આજના સમયમાં મોબાઈલ ફોન લોકોની મહત્ત્વની જરૂરિયાત બની ગયો છે. મોટા શહેરોથી લઈને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી મોબાઈલ વગરની જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. છેલ્લા એક દાયકામાં દેશમાં મોબાઈલ વાપરનારાઓની સંખ્યા એટલી ઝડપથી વધી છે કે ભારત વિશ્વભરમાં બીજો સૌથી વધારે મોબાઈલ વાપરનારો દેશ બની ગયો છે. કિંમતમાં ઘટાડો અને ઉત્તમ ફિચર મળવાના કારણે મોંઘા બ્રાન્ડેડ સ્માર્ટ ફોનનો ઉપયોગ પણ વધી ગયો છે. એ જ કારણસર નાના શહેરોથી લઈને મહાનગરો સુધીની પ્રત્યેક ગલી-મોહલ્લામાં મોબાઈલ રિપેર કરવાવાળા મળી રહે છે.
આ મામલામાં બેઝિક હેન્ડસેટસ રિપેર કરવાવાળા સહેલાઈથી મળી જશે, પરંતુ મોંઘા અને બ્રાન્ડેડ મોબાઈલ રિપેર કરાવવા માટે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. બજારમાં મોંઘા મોબાઈલ સેટની સર્વિસ આપવાવાળા કુશળ લોકોની અછત છે. ખાસ પ્રકારની ટ્રેનિંગ લઈને તમે પૂરા આત્મવિશ્વાસની સાથે મોંઘા હેન્ડસેસની મરામતમાં પણ કાબેલિયત હાંસલ કરી શકો છો અને પોતાની આવક વધારી શકો છો અને આના માટે તમારે ક્યાંય દૂર જવાની પણ જરૂર નથી.
મોબાઈલ રિપેરીંગનું કામ એવું કામ છે, જેને તાલીમ વિના નથી કરી શકાતું. સામાન્ય રીતે મોબાઈલ કી-પેડ, ચાર્જિંગ, જોયસ્ટિક, પાઈક, રિંગર, સ્પીકર, કેમેરો, પાવર સ્વીચ, ટચ સ્ક્રિન, ડિસ્પ્લે સ્ક્રીન, નેટવર્ક, બ્લુટૂથ, સેટ હેંગ સાથે જોડાયેલી સમસ્યા આવે છે. ટ્રેનિંગ વિના આની મરામત કામચલાઉ જ થાય છે. ખાસ કરીને બ્રાન્ડેડ મોબાઈલ ફોનની મરામત માટે ટ્રેનિંગ લેવી અત્યંત જરૂરી છે. પ્રત્યેક નાના-મોટા શહેરોમાં આઈ.ટી.આઈ. અને અનેક ખાનગી સંસ્થાઓ મોબાઈલ રિપેરીંગના કોર્સ ચલાવે છે. સર્ટિફિકેટ કોર્સ ર-૩ અથવા છ મહિનાના પણ હોય છે.