સિંહ સંરક્ષણ માટે રૂ.૫૦ કરોડના ખર્ચે સાસણમાં હોસ્પિટલ બનાવાશે

સિંહને જંગલનો રાજા કહેવાય છે અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સાસણમાં સિંહો વસવાટ કરે છે. ત્યારે હાલ સિંહની પરિસ્થિતિ ખૂબ ગંભીર હાલતમાં જોવા મળે છે. આ પહેલા પણ સરકારે સિંહોના મૃત્યુઆંક વધતા સિંહોનું મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો હતો. જે હાલ મુલત્વી રખાયો હતો. સિંહોને પડતી મુશ્કેલીના કારણે ઈકો સેન્સેટીવ ઝોન પણ લાગુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વન્ય પ્રાણીનાં ૧૦ કિલોમટરની પેરાફેરીમાં કોઈ પણ પ્રકારના કોમર્શિયલ કામ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

ઉપરાંત આ રેન્જમાં કોઈપણ વન્ય પ્રાણીને હેરાનગતી ન થાય તે માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. ત્યારે હાલમાં ૨૩ સિંહોના કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસના લીધે થયેલા મોત બાદ સરકાર સિંહો માટે વધુ સતર્કતા દાખવી છે. ત્યારે રાજય સરકારે સિંહોના સંવર્ધન અને તેમને અધતન સારવાર મળી રહે તે હેતુથી ૧૦૦ કરોડના ખર્ચે સિંહો તથા અન્ય વન્ય પ્રાણીઓ માટે સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ બનાવાનો નિર્ણય લેવાયો છે.

ઘણા સમયથી વન અધિકારીઓ અને વાઈલ્ડલાઈફ એકસ્પર્ટ દ્વારા ફરિયાદો પણ કરાઈ છે કે સિંહ અભ્યારણની આસપાસ ખાણકામ અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ વધી રહી છે. જે વન્યપ્રાણીઓ માટે નુકશાનકારક છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં હાલ આ મુદે બેઠક મળી હતી. અને વિવિધ પ્રકારનાં કામો તથા યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી.

વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતુ કે, સરકારે સિંહ સંરક્ષણ માટે ૩૫૧ કરોડ રૂપીયા ફાળવ્યા છે. જેમાં ૫૦ કરોડના ખર્ચે સિંહો તથા વન્ય પ્રાણીઓ માટે હોસ્પિટલ સાસણગીર ખાતે બનાવામાં આવશે જેથી કરી કેનાઈન ડિસ્ટેમ્પર સહિતના ગંભીર વાઈરસ તથા રોગોની તપાસ થઈ શકે આ ઉપરાંત વેટરનરીની વિવિધ કેડડમાં પણ નવી આર.ઓ જગ્યાઓ મંજૂર કરાશે તથા ૮ રેસ્કયુ સેન્ટરને પણ આધુનીક બનાવાનો નિર્ણય લેવાયો છે.

વધુમાં વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતુ કે જે રીતે લોકો માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધાઉપલબ્ધ છે. તે જ રીતે વન્યપ્રાણીઓ માટે પણ ઈમરજન્સી એમ્બ્યુલન્સની સુવિધા પુરી પાડવામાં આવશે. અને ૨૪ કલાકની હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવશે.

મોર્ડન ટેકનોલોજીને ઉપયોગમાં લેવાશે એટલે કે જંગલમાંથતી વન્ય પ્રાણીઓની ચહલ પહલ પર ડ્રોન ખરીદવામાં આવશે. જેના દ્વારા જંગલની અંદર તથા તેના આસપાસના વિસ્તારમાં સીસીટીવી દ્વારા ચાંપતી નજર રખાશે. આ પ્રોજેકટ અગાઉ પણ કોરબેટ નેશનલ પાર્કમાં કરાયેલ છે. જે હાલ સાસણ-ગીર પર પણ કરવામાં આવશે.

ઉપરાંત સાસણમાં વધતા જતા લોકોના ઘસારાને ધ્યાનમાં રાખી રાજયમાં અલગ અલગ ૫ જગ્યાઓ પર સફારી પાર્ક બનાવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગાંધીનગર, કેવડીયા, માંડવી, તથા સુરત જીલ્લામાં અને સાઉથ ગુજરાતમાં સફારી પાર્ક બનાવામાં આવશે. ઉપરાંત લુપ્ત થતા પક્ષીઓ અને પ્રાણીઓના સવર્ધન માટે ખાસ બ્રીડીગ સેન્ટર પણ ઉભુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.