ગરબોએ એક લોક સંસ્કૃતિ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં.
ગુજરાતી ગરબાનો ઈતિહાસ બહુ જૂનો છે. ગરબાનું મૂળ ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલામાં છે એમ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ ‘રાસેશ્વર’ છે. પૌરાણિક કથાઓ મુજબ શરદઋતુમાં ગોપીઓ શ્રીકૃષ્ણને રાસ રમવાની વિનંતીકરે છે ત્યારે રચાય છે તે ‘હમચી’. પછીથી તેમાં લય ઉમેરીને હિંચ આવી. હિંચ અને હમચી બન્ને નૃત્યના પ્રકાર છે. હમચી ખૂંદવી અને હિંચ લેવી એવું કહેવાય છે. પુરુષો અને સ્ત્રીઓ હાથની તાળીઓ અને પગના ઠેકા સાથે વર્તુળાકારે ઘૂમે છેતેને હમચી લેવી અને હિંચ લેવી કહે છે.
કૃષ્ણ લીલામાં રાસ હતા અને ગરબા રાસનો જ એક પ્રકાર છે એવું મનાય છે. રાસના ત્રણ પ્રકાર છે. લતા રાસક એ બે-બેના યુગલમાં લતા અને વૃક્ષની જેમ વીંટળાઇને રચાતો રાસ છે જ્યારે દંડ રાસક દાંડિયા રાસ છે. મંડલ રાસકને તાલીરાસક અથવા તાલ રાસક કહે છે. આ રાસ ગરબા રૂપે અવતરીત થયો હોવાનું અનુમાન છે. માત્ર તાલીઓના તાલ આપી સંગીતપૂર્વક પગના ઠેકા સાથે સ્ત્રીઓ-સ્ત્રીઓ, પુરુષો-પુરુષો કે સ્ત્રીઓ-પુરુષો ગોળાકારે સાથે ફરીને રાસ નર્તન કરે તેને તાલીરાસક કે મંડલરાસક કહેવાય છે. જે હલ્લીસકનૃત્તનો એક પ્રકાર છે.