ભારતમાં ભૂખ અને કુપોષણ એક મોટી સમસ્યા છે. 119 દેશોના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત ત્રણ નંબર નીચે ખસીને 100મા સ્થાને પહોંચી ગયું છે. ગત વર્ષે ભારત 97મા નંબર પર હતું, જે હવે 100મા સ્થાને છે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રિપોર્ટ 2017 પ્રમાણે આ મામલે ભારત ઉત્તર કોરિયા, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોથી પણ પાછળ છે, પરંતુ પાકિસ્તાનથી આગળ છે. ઈન્ટરનેશનલ ફૂટ પૉલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IFPRI)એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, બાળકોમાં કુપોષણની સમસ્યા ગંભીર છે અને સામાજિક ક્ષેત્રે લોકોએ આ મામલે પ્રતિબદ્ધતા દાખવવી જોઈએ.
ભારતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે. જો કે આ મામલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ભારત કરતાં પણ પાછળ છે. IFPRI પ્રમાણે 31.4 સ્કોર સાથે ભારતનું વર્ષ 2017 ગ્લોબલ હંગર ઈન્ડેક્સનો ઉંચો અને ગંભીર અંક ધરાવે છે.
આ રિપોર્ટમાં કુપોષણની સમસ્યામાં એશિયામાં ચીન 29મા નંબર પર, નેપાળ 72, મ્યાનમાર 77, શ્રીલંકા 84 અને બાંગ્લાદેશ 88મા નંબર પર છે. ભારત આ તમામ પાડોશી દેશ કરતાં વધુ કુપોષણની સમસ્યા ધરાવે છે.