કળા ઘણી ઘણી જાતની હોય છે…..જેમ કે માખી મારવાની કળા, મચ્છર મારવાની કળા, શેખી મારવાની કળા, બડાઇ મારવાની કળા, સરકારી નોકરીમાં હોવ તો ગુલ્લી મારવાની કળા, સ્કૂલ-કોલેજમાં ભણતા હતા ત્યોર દાંડી મારવાની કળા, ગપ્પા મારવાની કળા આવી તો અનેક કળાઓ છે. એવી જ એક બધાંમાં લોકપ્રિય, શિરમોર્ય એવી “મેથી મારવાની કળા છે.
આ બધી કળાઓમાં એક બાબત સામાન્ય છે કે ખરેખર કશું જ મારવાનું હોતું નથી. એટલે હિંસા ને લગતું આ કળાઓમાં કોઇ જ કામકાજ થતું નથી. સિવાય કે મચ્છર મારવાની બાબતમાં એમાં તાળીઓ પાડવાની હોય છે, પણ મચ્છર મરતા હોતા નથી એ અલગ વાત છે, પણ મચ્છર મરતા હોતા નથી એ અલગ વાત છે. જો કે કેટલાક માણસોનું લોહી પીધા પછી મચ્છરો મરી ગયાના દાખલા નોંધાયેલા છે. માખી મારવાની કળામાં પણ એવું જ છે. જો કે, આ કળાથી પણ માખીઓ મરી હોય કે ઓછી થઇ હોય એવું ધ્યાનમાં આવ્યું નથી. શેખી અને બડાઇ મારવાની કળાના માહેરો આપણા દેશમાં ઓછા નથી. સામાન્ય રીતે આ કળામાં માહેરો આપણા દેશમાં ઓછા નથી. સામાન્ય રીતે આ કળામાં પણ રાજકારણીઓનો જોટો ના જડે. ચૂંટણી વખતે “હમ ઉસકો નાની યાદ દિલા દેંગે. એવુ શોર્યતાથી જાહેર કરનારા આખરે કશું જ કરી શકતા નથી અને સામેવાળા બોમ્બ ધડાકા કરતાં જ રહે છે.
“ગુલ્લી મારવાની કળા….: માં સરકારી બાબુઓને કોઇના પહોંચે એમ કહેવાય છે. આમ સી.એલ.મંજૂર કરાવી રજા પર જવાનો રિવાજ છે, પણ આ સી.એલ.પૂરી થણા ઘણા કર્મયોગીઓ જી.એલ. એટલે ગુલ્લીનો આસરો લે છે. એટલે બાબુઓનો એક મંત્ર છે…..”જે મઝા જી.એલ.માં છે એ સી.એલ.કે ઇ.એલ.માં ક્યાં….? અને રોમાંચ જ કોઇ અલગ હોય છે. બોસ બગડે તો એમને મનાવવાના ઘણા રસ્તા એમની પાસે હોય છે….!
” દાંડી મારવાની કળા… : આ કળા વિશે એમ કહી શકાય કે, જે સ્કૂલ કે કોલેજ જાય છે તે દાંડી માર્યા સિવાય રહી શકતો નથી. અમુક વિદ્યાર્થીઓ ‘દાંડીકૂચ’ માટે જ કોલેજ આવતા હોય એવું લાગે. ઘરેથી મા-બાપને લાગે કે ભાઇશ્રી કે બહેનશ્રી કોલેજ ભણવાં ગયા છે પણ કોલેજથી દાંડી મારીને થિયેટર તરફ કૂચ કરતાં હોય છે. આ બધા જ્ઞાનપિપાસુંઓનો ઉદ્દેશ એક જ હોય છે કે કોલેજ કરતા થિયેટરમાં કે, પછી ચા-પાનના ગલ્લે કે કોફી શોપમાં જ્ઞાન વધુ અને વિવિધ વિષયોનું મળશે.
“ગપ્પા મારવાની કળા.. : આ કળા આપણા દેશમાં લગભગ દરેકને પસંદ છે. એમાં વિશેષ કૌશલ્યની જરુર ના પડે. એક નવરાશ અને બીજી જીભ-બસ બે જ વસ્તુ જોઇએ. દિમાગ ના હોય અથવા તો ના વાપરો તોય ચાલે. સ્ત્રીઓ આ કળામાં પુરુષોને હરાવીને ઓસ્કર એવોર્ડ જીતી લાવે એમાં મને તો શંકા કરવા જેવું લાગતું નથી. “આ જુઓને તમારા ભાઇને લઇને આ વખતે તો સ્વીત્ઝર્લેન્ડ અને યુરોપની ટુર મારવી છે. અરે બહેન….પહેલાં શામળાજી કે સાપુતારા તો જઇ આવો જીવનમાં એક વાર….! સાંકળી શેરીમાંથી કોઇ દિ’ બહાર નીકળ્યા છો….?? એટલે સામેવાળા બહેન પણ ઓછા ના હોય ઇ કહે…. “ઇ…તો અમારા એમનેય ફરવાનો તો બહુ શોખ. ગઇ વખતે લંડન જાઉ’તું….. પણ લોકો કે’કે વાં તો ઠંડિયુ બહું પડે….અને તમારા ભાઇને હાલતાને ચાલતા શર્દિયું થઇ જાય એટલે પછી માંડી વાળ્યું. લંડનમાં અહીં જેવી ગર્મિયું પડતી થાય પસી વાં જવાનું વિચારશું…..! …..તમારી ભલી થાય….! છાના રયોને….! નથી પાડવી આપણે યુરોપ અને સ્વીત્ઝર્લેન્ડમાં ગર્મિયું…..! તમતમારે અહીં ગર્મિયું કરે રાખોને ‘વાતુંના વડા’ કરીને…..!!! એમ કહી આપણે હાલતા થવું પડે…..!
પણ આ બધામાં કળાઓની કળાગુરુ કહેવાય એવી કળા એટલે “મેથી મારવાની કળા. મને યાદ છે કે, હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે આ ‘મેથી’ શબ્દ જોડે મારો આ રીતે પરિચય થયો હતો. અમારી સ્કૂલમાં એક સિનિયર વિદ્યાર્થીને ‘મેથીપાક’ મળ્યો. હવે મને ‘મેથીપાક’ વિશે એ ઉંમરમાં ખબર નહીં. મને એમ કે, કોઇ ગુલાબપાક કે સાલમપાક જેવી મીઠાઇનું નામ હશે. એટલે મેં એ છોકરાને કીધું મારે પણ મેથીપાક ખાવો છે. કોણ આપે છે….? એટલે એણે બીજાં છોકરાઓ સામે આંખ મીંચકારીને કહ્યું, અરે આપણા ટોપીવાળા સાહેબ નહીં?….એ આપે છે.
“મને કેવી રીતે આપશે ?
“બસ કંઇ જ કરવાનું નહીં. એ સાહેબ ભણાવતા હોય ત્યારે એમની ટોપી સામે જોઇને ખીખીખી કરીને મોટેથી હસવાનું… બસ… સાહેબ ખુશ થઇને બહુ બધો મેથીપાક આપશે…..!
અને મેં એ સૂચના મુજબ કર્યુ. ટોપીવાળા સાહેબ આવ્યા. મને કહ્યું હાથ લાંબો કર….એમણે ફૂટપટ્ટી બહાર કાઢી. મેં વિચાર કર્યો કે મને સાહેબ ખુશ થઇને ફૂટપટ્ટી ઇનામમાં આપે છે….ત્યાં તો એમણે સટાક સટાક કરીને પાંચ ફુટપટ્ટી મારા હાથમાં લગાવી….બહું હસવું આવે છે નહીં….? લે હસ હવે…બસ આમ મારા જીવનમાં પ્રથમ ‘મેથીપાક’ ખાવાની મેં શ‚આત કરી. પછી તો આવા મેં વારે-તહેવાર ઘણા મેથીપાક ખાધા શિક્ષકો પાસેથી અને ઘરેથી પણ….ક્યારેક મમ્મી ઘીમાં શેકેલો અસલી મેથીપાક પણ ખવડાવે ખરી.
પણ અસલી વાત છે ‘મેથી મારવાની’. પહેલાં તો સાંભળીને લાગે કે, એમાં મેથીની ભાજી જે મળે છે તે ઝગડા દરમિયાન છૂટા હાથે એક-બીજાને મારવાની હશે અથવા તો મેથીની દાણાના છૂટા ઘા કરીને સામેનાને ઘાયલ કરવાના હશે, પણ ના…મેથી મારવાની બાબતમાં ખરેખર તો અસલી મેથીનો ઉપયોગ થતો જ નથી. છતાં સામેનાને ઘાયલ કરી શકાય છે.
વ્યાપક જ્યાં એનો બહોળો ઉપયોગ થાય છે એના આ રહ્યા નમૂના……
શિક્ષકો વિદ્યાર્થીઓની કાયમ મેથી મારતા હોય છે. વાત હોમવર્કની હોય કે પછી માર્કસની. એમનું પુસ્તકિયું ગોખીને તમને લખતા ના આવડે એટલે તમે ગુનેગાર…..
મા-બાપ સંતાનોની કાયમ મેથી માર્યા કરે. “ડોબા ભણ નહીં તો ડોબા ચરાવવા પડશે….આ વખતે ધોરણ ૧૦માં ખાલી ૮૦ જ ટકા આવ્યા….? આ રીતે ડોક્ટર કે એન્જિનિયર બનાય….? અમે કેવું ભણતા હતા ખબર છે ? (તે વખતે એ ભૂલી જાય કે માર્કશીટમાં લાલ લીટીઓ આવતી હતી અને અનેક કૃપાઓનો વરસાદ થાય ત્યારે માંડ ઉપરના ધોરણમાં જતાં હતાં….)
આ બધું પતે પછી લગ્ન થયા. એટલે ‘મેથી મારવાનો હવાલો’ પત્ની પાસે…..કેમ મોડા આયા…? તે સાવ આવું લવાય….? તમને તો કશુંય પસંદ કરતાં જ ન આવડે…..? આપણાથી એવું પણ ના કહેવાય કે તે આ વાત ૧૦૦ ટકા સાચી કહી…! એની કમર અને સાંધાઓ દર્દ ના કરે એ માટે એ મેથીપાક બનાવીને ખાશે, પણ આપણી તો કાયમ મેથી જ મારશે યાર….!
ઘેર પતે ત્યાં ઓફિસ જઇએ એટલે બોસ મેથી મારવાનું શરુ કરે : કેમ મોડા આવ્યા….? આ તમારા પિતાશ્રીની પેઢી છે….? ૧૦:૩૦નો ટાઇમ છે અને તમે ૧૦:૪૦ આવો છો…..ચાલો સી.એલ.મુકો….. એવા બોસને તો મેથી ચામાં નાખી પીવડાવવી જોઇએ અથવા તો ચાની પત્તી કરતાં એમની ચામાં મેથીની ભાજની પત્તીઓ નાખવી તોય આપણે નિયમના પાક્કા એટલે સાંજે ૧૦ મિનિટ વહેલા ઓફિસ છોડીને સરભર કરી દઇએ….શું છે કે બે વાર મોડા પડવું સારું નહીં ને…? ઘેર પણ ‘લાઇફ ટાઇમ બોસ’ મેથી મારવા આપણી રાહ જોઇને બેઠા જ હોય છે.
પડોશીઓ પણ એકબીજાની મેથી મારવાનું ચૂકતા નથી. આ મેથીના ભાવ બહું વધી ગયા નહીં એમ વાતની શ‚આત કરી….હવે આ સરકાર નહીં ટકે ત્યાં પૂરી કરે….અને આપણા અગત્યના કરવાના કામની વાટ લગાવી દે સવાર સવારમાં…? આવા પડોશીઓને તો મુખવાસમાં મેથીનું ચૂર્ણ આપી દેવાનું એટલે આપણું નામ ના લે….!
અમને લાગે છે કે જેમ ‘વિશ્ર્વ સંગીત દિવસ’ હોય છે, ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ આપણે ઉજવીએ છીએ…. આપ-લે કરીએ છીએ તેવી જ રીતે ‘વિશ્ર્વ મેથી દિવસ’ આપણે ઉજવવો જોઇએ. એ દિવસે જેણે જેની જેટલી મેથી મારવી હોય એટલી મારવાની છૂટ હોવી જોઇએ, પણ વર્ષના બાકીના દિવસ તો બોસ શાંતિ જોઇએ ને…??
કહેવાનું તાત્પર્ય એટલું જ કે ભલે તમે મેથીના ભજિયા ખાવ, મેથીના થેપલા ખાવ કે પછી મેથીનું જે બનાવીને ખાવું હોય તે ખાવ અને ખાધા કે પછી મેથીનું જે તો મેથી, કાળી જીરી અને અજમાનું ચૂર્ણ બનાવી રોજ રાત્રે એના ફાકા મારો એની ના નહીં, પણ મહેરબાની કરીને લોકોના હિતમાં ‘મેથી મારવાનું’ બંધ કરવું જોઇએ….. કારણકે મેથી ખાવાથી પાચનતંત્રને ફાયદો થાય, પણ ‘મેથી મારવાથી’ બધાના મગજતંત્રને નુકશાન થાય.