આસન હઠયોગનું પ્રથમ અંગ કહેવાયું છે. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. પતંજલિની વ્યાખ્યા પ્રમાણે સ્થિર અને સુખમય અવસ્થા આસન છે. પોતપોતાની પ્રકૃતિ, શારીરિક સમસ્યાઓ પ્રમાણે દરેક વ્યક્તિ જુદાં-જુદાં આસનો કરી શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. કેટલાક આસનો વ્યક્તિ માટે બહુ લાભકારી સિદ્ધ થાય છે તો કેટલાક આસનો ટાળવા પણ પડે છે.
આસનો વહેલી સવારે કે સાંજે કરી શકાય. સવારે કરવાથી વધુ લાભ થાય છે, કારણ કે સવારે વિચારો ઓછા હોય છે, મન પ્રફુલ્લિત હોય છે અને આસનો કર્યા પછી આખો દિવસ તાજગીનો અહેસાસ રહે છે.
સ્નાન કર્યા પછી આસનો કરવા એ વધુ સારું છે.
આસનો હંમેશા ખાલી પેટે કરવા. ખાધા પછી દોઢેક કલાકના સમય બાદ જ આસનો કરવા. આસનો કર્યા પછી કલાક સુધી ભોજન ન કરવું.
યોગ ઘરમાં, બગીચા, યોગા ક્લાસિસ કે કોઈ શાંત જગ્યાએ પણ અને ગમે તે સમયે કરી શકાય છે.
એક વખત ઉતારેલું વજન જાળવી રાખવા માટે યોગ સારો અને સરળ રસ્તો છે.
દિવસમાં ૪૫ મિનિટથી ૬૦ મિનિટ યોગ કરવો જોઇએ. યોગ એ વ્યક્તિના મેટાબોલિઝમને સીધી રીતે અસર કરે છે. આ ઉપરાંત શરીરના જુદા જુદા હોર્મોન્સને બેલેન્સ કરે છે.