ગંગાજળ વિશે આપણે હંમેશા એવી વાત સાંભળતા આવ્યા છીએ કે તે પાણી ક્યારેય ખરાબ નથી થતું અને તેમાં જંતુઓ પણ જોવા મળતા નથી. કહેવાય છે કે ગંગાજળમાંથી ક્યારેય દુર્ગંધ નથી આવતી. ગંગાજળની ખાસિયતો વિશે આપણે ઘણી વાતો સાંભળી છે. ગંગાનું પાણી ક્યારેય ખરાબ ન થવાનું કારણ છે અમુક પ્રકારના વાઇરસ! આ વાઇરસના કારણે પાણીમાં ક્યારેય ખરાબ થતું નથી. આ વાતનાં મૂળ સવાસો વર્ષ પહેલાંની એક ઘટનામાં રહેલા છે. જાણીતા બ્રિટિશ વૈજ્ઞાનિક અર્નેસ્ટ હેન્કિન વર્ષ 1890ના દાયકામાં ગંગાનાં પાણી પર સંશોધન કરી રહ્યા હતા. તે સમયે ગંગાકિનારાના વિસ્તારોને કોલેરાના રોગચાળાએ ભરડો લીધો હતો.
ઘણાં લોકો રોગચાળામાં મૃત્યુ પામ્યા હતા, આવા લોકોના મૃતદેહોને ગંગા નદીમાં ફેંકવામાં આવતા હતા. અર્નેસ્ટ હેન્કિનને ડર લાગ્યો કે ગંગાનાં પાણીમાં નહાતા લોકો પણ ક્યાંક કોલેરાનો ભોગ ન બને, પરંતુ ત્યાં નહાતા લોકોને કોલેરાની અસર ના થઈ. અર્નેસ્ટ હેન્કિને યુરોપમાં એવી પરિસ્થિતિ જોઈ હતી કે ગંદુ પાણી પીવાના કારણે લોકો બીમારીનો ભોગ બનતા હતા. ગંગાનાં પાણીની આ જાદુઈ અસર જોઈ તેઓ આશ્ચર્યચકિત હતા. એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે હેન્કિનનાં આ સંશોધનને વીસેક વર્ષ પછી આગળ વધાર્યું હતું.
આ વૈજ્ઞાનિકને સંશોધનનાં અંતે જાણવા મળ્યું કે ગંગાજળમાં રહેલા વાઇરસ કોલેરા ફેલાવનારાં બેક્ટિરિયાને નષ્ટ કરે છે. આ વાઇરસ ગંગાજળની શુદ્ધતાને જાળવી રાખવા માટે જવાબદાર હતા. જેના કારણે ગંગાનાં પાણીમાં નહાનારા લોકોને કોલેરાની અસર નહોતી થતી. બેક્ટિરિયાને નષ્ટ કરનારા વાઇરસને ‘નિંજા વાઇરસ’ તરીકે ઓળખવામાં આવે છે. ઝીલેન્ડના ઑકલેન્ડની મેસી યુનિવર્સિટી સાથે જોડાયેલા હીદર હેન્ડ્રીક્સન નિન્જા વાઇરસ પર સંશોધન કરી રહ્યા છે.
હીદર હેન્ડ્રીક્સન કહે છે, “એન્ટિબાયોટીકને અસરહીન કરતાં બેક્ટિરિયાનો ભય વધી રહ્યો છે. આપણે એન્ટિબાયોટિક પહેલાં જે યુગ હતો તેમાં પરત ફરી રહ્યા છીએ.” હેન્ડ્રીક્સન કહે છે કે જો આપણે આ મુશ્કેલીથી બચવા માગતા હોઈએ તો નિન્જા વાઇરસ પર વધુ સંશોધન કરવું જોઈએ. તેઓ અન્ય સંશોધકો સાથે વાઇરસની એક યાદી બનાવી રહ્યા છે, જે બેક્ટિરિયાને નષ્ટ કરી શકે.