આપણી હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારોમાંનો એક લગ્ન સંસ્કાર છે. શુભ પ્રસંગોમાં સગાઇને લગ્ન આનંદ ઉલ્લાસનો ઉત્સવ હોય છે. છોકરા કરતાં છોકરીના લગ્ન પ્રસંગે પરિવારજનોનો આનંદ અનેરો હોય છે. વિવિધ તૈયારીઓ સાથે કન્યાને લગ્ન મંડપમાં આવે ત્યારે તેનો 16 કલાએ શણગાર સસુર કે પિયર પક્ષ માટે બહુ જ મહત્વનો હોય છે. પાનેતર અને ઘરચોળા સાથે વિવિધ આભુષણો સાથે હેર સ્ટાઇલ કન્યાને અનોખો લુક આપે છે.

પરણેતરને મામા તરફથી અપાતું પાનેતર બે મા જેટલો સ્નેહ આપે જયારે ઘરચોળું પરણેતરના સાસરેથી આવે છે.

છાબ ભરતી વેળાએ ઘરનાં મોભીના હાથમાં શોભતા ઘરચોળામાં સાસરીની આ ન લપેટાયેલ હોય છે

કન્યાના મા-બાપ સાથે તેના મામાને લગ્ન વિધીમાં જોડવામાં આવે છે. જાનૈયાની સારસંભાળ સાથે છેલ્લે કન્યા વિદાયનો કરૂણ પ્રસંગ પણ આવે છે. “દિકરીને ગાય દોરે ત્યાં જાય, દિકરી તો પારકી થાપણ કહેવાય” જેવા ગીતો સાથે “બાબુલ કી દુવાએ લેતી જા, જા તુ જ કો સુખી સંસાર મીલે” અચુક સાંભળવા મળે છે.

બે વિજાતિય દેહનું જોડાણ એટલે લગ્ન, તેના સાચો અર્થ છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા, પ્રેમ પ્રગટે, આત્મીયતા વધે અને આંતરિક સૌદર્યને જોઇને સુખનો અનુભવ થાય એ જ સાચુ લગ્ન, લગ્નમાં સૌથી અમુલ્ય પાનેતર અને ઘર ચોળું છે, એ સાડી હોવા છતાં બન્ને વચ્ચે કેટલો ભેદ છે. પરણેતરને એટલે કે કન્યાને પિયર પક્ષ તરફથી પાનેતર અને સસુર પક્ષ તરફથી ઘરચોળું અપાય છે. જે પહેરીને કન્યા અગ્નિની સાક્ષીએ લગ્નજીવનનાં સાત ફેરા ફરે છે.

કોઇપણ યુવતિ માટે પાનેતર તેના જીવનનું આગવું મહાત્મય હોય છે, જેની સાથે પોતીકું અંગત અને લાગણી ભર્યુ સંસ્મરણ જોડાયેલું હોય છે. આપણે બધાએ ઘણા લગ્નો મોજથી માણ્યા હશે પણ સાડી જેવા જ પાનેતર – ઘરચોળા નો ભેદ શું તે ખબર નહીં હોય

પિયર પહેરતા રે બેની,સાડી ને સેલા.

હવે લાગ્યો રે બેની ને, પાનેતર કે ઘરચોળાનો રંગ”

સગાઇમાં ચુંદડી, સસરા પક્ષનું ઘરચોળું અને પિયરનું પાનેતર લગ્ન વિધીમાં આન-બાન અને શાન છે. ફકત એક જ દિવસના ઉપયોગ માટે પણ લોકો લાખો રૂપિયા તેની પાછળ ખર્ચ કરે છે. ભારતમાં વિવિધ રાજયો પ્રમાણે લગ્નમાં કન્યાનો શણગાર થોડો થોડો જુદો પડે છે. જેમ કે પંજાબી, બંગાળી, કશ્મીરી, રાજસ્થાની, આસામી, મરાઠી વિગેરેમાં પણ બધા ઉત્સાહ અને આનંદ એક સરખો જ હોય છે.

મુસ્લિમ નિકાહમાં પણ શરારા સાથે વિવિધ આભુષણનો શણગાર નિહાળો હોય છે. પાનેતરનો રંગ સફેદ સાથે ઘેરા લાલ રંગની બોર્ડર અને સોનેરી ભરત કામ વડે સુસજજ હોય છે. ઘરચોળું ઘેરા લાલ અને લીલા રંગનું રેશમી તાંતણે વણાયેલું હોય છે. બન્ને એક પ્રકારની સાડી છે પણ તે બન્ને એકબીજાથી જુદા છે. આ બંને એકબીજા પરિવાર તરફથી અપાતા હોય છે. કન્યા માટેની વરપક્ષ તરફથી અપાતી ‘છાબ’ માં આની સાથે ઘરેણા અને શણગારનો સામાન હોય છે.

આપણી લગ્ન પ્રથાની આ પરંપરામાં આજે ર1મી સદીના ફેશનેબલ યુગમાં પણ ઇન્ડિયન ટ્રેડીશ્નલ વેર તરીકે વધુને વધુ બારીકાય વડે તેમાં વિવિધતા લવાય છે. પણ તેના કલરમાં કોઇ ફેરફાર થતો નથી. લાલ કલરને આપણે શુભ સાથે સાંકળીએ છીએ.

પરણેતરને પિયરપક્ષ કે મામા તરફથી મામેરામાં જે પ્રથમ ભેટ ભાણેજ ને અપાઇને પાનેતર છે. તેનો રંગ સફેદ હોય છે અને તેની બોર્ડર પર ઘેરો લાલ રંગ હોય છે. સોનેરી ભરત કામથી સુસજજ કરાય પણ સફેદ રંગ મુખ્ય હોય છે. અની પાછળના ભાવનામાં પિયરમાં રહેતી દિકરી આજ સુધી શાંતિ ધૈર્ય અનુે સૌમ્યતા સાથે પિયરના નિયમોનું વહન કરીને જીવી છે. કોઇ મલીન વિચાર કે ખરાબ વર્તન ન કરીને તેણે સફેદ રંગની શોભાની જેમ પિયરની શોભા શુભ રાખી છે.

ઘેરા લાલ રંગની બોર્ડરનો અર્થ એવો છે કે અત્યાર સુધી લોશીના સંબંધોએ લાડ લડાવ્યા નેતેના કોડ પુરા કર્યા છે. પાનેતરના સોનેરી ભરત કામનો અર્થ તેની દરેક મનોકામનાને રંગોળીની જેમ ભાતીગળ રીતે સજાવીને રાખી છે. આ બધાના અર્થો થકી અત્યાર સુધી અમે તને કુટુંબ-મોસાળના સભ્યોએ ખુબ પ્રેમથી જતન કર્યુ છે. હવે તારે આ શ્ર્વેત રંગ ઓઢણી ઓઢીને શુઘ્ધ પ્રેમ અને અમલીન ભાવના વડે સાસરી શોભાવવીને લાલ રંગી ઓઢણીની કોરની જેમ નવા સંબંધોને રંગીન રાખવાના છે. આ ઉમદા વિચારોને અર્થસભર વાત પાનેતરની છે.

પાનેતરને આખે આખું ભરચક ભરત કામ વડે નથી શોભાવાતું એમાં સોનેરી તાર, લાલ-લીલા રેશમી દોરા, મોતી, આભલા અને ટીકી વડે છુટું છવાયું ભરત કામ હોય છે. ઘેરા લાલભાગમાં ભાતીગળ ભરચક વેલબુટીનું ભરત કામ પિયરમાં જેમ એક રસ રહી તેવી જ રીતે સાસરે પણ કુળનું નામ રોશન કરજે,

ઘરચોળું પરણેતરને સાસરેથી આવે છે. છાબની સાડીઓમાં મુખ્ય આની સાથે ઘરેણા પણ હોય છે. ઘેરા લાલ-લીલા રંગનું રેશ્મી તાંતણે વણાયેલ ઘરચોળુ સાસરાની શાખ હોય છે. ઘેરા લાલ રંગમાં સંપૂર્ણ સોનેરી કામ સાસરીની લાલીમા પાથરતી પ્રતિષ્ઠાની સુવર્ણ ચમક છે. લીલારંગની કોરમાં ફુલવેલ અને હાથી પોપટ કે મોરની ભાત ઉપસાવાય છે.

આ ઘરચોળાના કલર ડિઝાઇનની પરંપરાઓનો હેતુ હાથીના કદ જેવું મન મોટું રાખીને મોર અને પોપટની જેમ સદા કૌટુંમ્બિક જવાબદારી હોવા છતાં ચમકતું રહેવાનું છે. સંપૂર્ણ ભરત કામ વડે શણગારેલા ઘરચોળુ એવો અર્થ સુચવે છે કે સંપૂર્ણ ઘરને આવા ભરચક અને ભાતીગળથી શણગારીને ઘરને સુરમ્ય બનાવવાનું છે, બારીક સુરેખ કામની જેમ ઘરની તમામ નાની મોટી જવાબદારી સાથે ઘરને સજાવેલું રાખવું અને દરેક સંબંધને જાળવીને રાખવાના છે. રેશમી તાંતણા વણાય તેમ સસુર ગૃહે રેશમી છાપ ઉભી કરવાની છે. લાલરંગ જેવી લાલીમાં સાથે સાસરીની પ્રતિષ્ઠાને જાળવી રાખવાની છે. લીલા રંગનો અર્થ ઘરને લીલુછમ રાખવાનું છે તેની આન-બાન અને શાનને નુકશાન ન થાય એવું વર્તન કરવાનું છે.

પિયર પક્ષની શાખ છે ‘પાનેતર’

પિયર પક્ષનું પાનેતર દિકરી કે કન્યાના પરિવારની શાખને સંસ્કારનું પ્રતિક છે. કન્યાના લાડ-પ્રેમ ને ઉછેરની વાત આ પાનેતરના રંગોમાં વણાયેલી છે. પાનેતર મામા તરફથી અપાય એટલે તેમાં બે ‘મા’ નો પ્રેમ ભળતા ઉચ્ચ સંસ્કારીતા સાથે આપણી સંસ્કૃતિનો અનેરો મહિમા તેમાં જોવા મળે છે. જે લાડ કોડથી દિકરીનો ઉછેર થયો તેવા જ તમામ સંસ્કારો સસુર ગૃહે જઇને શોભાવે તેવી શીખ પણ આ પાનેતરના રંગો છે.

કુટુંબ ભાવનાનું પ્રતિક છે પાનેતર ઘરચોળાનો રંગ લાલ છે જે પ્રેમનું પ્રતિક છે તેમાં રહેલ સોનેરી ભરત કામનો અર્થ સાસરીની લાલીમાં પાથરતી પ્રતિષ્ઠામાં સુવર્ણ ચમક લાવવાની અપેક્ષા છે ‘ઘરચોળુ’ લીલા રંગની કોરમાં ફૂલવેલ સાથે હાથી-પોપટ- મોર ની ઉપસાવેલ ભાતનો અર્થ છે કે કુટુંબના સભ્યોમાં હેત સાથે હાથીના કદ જેવું મોટું મન રાખીને પોપટ, મોરની જેમ સદા જવાબદારી નિભાવતા ચહેરતા રહેવાનું છે. ‘ઘરચોળા’ ની ભાતીગળ સજાવટની જેમ સંપૂર્ણ ઘરને સજાવેલું રાખવું જે દરેક સંબંધને જાળવી રાખવા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.