‘તારીખ પે તારીખ’
લોકોની આસ્થા-લાગણી સાથે જોડાયેલા રામ મંદિરની સુનાવણી ૨ મિનિટમાં ૨ મહિના ટાળી
અયોધ્યા રામ મંદિરનો મામલો હાલ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સમગ્ર મામલાની સુનાવણી તાત્કાલિક ધોરણે હાથ ધરાય તેવી માંગણી કરવામાં આવી હતી જેને માન્ય રાખવામાં આવી. જો કે, આ ખૂબજ વિવાદાસ્પદ મુદ્દાની સુપ્રીમમાં ૨ મિનિટની કાર્યવાહીમાં ૨ મહિના પછી એટલે કે જાન્યુઆરીની તારીખ આપવામાં આવી. કોર્ટની આ સુનાવણીને પગલે સંતો, આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદે વટહુકમની માંગ કરી છે.
૨૦૧૯ની ચૂંટણી આવે તે પહેલા અયોધ્યા અંગે કોઈ નિવેડો આવે તેવું લાગી નથી રહ્યું. દશકાઓથી ચાલતા આ કેસમાં સુપ્રીમમાં જેમ ‘તારીખ પે તારીખ’નો સીન ભજવાય છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, રામ મંદિરને લઈ લોકોની સહનશક્તિની પરીક્ષા થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે આ જગ્યા કોની માલિકીની તે અંગેનો વિવાદ આગામી જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં ‘સક્ષમ બેંચ’ સંભાળશે અને ત્યારબાદ સુનાવણીનું શેડયુલ તૈયાર કરવામાં આવશે.
તો બીજી તરફ આ મામલે વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે વીએચપી સદીઓ સુધી કોર્ટના ચુકાદાની રાહ નહી જોઈ શકે. વીએચપીના કાર્યાધ્યક્ષે કેન્દ્રની મોદી સરકારને શિયાળુ સત્રમાં આ વિષય પર કાયદો બનાવવાનો આગ્રહ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટમાં અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષને રજૂ કરતા કોંગ્રેસના નેતા અને વકીલ કપીલ સિબ્બલે પણ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, જો કેસની સુનાવણી અને ચૂકાદો હાલ કરવામાં આવે છે તો તેની અસર આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણી પર પડી શકે છે.
નોંધનીય છે કે ગત ૨૭ સપ્ટેમ્બરના રોજ પૂર્વ સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નાઝીરની બેન્ચે ૨-૧ની મેનેરિટી સાથે અલ્હાબાદ કોર્ટના ૨૦૧૦ના અયોધ્યા જમીન વિવાદ ચુકાદાની સુનાવણી કરવા તૈયારી દર્શાવી હતી.
જો કે, આ મામલે વકીલોએ કોર્ટને એક નિશ્ચિત તારીખો અને શેડયુલ આપવા કહ્યું ત્યારે પણ સીજેઆઈ ગોગોઈ, જસ્ટિસ એસ.કે.કોલ અને કે.એમ.જોસેફની બેંચે “એપ્રોપ્રિએટ બેંચ નકકી કરશે તેમ કહીને સમગ્ર કેસને જાન્યુઆરી મહિના સુધી પાછળ ધકેલી દીધો હતો.
અને જણાવ્યું હતું કે, કેસની સુનાવણી જાન્યુઆરી, ફેબ્રુઆરી કે માર્ચ મહિના સુધી પણ લંબાઈ શકે છે. કોર્ટ આ ઓર્ડર એવા સમયે આપ્યો જયારે અયોધ્યા મામલે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંત સમાજ રામ મંદિર મુદ્દે સરકાર પર રાજકીય દબાણ લાવી રહ્યું છે.
મહત્વનું છે કે, રામ મંદિરના મુદ્દે એક તરફ લોકોની આસ્થા અને લાગણી જોડાયેલા છે તો બીજી તરફ આ મુદ્દાને લઈ વિવિધ રાજકીય પક્ષ પણ રાજ રમત રમી જાય તેવું લાગી રહ્યું છે.