જૂનાગઢ જિલ્લામા અનેક સ્થળે બૌધ્ધ ગુફાઓ આવેલી છે.જૂનાગઢમાં ભવનાથ તળેટી જતાં રસ્તામાં અશોકનો શિલાલેખ આવે છે. ઊપરકોટના કિલ્લામાં ખાપરા કોઢિયાની ગુફાઓ આવેલી છે.મૂળે એ બૌધ્ધ ગુફાઓ છે.સોમનાથ પાટણ, ગોંડલ પાસે ખંભાલીડાની શૈલ બૌધ્ધ ગુફાઓ, ઢાંકની ગુફાઓ, શિહોર,પાલીતાણા, હડમતિયા, અને ઊનાની પાસે આવેલ સાણા વાંકિયાની બૌધ્ધ ગુફાઓ.ગીરનું જંગલ ત્રણ જિલ્લામાં પથરાયેલ છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. જૂનાગઢમાંથી બે વરસ પેલા બનાવવામાં આવેલા ગીર સોમનાથમાં અને ઊનામાથી બનાવવામાં આવેલા ગીર ગઢડા તાલુકાના વાંકિયા ગામની સાણાની ટેકરીઓમાં આ ગુફાઓ આવેલી છે.
આ ગુફાઓ સ્થાપત્ય કળાનો બહેતરીન નમુનો છે. ખૂબજ ઓછી જાણીતી અને છેક સમુદ્ર કિનારે આવેલા ઊના પાસે આવેલા ગામ વાંકિયાની ઊતરે ગીર જંગલમા સાણાની ટેકરીઓમાં આ ગુફાઓ છે.એક બે ગુફાઓ નહી પુરી 62 ગુફાઓ છે.ઊનાથી 25 કિ મી અને વાંકિયા નામના ગામથી 3 કિ મી દૂર છે.બે સામ સામે આવેલી ટેકરીઓમાં આ ગુફાઓ છે.પાસે જ રુપેણ નામે નદી વહે છે. ટેકરીઓ પાસે વિશાળ ડેમ છે. જે પાણીથી ભરેલો છે. ટેકરીઓ પરથી નજર નાખો તો દૂર દૂર સુધી ટેકરીઓની હારમાળા નજરે પડે. આંખોને ઠારે એવી ગીરના જંગલની હરીયાળી નજર પડે ત્યાં લગી છવાયેલી જોવા મળે છે. તળેટીથી ઊપર તરફ ચડતા ક્રમે ગુફાઓ છે.અંહી પાંચેક ગુફાઓ ખૂબજ મોટી છે.લોકોએ અનુકુળતા પ્રમાણે અને કર્ણોપકર્ણ લોકવાયકા મુજબ ગુફાઓના નામ પાડી દીધા છે.
એભલમંડપ, ભીમચોરી, પાંડવ ગુફા,,, માતાજીનો મઢ વગેરે….
એક ટેકરીના ચડવાના પગથીયા પાસે પુરાતન વિભાગે બૌધ્ધ ગુફાઓના રક્ષણ માટે ચેતવણી બોર્ડ લગાવેલ છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામા લગાડેલા રક્ષિત બોર્ડ માંથી ગુજરાતીમાં લખેલાં બૌધ્ધ શબ્દને ભૂૂંસી નાખવામાં આવ્યો છે.જે લોકોનું બૌધ્ધ ગુફાઓ વિશેનું અગ્નાન પ્રગટ કરે છે. એવી જ રીતે પુરાતત્વ વિભાગની ઢીલાશ કહો કે બેદરકારી એક વિશાળ ગુફા પર બિન ગેર કાયદેસર માતાજીનો મઢ બનાવી લેવામાં આવ્યો છે. જો કે સરકાર આવી ઐતિહાસિક ધરોહર તરફ ધ્યાન આપે એમ લોક લાગણી છે. કેમ કે આ કબજો ઘણા વરસોથી કરવામાં આવેલ છે.પુરાતન વિભાગની રક્ષિત બોર્ડ પૂરતી મર્યાદા અન્ ચૂપકિદી આવી ઐતિહાસિક વિરાસતને ગુમનામીમા ધકેલી દેશે.સમયની સાથે લુપ્ત પામશે.
મારે વાત કરવી છે સાણાની બૌધ્ધ ગુફાઓ વિશે, ગુફાઓ કુદરતી પણ હોય છે કે પછી દુશ્મનોથી બચવા બનાવવામાં આવતી હતી. આ ગુફાઓ કુદરતી નથી કે નથી દુશ્મનોથી બચાવવા માટે બનાવવામાં આવી. આ ગુફાઓ એક સમયે બૌધ્ધ વિદ્યાપીઠ હશે. વિદ્યાઅભ્યાસ માટેની વિપશ્યના કેન્દ્ર રહી હશે. કારણ કે એકાદ બે ગુફા નથી પૂરી 62 ગુફાઓ છે. ગુફાઓનું સ્થાપત્ય કહે છે કે અંહી વિહારો, સ્તુપો, ચૈત્ય, વિપશ્યના કેન્દ્ર, ધમ્મદેશણા અને કલાનો સંગમ એક સાથે જોવા મળે છે. નેપાળ અને સારનાથ માં આવેલા ચૈત્ય અને સ્તુપ જેવા સ્તુપ અને ચૈત્ય અંહી છે. અજંટા અને ઈલોરામાં આવેલી ગુફાઓ જેવી જ ગુફાઓ છે.ધ્યાન કુટીરો પણ છે.
એભલમંડપ:- ટેકરીની નીચે આવેલી આ ગુફા ખૂબ જ વિશાળ છે.21 મીટર પહોળાઈ અને 22 મીટર ઊંડાઈ ધરાવતી આ ગુફાની ઊંચાઈ 16 ફૂટ છે.આગળના ભાગે 6 ગોળાકાર સ્તંભ આવેલા હતાં.હાલ માત્ર 2 સ્તંભ છે. બાકીના સ્તંભ કાળ ક્રમે જાળવણીના અભાવે વિલય પામ્યા છે. પાછળની દિવાલ વરસાદી પાણીથી ધોવાઈ ગઈ છે.અેક ખૂણાના ઊપરના ભાગેથી વરસાદી પાણી અંદર આવવાથી તે જગાએ બાકોરુ પડવાની શક્યતા દેખાય છે. આગળના 4 સ્તંભો પડી ચૂક્યા છે.જેની નિશાનીઓ દેખાય છે. આ ગુફાની વિશાળતા દર્શાવે છે કે અંહી સમુહમા ધમ્મચર્ચા કે ધમ્મ દેશણા માટે એકત્રીત થતા હશે.સામે ખુલ્લુ મેદાન છે.
ટેકરીની ઊપર જતાં એક પછીએક ગુફાઓ ચડતા ક્રમે આવે છે.જેમ જેમ ઊપર જશો તેમ તેમ આસપાસની હરીયાળીના સુંદર દર્શન થાય છે. ચારે તરફ ફેલાયેલી લીલોતરીથી મનને ટાઢક વળે છે.
ભીમચોરી:- આ ગુફા પણ ખૂબ મોટી છે.ગુફાની અંદર 4 ગોળાકાર સ્તંભ આવેલા છે.આ ચાર સ્તંભ લગ્ન મંડપ જેવા લાગે છે. જેથી લોક વાયકા પ્રમાણે અંહી ભીમના લગ્ન થયા હશે એવી માન્યતાના આધારે આ ગુફાનુ નામ ભીમચોરી લોકોએ પાડ્યુ છે. જોકે પાંડવોનો સમય કાળ 5000 વરસ પૂર્વેનો માનવામાં આવે છે.આ ગુફાઓનો સમય ગાળો ઈ.સ. પૂર્વે પહેલી સદી આસપાસ માનવામાં આવે છે.ઊપરાંત પાંડવોના ગુફાઓ સાથેના અન્ય કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી. જેથી આ ભીમચોરી નથી પણ હાથવગા કથાના પાત્રને બંધ બેસતુ નામ આપવાની લોકવાયકાથી વિશેષ નથી.
બાજુની એક ગુફા પણ પ્રમાણમા મોટી છે. તેની ફરતે દિવાલ સાથે પાટલીઓની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે. જેની પર લોકો માનતાની પથ્થરની નાની નાની ઢગલીઓ કરી છે.એક કાળે આ પાટલીઓ પર બેસી ભિખ્ખુઓ વંદના કરતા હશે. બુધ્મ્ શરણમ ગચ્છામી ,ધમ્મ શરણમ્ ગચ્છામી નું પઠન કરતાં હશે.
અંહી બીજી એક નાની ગુફામાં સ્તુપ આવેલો છે.8 ફૂટ ઊંચો ગોળાકાર સ્તુપ ઊપરના ભાગેથી સારનાથમાં આવેલા સ્તુપ જેવો લાગે છે. ઊપર ચડવુ અઘરું છે. પરંતુ કહેવાય છે કે સ્તુપની ઊપરના ભાગે કાણુ છે. નિર્વાણ પામતા ભિખ્ખુના અસ્થિ અંહી રાખવામાં આવતાં હતાં.ઊપર જતાં અન્ય અેક ગુફામા ચેત્ય છે. જેની હાલત જર્જરિત છે. આ ચેત્યમાં ખાંચા ખાંચા પડી ગયા છે.ટેકરી પર ચડવા માટે ટેકરીને કોતરીને પગથીયા બનાવવામાં આવ્યાં છે.ટેકરીની ટોચ પર પંહોચો તો સામેની ટેકરીમાં આવેલી સુંદર ગુફાઓ નિહાળવા મળે છે.આસપાસના પ્રાકૃતિક સોંદર્યતાના દર્શન થાય છે. દૂર દૂર ખેતરોમા લહેરાતા પાક જોવા મળે છે. થોડે દૂર ગાઢ ગીરનું જંગલ છે. દિ આથમતા ડાલામથા સિંહ બાજુમાં આવેલા ડેમમાં પાણી પીવા અને શિકારની શોધમાં આવી ચડે છે.
બાજુમાં આવેલી ટેકરી ઊપરની વિશાળ ગુફામાં માતાજીનો મઢ બનાવી લીધો છે. આ ગુફા સૌથી વિશાળ ગુફા હશે. તળેટીથી 200 ફૂટ ઊપર છે. જેમા જમવાની બેઠક. રસોડુ, મંદિર, મોટુ પટાંગણ વગેરે …. છે. અંહી દિવાલમાં જૂની લાલ રંગથી રંગેલ તથાગત બુધ્ધની મૂર્તિ કંડારેલી દેખાય છે. આ મઢની છત અન્ય ગુફાઓ જેવી છે. બાકીના ભાગને લાદી વડે ઢાંકી દીધો છે. અંહી વિશાળ બોધ્ધી વૃક્ષના દર્શન થાય છે. આ ટેકરીની પાછળના ભાગે હારબંધ પાણીના કૂવા જોવા મળે છે. કૂવા પાણીથી છલોછલ ભરેલાં છે. એ સમયની બૌધ્ધભિખ્ખુઓની કારીગરીનો બહેતરીન નમૂનો છે. કૂવામાં વરસાદનું પાણી આવે એ રીતે ઊપરના ભાગેથી નીક બનાવવામાં આવી છે.આજે પણ કૂવામાં તાજુ પાણી છે. ઊપર લગી કૂવા ભરેલા છે.ત્યાંથી નજર કરો એટલે નીચે ડેમ દેખાય છે.
સાણા ટેકરીઓનું નામ છે.ટેકરીઓના નામ પરથી સાણાની ગુફાઓ નામ પડ્યું છે. બાકી આ ગુફાઓ એક કાળે બૌધ્ધ સંસ્કૃતિની ભવ્ય વિદ્યાપીઠ રહી હશે. એટલે આ વિહારોની ખ્યાતી દેશ દેશાવર સુધી વિસ્તરેલી હતી.
આ સાણા બૌધ્ધ ગુફાઓની મુલાકાત ચિનના પ્રવાસી હુઆન શ્વાંગ પહેલાએ લીધી હતી. તે બૌધ્ધ ધમ્મના અભ્યાસ અર્થે ચિનના બર્ફિલા પહાડો, ખીણો અને દુર્ગમ જંગલો વચ્ચેથી હજારો માઈલોનો પ્રવાસ કરી 28 વરસે ભારતમાં આવ્યો હતો અને 16 વરસ ભારતમાં રહ્યો હતો.તે દરમ્યાન તેણે સાણા બૌધ્ધ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.તે નોંધે છે કે અંહી બૌધ્ધ ભિખ્ખુઓ બૌધ્ધ ધર્મનો અભ્યાસ, બૌધ્ધ દર્શન શાસ્ત્રનો , ઈતિહાસ, કલા, અને બૌધ્ધ સંસ્કૃતિનો અભ્યાસ કરતાં હતાં.
આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પણ 90 વરસ પહેલાં ઊંટ પર બેસીને આ સ્થળની મુલાકાત લીધી હતી તેવો ઊલ્લેખ તેમના પુસ્તક “સૌરાષ્ટ્રના ખંડેરોમાં” સાંપડે છે.
ચૈત્ય અને સ્તુપ અંહી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.હાલ તમામ ગુફાઓની હાલત જર્જરિત છે.સરકારના પ્રવાસન અને પુરાતન વિભાગની ઘોર ઊદાસિનતાને લીધે આ ઐતિહાસિક વિરાસત ખંડેર બની ચૂક્યું છે. ગુજરાતના સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યના વારસામાં બૌધ્ધ ધર્મનું પ્રદાન નોંધપાત્ર છે.
સાણાની બૌધ્ધ ગુફાઓ વિશ્વ કક્ષાએ ગુજરાતની સ્થાપત્ય કલાનો અગ્રિમ વારસો બની શકે તેમ છે. અજોડ અને બેનમૂન કારીગરીના દર્શન થાય છે. ગુજરાતના ગૌરવ સમાન ઐતિહાસિક વારસની જાળવણીના અભાવે આ બૌધ્ધ ગુફાઓ મૂંગી મૂંગી હીજરાય રહી છે. તેમની કરાળ દિવાલો માથી બુધ્મ્ શરણમ્ ગચ્છામીનો ઘોષ સંભળાય રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com