જામનગરના રાજવી પરિવારના રાજકુંવર શત્રુશલ્યસિંહજીની ફરીએકવાર તબિયત ખરાબ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શત્રુશલ્યસિંહજી છેલ્લા કેટલાક સમયથી માથાના દુઃખાવા અને ચક્કર આવવા જેવી બીમારીમાં સપડાયેલા છે. શત્રુશલ્યસિંહની તબીયત ખરાબ થઇ હોવાના સમાચાર મળતા જ હાલારવાસીઓ જામ સાહેબ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. હાલમાં જ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વડાપ્રધાન મોદીએ જે હાલારી પાઘડી પહેરી હતી એ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ જ ભેડ સ્વરૂપે આપી હતી.
જામ સાહેબ શત્રુશલ્યસિંહજીનો જન્મ 20 માર્ચ 1939માં જામનગરમાં થયો હતો. નિવૃતી બાદદ રાજવી શત્રુશલ્યસિંહજી જામનગર અને બરડા ડુંગરમાં આવેલી કિલ્લેશ્વર ખાતે સમય વિતાવી રહ્યાં છે. શત્રુશલ્યસિંહજીનો પ્રકૃતિપ્રેમ જગજાહેર છે. શત્રુશલ્યસિંહજીએ જામનગર શહેરની વચ્ચે આવેલા સાર રસ્તા સામે રાજવીની અનેક એકર જમીન પર પશુઓનું જતન કરવામાં આવી રહ્યું છે. શત્રુશલ્યસિંહજીના નેપાળી રાજવી પરિવારની રાજકુમારી સાથે લગ્ન થયા હતા. વર્ષ 1966માં શત્રુશલ્યસિંહજીને જામ રાજવી તરીકેની જામ સાહેબની પદવી આપવામાં આવી હતી.
દાદા રણજીતસિંહની જેમ જ ક્રિકેટનો શોખ
જામનગરનો રાજવી પરિવારનું ક્રિકટના ઇતિહાસમાં મોટું નામ છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી રણજીટ્રોફી જેમના નામ પર રમાઇ રહી છે એવા જામ રણજીતસિંહના પૌત્ર છે. તો શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજયસિંહજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા. તો શત્રુશલ્યસિંહજી જાણીતા ક્રિકેટર દુલિપસિંહજીના ભત્રીજા છે. રાજવી શત્રુશલ્યસિંહજી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે. 1957-58માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર રાજવી શત્રુશલ્યસિંહજી 29 મેચ રમ્યા હતા. આ દરમિયાન તેઓએ 22.57 સરેરાશથી 1061 રન બનાવ્યા હતા. જેમાં સર્વાધિક 164 રન બનાવ્યા હતા. આ સિવાય પાંચ અર્ધ સદી પણ ફટકારી હતી. એટલું નહીં શત્રુશલ્યસિંહજી બોલિંગ પણ કરતાં હતા, તેઓએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 36 વિકેટ પણ ઝડપી છે. રાજવી શત્રુશલ્યસિંહજી 1972માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ઇંગ્લેન્ડની માલ્વેર્ન કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. અહીં તેઓએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરી હતી. અહીં તેઓએ 1957માં 42 વિકેટ ઝડપી 166 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓફ બ્રેકમાં ફાસ્ટ બોલિંગ કરવા બાબતે ખુબ જ ફેમશ હતા.