ઘણા લોકોને ખબર નથી હોતી કે શિવરાત્રિ દર મહિને આવે છે. ભારતીય કેલેન્ડર પ્રમાણે પ્રત્યેક મહિનામાં વદ પક્ષની ચૌદશ તિથિ એટલે શિવરાત્રિ. પરંતુ શિવપુરાણ અનુસાર મહા વદ ચૌદશના દિવસને મહાશિવરાત્રિ કહેવાય છે.શિવભક્ત આ દિવસે વ્રત રાખીને પોતાના આરાધ્યનો આશિર્વાદ પ્રાપ્ત કરે છે. ત્યાર આવો સમજીએ શિવરાત્રિ અને મહાશિવરાત્રિ વચ્ચેનું અંતર…
દરેક મહિને વદ પક્ષ એટલે કે અંધારીયા કે કૃષ્ણ પક્ષમાં આવતી ચૌદશ ને શિવરાત્રિ કહેવાય છે. જ્યારે મહા વદ ચૌદશને મહાશિવરાત્રિ કહેવાય છે.
વર્ષમાં આવતી 12 શિવરાત્રિમાં મહાશિવરાત્રિનું મહત્વ સૌથી વધુ છે. આ દિવશે ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં લોકો દીપસ્તંભ લગાવે છે. દીપસ્તંભ એટલા માટે લગાવે છે કે જેથી લોકો શિવજીના અગ્ની સ્વરુપ અનંત લિંગનો અનુભવ કરી શકે.મોટાભાગના લોકો માને છે કે મહાશિવરાત્રિના દિવસે શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા. પરંતુ શિવ પુરાણમાં એક કથા આવે છે.
જે મુજબ સૃષ્ટીની શરુઆતમાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે વિવાદ થયો કે બંનેમાંથી કોણ વધુ શ્રેષ્ઠ છે. બંને ઝગડી રહ્યા હતા ત્યારે જ બંનેની વચ્ચે એક વિશાળ અગ્નિ સ્તંભ પ્રગટ થયો જેના તેજને જોઈને બંને આશ્ચર્યચકિત થઈ ગયા.આ સ્તંભનું મૂળ સ્વરુપ જોવા માટે વિષ્ણુ વરાહનું સ્વરુપ ધારણ કરીને પાતાળ તરફ ગયા અને બ્રહ્મા હંસનું સ્વરુપ ધારણ કરીને આકાશ તરફ ઉપર ગયા. બંને દેવતાઓના ખૂબ પ્રયાસ બાદ પણ આ લિંગનો જ્યારે કોઈ છેડો ન મળ્યો ત્યારે સ્તંભમાંથી ભગવાન શિવે દર્શન આપ્યા. આ દિવસથી જ ભગવાન શિવનું પ્રથમ પ્રાકટ્ય મહાશિવરાત્રિના દિવસે મનાય છે અને ઉજવવામાં આવે છે.પૌરાણિક ગ્રંથો અનુસાર સમુદ્ર મંથન વખતે તેમાંથી અમૃતની પહેલા હળાહળ નામનું વિષ-ઝેર નીકળ્યું જે એટલું ઝેરી હતું કે તેમાંથી નીકળતી ગરમીથી જ જીવજંતુ મરી રહ્યા હતા અને સંસાર પર સંકટ પેદા થઈ ગયું હતું.
જેથી દેવતાઓની સ્તુતી બાદ ભગવાન શંકરે સૃષ્ટીના રક્ષણ માટે આ હળાહળ વિષને પોતાના ગળામાં ધારણ કરી લીધું.આ વિષ એટલું તો ઘાતક હતું કે ભગવાન શિવનું ગળું નિલા કલરનું થઈ ગયું જેના પરથી તેમનું એક નામ નિલકંઠ પડ્યું આ વિષમાં એટલી ગરમી હતી કે થોડીક જ વારમાં ભગવાન શિવના શરીરમાં પાણીની અછત થવા લાગી અને તેમનું માથું ગરમ થવા લાગ્યું. જેથી દેવાતાઓએ તેમના મસ્તક પર જળ ધારા કરી અને બિલ્લી પત્ર ચઢાવ્યા. બીલીપત્રની તાસીર ઠંડી હોવા સાથે તે શરીરમાં પાણીની ઉણપને પણ દૂર કરે છે. જેના કારણે ભગવાન શંકરને ખૂબ જ આરામ મળ્યો અને તેમણે પ્રસન્ન થઈને દેવતાઓને આશિર્વાદ આપ્યા.આ કારણે મહાશિવરાત્રિના દિવસે મહાદેવને બીલીપત્ર અને જળ-દૂધ ચઢાવવામાં આવે છે.