ભારતીય ઓલિમ્પિક સંઘની આગામી ચુંટણી 10 ડિસેમ્બરે યોજાનાર છે જેમાં ચૂંટણીમાં અધ્યક્ષ પદ માટે પીટી ઉષા એકમાત્ર ઉમેદવાર છે. 58 વર્ષીય પીટી ઉષાએ ગઈકાલે અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે તેમની ટીમના 14 લોકોએ પણ અન્ય પદો માટે ઉમેદવારી નોંધાવી હતી.
ભારતીય ઓલિમ્પિક સંઘની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ઉલ્લેખનીય છે કે પીટી ઉષા એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા રહી ચૂક્યા છે. 1984 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલ્સની ફાઇનલમાં તેઓ ચોથા સ્થાને રહ્યા હતા.
ભારતીય ઓલિમ્પિક સંઘના 95 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ઓલિમ્પિયન અને આંતરરાષ્ટ્રીય ચંદ્રક વિજેતા તેના પ્રમુખ બનવા જઈ રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘના અજય પટેલ વરિષ્ઠ ઉપાધ્યક્ષ બનવાના છે. આ પદ માટે તેઓ એકમાત્ર ઉમેદવાર છે
પીટી ઉષાના જીવન કાળ વિષે માહિતી
ઉષા, પી. ટી. (જ. 20 મે 1964, પાયોલી, કેરળ) : ભારતની શ્રેષ્ઠ દોડરાણી. ભારતીય ખેલકૂદના ક્ષેત્રમાં મિલ્ખાસિંહ પછી સૌથી તેજ ધાવક કોઈ પાક્યું હોય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદના તખ્તા પર ભારતનું નામ કોઈએ સૌથી વધુ રોશન કર્યું હોય તો તે એશિયાઈ દોડરાણીએ. તે ‘ફ્લાઇંગ રાણી’, ‘પાયોલી એક્સપ્રેસ’, ‘ગોલ્ડન ગર્લ’ જેવા જુદા જુદા નામે રમતગમતના ક્ષેત્રમાં જાણીતાં છે.
તેમનું પૂરું નામ પિલૂવાલકંડી થેક્કેપરમબિલ ઉષા છે. પિતા ઈ. પી. એમ. પ્યાથલની પાયોલીમાં કાપડની દુકાન હતી. માતાનું નામ લક્ષ્મી. તેઓ ચોથા ધોરણમાં હતા ત્યારે શાળાના કસરત માસ્ટર બાળકૃષ્ણને તેમને સાતમા ધોરણના એક ધાવિકા સાથે દોડવાનું કહ્યું. તેમાં તેઓ વિજયી બન્યા. રમતગમત ક્ષેત્રે ધાવિકા તરીકે આ તેમનો પ્રવેશ ગણાય છે. તે સાતમા ધોરણમાં હતા ત્યારે તેમણે સબ-ડિસ્ટ્રિક્ટ દોડ સ્પર્ધામાં ભાગ લીધો અને ચૅમ્પિયન બન્યા. આ સ્પર્ધાઓમાં તેમને ચાર પ્રથમ અને એક બીજા ક્રમનાં પારિતોષિકો મળ્યાં હતાં. 1976માં તેઓ કન્નુર ખાતેના રમતગમત તાલીમકેન્દ્રમાં દાખલ થયાં. 12 વર્ષનાં હતાં ત્યારે કેરળની પ્રથમ ખેલકૂદ સ્પર્ધામાં તેમની 40 છોકરીઓમાં પસંદગી થઈ હતી. એ શાળામાં ઓ. એમ. નામ્બિયાર નામના શારીરિક શિક્ષણના પ્રશિક્ષક હતા. ઉષાના પાતળા પગોમાં રહેલી દોડ-શક્તિને પારખીને તેમણે તેમને વિશેષ તાલીમ આપવી શરૂ કરી.
1976માં તેઓ સૌપ્રથમ વાર ખેલકૂદના રાષ્ટ્રીય તખ્તા પર ઊતર્યા. આ પ્રથમ પ્રયાસે જ ઉષા 100 મીટર દોડ, 80 મીટર દોડ, લાંબો કૂદકો તથા રીલે દોડમાં 4 સુવર્ણચંદ્રકો જીતી લાવેલાં.
1978માં વિદ્યાલયોની ખેલકૂદ સ્પર્ધાઓમાં ઊંચો કૂદકો, 100 મીટર દોડ, 200 મીટર દોડ અને 60 મીટર વિઘ્નદોડ વગેરે સ્પર્ધાઓમાં તેમણે વિજયચંદ્રકો જીત્યા હતા.
1985માં ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા ખાતે યોજાયેલી છઠ્ઠી એશિયાઈ ખેલકૂદ સ્પર્ધાઓમાં પી. ટી. ઉષાએ પાંચ સુવર્ણચંદ્રકો જીતીને પોતાનું ખમીર બતાવ્યું હતું. 100 મીટર દોડ, 200 મીટર, 400 મીટર, 400 મીટર વિઘ્ન દોડ અને 4 x 400 મીટર રીલે દોડમાં તેમણે પાંચ સુવર્ણચંદ્રકો જીત્યા હતા. એ સમયે તેમની ખ્વાહિશ તો છ સ્પર્ધાઓમાં છ સુવર્ણચંદ્રકો જીતવાની હતી. પી. ટી. ઉષાની આ અદભુત સિદ્ધિના પ્રતાપે ‘એશિયાઈ ખેલકૂદરાણી’નો ઇલકાબ તેમને મળ્યો છે.
દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલ ખાતે 1986માં દશમા એશિયાઈ રમતોત્સવમાં ઉષાએ 5 રમતસ્પર્ધાઓમાં ભાગ લઈને 4 સુવર્ણચંદ્રકો જીત્યા હતા. પી. ટી. ઉષાની આ અસાધારણ સિદ્ધિથી વિશ્વભરના ખેલકૂદક્ષેત્રમાં ભારતનું ગૌરવ વધી ગયું.
1986ના તેમના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના પ્રભાવક દેખાવના કારણે ભારત સરકારે પી. ટી. ઉષાને ‘પદ્મશ્રી’ અને ‘અર્જુન’ એવૉર્ડથી વિભૂષિત કર્યાં હતાં.
અમેરિકાની એક સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ સ્પૉર્ટ્સ અકાદમીએ 1987માં પી. ટી. ઉષાને ‘એશિયન એથલેટ 86’નો ખિતાબ એનાયત કરીને આ ઉચ્ચ સન્માનરૂપે તેમને ‘શેખ એહમદ બીન – ઇન્સા અલ ખલીફા ટ્રૉફી’ અર્પણ કરેલી છે.