અત્યારે નાના મોટા દરેકના હાથમાં મોબાઈલ જોવા મળે છે. મોબાઈલ વિના કોઈને જરા પણ ચાલતું નથી. આપણા જીવન જરૂરિયાતના સાધનોમાં રોટી, કપડા અને મકાન ના બદલે રોટી કપડા અને મોબાઈલ કહીએ તો એમાં જરા પણ અતિશયોક્તિ નહિ લાગે.મોબાઈલ નું મુખ્ય કામ વાત કરવાનું છે. ટેલીફોન ની જગ્યા મોબાઇલે લીધા પછી આ મોબાઈલ દિવસે ને દિવસે નવા નવા ફીચર્સ સાથે સ્માર્ટ બની ગયો છે. મિત્રો કે સગા સંબંધી સાથે વાત કરવા ની સાથે સાથે કોમ્પ્યુટર કે લેપટોપ પરનું ઓફિસ કામ પણ મોબાઇલ આસાનીથી કરી આપે છે.
મોબાઈલે આપણા દરેક કામ સરળ કરી દીધા છે. લાઈટ બિલ હોય કે ગેસ બિલ, લાંબી લાઈનોમાં ઊભા રહેવાને બદલે ફક્ત એક મિનિટમાં ગમે તે જગ્યાએથી, ગમે તે સમયે ભરી શકાય છે. શોપિંગ કરવું હોય કે ક્યાંય પણ નું બુકિંગ કરવું હોય આ બધું મોબાઈલ નામનું રમકડું ચપટી વગાડતા જ સરળતાથી કરી દે છે.ટેલીફોન સિવાય રેડિયો, ટેલિવિઝન, કેમેરો, ઘડિયાળ, કોમ્પ્યુટર કે પછી બેંકની પાસબુક આ દરેક વસ્તુનો મોબાઇલમાં સમાવેશ થઈ જતો હોવાથી આપણા પોકેટમાં જ દુનિયા સમાઈ ગઈ હોય તેવું લાગે છે.
આપણા બધા કામ કરી દેતો આ મોબાઈલ કેટલા વર્ષનો થયો ? મોબાઈલ ક્યાં બન્યો અને કોણે બનાવ્યો ? તેમજ મોબાઇલમાં વાત કરવા માટે સૌપ્રથમ શબ્દ “હેલ્લો” શા માટે બોલીએ છીએ ? આ બધા પ્રશ્નોના જવાબ તમે જાણો છો? તો ચાલો આજે આપણા બધાના વ્હાલા મોબાઈલ વિશે જાણીએ.3એપ્રિલ 1973 ના દિવસે અમેરિકન એન્જિનિયર માર્ટીન કુપરે મોબાઈલ નો આવિષ્કાર કર્યો હતો. માર્ટીન કુપર 1970 માં કંપનીમાં જોડાયા હતા અને 1973 માં તેમણે મોબાઇલ લોન્ચ કર્યો. ફક્ત 3 વર્ષમાં જ માર્ટીન કુપરે જે કર્યું, તેનો કદાચ દુનિયામાં કોઈએ સ્વપ્ને પણ વિચાર નહીં કર્યો હોય.
1973 માં મોબાઈલ નો આવિષ્કાર થયા પછી 10 વર્ષે એટલે કે 1983 માં મોટોરોલા એ સામાન્ય જનતા માટે પહેલી વખત મોબાઈલ બજારમાં મૂક્યા. આ મોબાઈલ નું નામ “મોટોરોલા ડાયનાટેક 8000 ડ” હતું. જેમાં ફક્ત 30 નંબર સેવ થઈ શકતા અને એકવાર ચાર્જ થયા પછી ફક્ત 30 મિનિટ વાત થઈ શકતી. તેમાં પણ તેને ચાર્જ કરવા માટે 10 કલાકનો સમય લાગતો હતો. આ મોબાઈલ નું વજન 2 કિ.ગ્રા. હતું. અને તેની કિંમત 3995 અમેરિકી ડોલર (2,95,669 ₹) રાખવામાં આવી હતી.
હવે વાત કરીએ “હેલ્લો” શબ્દની !
ફોન ઉપાડતા ની સાથે સૌ પ્રથમ શબ્દ આપણે હેલ્લો શા માટે બોલીએ છીએ? આની પાછળ પણ એક સરસ મજાની સ્ટોરી છે. મોબાઈલ પહેલા ટેલીફોન હતા, તેની શોધ સ્કોટિશ વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે 2 જૂન 1875 માં કરી હતી. ગ્રેહામ બેલ ની ગર્લફ્રેન્ડ નું નામ મારગ્રેટ હેલ્લો હતું. ગ્રેહામ બેલ તેને “હેલ્લો” જ કહીને બોલાવતા. ટેલીફોન ની શોધ કરીને સૌપ્રથમ ગ્રેહામ બેલે તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતાં હેલ્લો કહ્યુ. ત્યારથી આ “હેલ્લો” શબ્દ વિશ્વ આખામાં પ્રચલિત થયો છે.મોબાઈલ આવ્યા પહેલા પણ રેડિયો ફોન અને વાયરલેસ ફોન તો હતા જ, પરંતુ મોબાઈલ નો આવિષ્કાર એ 21મી સદીનું સૌથી સફળ અને સૌથી વધુ વપરાતું ઉપકરણ છે.
ભારતમાં મોબાઇલ ફોનનું આગમન ક્યારે થયું?
1973માં મોબાઈલનો આવિષ્કાર થયા પછી, 10 વર્ષે 1983 માં મોબાઈલ અમેરિકાની બજારમાં આવ્યા. ત્યારબાદ 12 વર્ષે એટલે કે 31 જુલાઈ 1995માં ભારતમાં મોબાઇલનું આગમન થયું.ભારતમાં મોબાઈલ સેવા શરૂ કરવા માટે સૌપ્રથમ ભુપેન્દ્ર કુમાર મોદીએ પ્રયાસ કર્યો હતો. તેની કંપની ‘modi telstra’ એ દેશમાં પ્રથમ વખત મોબાઈલ સેવાનો પ્રારંભ કર્યો. તેમજ પહેલો મોબાઇલ કોલ આ કંપનીના નેટવર્ક પર કોલકત્તા થી દિલ્હી કર્યો હતો. આગળ જતા આ કંપની ‘spice digital‘ ના નામે જાણીતી થઈ હતી.જો કે ત્યારબાદ દૂરસંચાર સેવાઓના વિસ્તાર માટે 20 ફેબ્રુઆરી 1997માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી.આમ મોબાઈલનો આવિષ્કાર થયા પછી 22 વર્ષે ભારતમાં મોબાઈલનું આગમન થયું હતું.