છેલ્લા 6 મહિનાથી ચશ્મા ગાયબ છે. લોકોમાં નારાજગી જોવા મળી રહી છે પરંતુ એકપણ માયના લાલે બાપુની પ્રતિમાને ચશ્મા મળે તે માટે પ્રયાસ કર્યો નથી. બાપુની પ્રતિમાની સામે જ સિવિલ હોસ્પિટલના આંગણામાં ગંદકીના ગંજ ખડકાયેલા છે.

કોઇ સજ્જન વ્યક્તિએ સ્વચ્છતાના પૂજારી એવા મહાત્મા ગાંધીએ પોતાની નજર સામે પારાવાર ગંદકી ન જોવી પડે તે માટે તેઓની પ્રતિમા પરથી ચશ્મા ઉતારી લીધા હોય તેવું મનાઇ રહ્યું છે. આવું કૃત્ય કરનાર વ્યક્તિ ખરેખર પોતાના વિચારોથી ખૂબ જ સાચી છે પરંતુ તંત્ર સંપૂર્ણપણે નિંભર છે. કારણ કે રાષ્ટ્રપિતાની પ્રતિમા પરથી 6 મહિનાથી ચશ્મા નથી છતાં કોઇ અધિકારીએ બાપુને દેખતા કરવાનો રસ દાખવ્યો નથી. એટલું જ નહિં પ્રતિમાની સામે ખડકાયેલા ગંદકીના ગંજ પણ દૂર કરવામાં આવ્યા નથી. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર રચાયા બાદ દેશભરમાં છેલ્લા 9 વર્ષથી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. સરકાર કે કોઇ એકલ-દોકલ વ્યક્તિ ક્યારેય સ્વચ્છતા અભિયાનને સફળ બનાવી શકે નહિં. તેના માટે સહિયારો પ્રયાસ કરવો જરૂરી છે. રોડ પર કચરો ફેંકનાર સામાન્ય નાગરિકથી લઇ મોટા નેતાને પોતાની જવાબદારીનું ભાન આવે તો જ સ્વચ્છ ભારતનું નિર્માણ થાય પરંતુ આવુ થતું નથી.

પોતાના શરીર અને કપડાને સ્વચ્છ રાખતા ભારતીયો દેશને સ્વચ્છ રાખવામાં જાણે શરમ અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે. જાહેરમાં કચરો ફેંકવાની વાત તો દૂર રહી આજેપણ લોકો જાહેરમાં લઘુશંકા કે શૌચક્રિયા કરતા રતિભાર પણ સંકોચ અનુભવતા નથી. શું આ વાત વિશ્ર્વના સૌથી વધુ વિકસતા અર્થંતંત્ર માટે સારી બાબત ગણાવી શકાય? પોતાના શરીર અને આંગણાને સ્વચ્છ રાખતો વ્યક્તિ જાહેરમાં ગંદકી કરવામાં જરા પણ પાછીપાની કરતો નથી. જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મનમાં ગુલામી વેઠી રહેલા દેશવાસીઓને આઝાદ કરવાનું વિચાર આવ્યો હશે ત્યારે તેઓએ આઝાદી પછી કેવા ભારતનું નિર્માણ થશે તે અંગે પણ પરિકલ્પના કરી હશે.

પરંતુ આજે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે પણ બાપુની પરિકલ્પના મુજબનું 1 ટકા ભારતનું પણ નિર્માણ કરી શક્યા નથી. ગંદકી, અસામાજીક પ્રવૃત્તિ, હિંસા જેવી અનેક એવી કૂટેવ છે કે જેના આજે પણ આપણે ગુલામ છીએ. જો ભારતને વિશ્ર્વના અન્ય દેશો જેવું સ્વચ્છ બનાવવું હશે તો ખરેખર સ્વચ્છતા અભિયાન નહિં પરંતુ એક આંદોલનનું સ્વરૂપ આપવું પડશે. અન્યથા બાપુના સપનાનું ભારત ક્યારેય નિર્માણ પામશે નહિં. સ્વચ્છતા અભિયાનના સિમ્બોલમાં પૂ.બાપુના ચશ્મા રાખવામાં આવ્યા છે. જેમાં એક તરફ સ્વચ્છ અને બીજી તરફ ભારત લખેલું છે. જેનો બીજો અર્થં કાઢવામાં આવે તો ભારત છે પરંતુ સ્વચ્છ નથી અને સ્વચ્છ છે તે ભારત નથી. જો આ બંને શબ્દો ભેગા થાય તો જ સ્વચ્છ ભારતનું નિર્માણ શક્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.