જાણતા અજાણતા ફેંકી દેવાયેલી દવાઓ માટીમાં ભળી જઈ અનાજ અને દૂધમાં આવતી હોવાનો એઈમ્સના રિસર્ચમાં દાવો
સામાન્ય બિમારી હોય કે પછી તાવ આવ્યો હોય કે કમરો, ઝાડા-ઉલ્ટી કે મેલેરિયા જેવી બિમારીમાંથી સાજા થયા બાદ આપણે જાણતા અજાણતા બાકી વધેલી એન્ટીબાયોટીક સહિતની દવાઓ કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ કચરા ફેંકેલી આ એન્ટીબાયોટીક દવાઓ ભવિષ્યમાં મનુષ્યજાતી, પશુ-પંખીઓ અને પર્યાવરણ માટે ખુબ જ જોખમી હોવાની ચેતવણી એઈમ્સના તબીબોએ આપી આવી દવાઓને જયાં ત્યાં નિકાલ ન કરવાની આદત પાડવા ભાર મુકયો છે.
એઈમ્સના ઓકયુલર ફાર્મસી ડિવીઝન દ્વારા ૨૦૧૫માં અભ્યાસ શરૂ કરી યમુના નદીમાં વહાવવામાં આવતી એન્ટીબાયોટીક દવાઓ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં ચોંકાવનારી હકિકત સામે આવી હતી અને એન્ટીબાયોટીક દવાનો નાશ ન કરી શકાતો હોવાનું તથ્ય સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જયાં ત્યાં કચરામાં કે અન્ય જગ્યાએ એન્ટીબાયોટીક દવાઓનો નિકાલ કરવામાં આવ્યા બાદ આ દવા માટી અને પાણીમાં ભળી જતી હોય છે અને બાદમાં વનસ્પતીમાં એન્ટીબાયોટીક દવાના ગુણો આવી જતા આ આડ અસરના કારણે આવુ ઘાસ ખાવાથી કે પછી ધનધાન્યમાં એન્ટીબાયોટીકની અસરો આવી જતા તે છેલ્લે તો પશુઓના દુધ મારફતે કે અનાજ-કઠોળ મારફતે ફરીથી આપણા શરીરમાં પ્રવેશી નુકસાન કરી રહ્યા હોવાનું પણ સંશોધનમાં જણાવાયું છે.
દરમિયાન એન્ટીબાયોટીક દવાઓનો કચરામાં નિકાલ કર્યા બાદ માટી પાણીમાં ભળી જવાથી સુપરબગ પણ અસ્તિત્વમાં આવતા હોય છે આવા સુપરબગને નેસ્ત નાબુદ કરવા માટે એન્ટીબાયોટીક દવા કારગત નિવડતી હતી. એઈમ્સના તબીબ ટી રેલપનાદીન દ્વારા ૭ જગ્યાએથી પાણીના નમુના લેવામાં આવ્યા હતા અને દિલ્હી એનસીઆર વિસ્તારમાંથી તેમજ ગાઝીપુર લેન્ડફીલ સાઈટ પરથી પણ નમુના લેવાતા આ નમુનાઓમાં એન્ટીબાયોટીક દવાઓના ચોંકાવનારા અવશેષો મળી આવ્યા હતા.
આ સંજોગોમાં એટલું તો સ્પષ્ટ છે કે પોસતું તે મારતું કહેવત મુજબ જો આવનાર દિવસોમાં મનુષ્ય જાતી પોતાના સ્વાસ્થ્ય સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટીક દવાઓનો જો યોગ્ય નિકાલ નહીં કરે તો આવનારા દિવસોમાં સમસ્ત મનુષ્ય જાતી તો ઠીક પરંતુ અબોલ પશુધન અને વનસ્પતી તેમજ પર્યાવરણને પણ આ એન્ટીબાયોટીક દવાઓ ખુબ જ મોટાપાયે નુકસાન કરી શકે તેમ હોવાની એઈમ્સ દ્વારા ચેતવણી અપાઈ છે ત્યારે હવે આડેધડ દવાનો ઉપયોગ કરવાની ટેવ સુધારવાની સાથે-સાથે દવાના ઉપયોગ બાદ વધેલી દવાનો યોગ્ય નિકાલ કરવાની ટેવ પણ કેળવવી પડશે અન્યથા ભવિષ્યમાં આવનારી પેઢી માટે મોટો ખતરો ઉભો થશે.