હિંદ મહાસાગરમાં એક મોતી જેવો ટાપુ એટલે બાલી. કુદરતના બંને હાથે ત્યાં પ્રાકૃતિક સૌન્દર્ય વેરાયેલું છે. ઈશ્વરના ખોળે ખુંદવાનો અનેરો અવસર અહીં મળે છે. સિંગાપુર એરલાઈન્સ અને ગરૂડા એરલાઈન્સથી પૂરી દુનિયામાંથી અનેક પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે. પ્રકૃતિને માણવા અને કુદરતને હાથવેંત છેટું નિહાળવા માટે અહીંની સરકારે પણ પુરતી વ્યવસ્થાઓ કરેલી છે. અહીના ડેનપાસાર એરપોર્ટ પર ઉતરતા જ નવી દુનિયામાં પ્રવેશ કર્યાની અનુભૂતિ થાય છે.
બાલીમાં રહેવા માટે અનેક હોટેલો ઉપલબ્ધ છે. કેટલીક બીચ પર છે તો કેટલીક અંદરની તરફ. અંદર રહેલી હોટેલોના ભાડા બીચ પર રેહેલી હોટેલોના પ્રમાણમાં ઓછા છે. અહીં એરપોર્ટ પર ઉતરતા જ અનેક દેશોના લોકોનો ભેટો થઇ જાય છે. કોઈ અમેરીકાથી, તો કોઈ જાપાનથી, તો વળી કોઈ આફ્રિકાથી આવેલું હોય છે. બાલીમાં આપણને ભારતથી આવેલા પ્રવાસીઓ પણ ભરપુર જોવા મળે છે.
અહીં બાલીમાં અનેક બીચ આવેલા છે. દરેક બીચની એક અલગ ઓળખ છે. બીચ પર ભીની રેતી પર ચાલવાનો એક અનોખો અનુભવ છે. નિર્મળ અને એકદમ મુલાયમ રેતીમાં અડધી પાની સુધી ઘુસી જતા પગ એક અનોખો અનુભવ કરાવે છે. જોકે, બીચ પર ચાલતા ચાલતા તેમને અનેક ફેરિયાઓ તેમને અનેક પ્રકારની વસ્તુઓ વેંચવા માટે તમારી આજુબાજુ ટોળે વળી જાય છે. હા, જો ભાવતાલ ના કરીએ તો છેતરાઈ જવાની પૂરી શક્યતા છે. બીચ પર ચાલતા ચાલતા દરિયાના મોજા અને તેની પર પડતાં સૂર્યના કિરણો આપણી આંખ સામે એક અદભૂત ચિત્ર ખડું કરે છે.
અહીં કુટા બીચ ખુબ પ્રખ્યાત છે. બાલી આવતા પ્રવાસીઓ અહીં અચૂક આવે છે. કુટા બીચ પર વાસ્પા, મોટરગાડી, સરકારી અને ખાનગી બસોમાં ફરતા પ્રવાસીઓ નજરે પડે છે. અહીં સ્થાનિક લોકો પ્રવાસીઓને જરૂર પડતી વસ્તુઓ, રમકડા, નોવેલ્ટી વગેરેની હારબંધ દુકાનો ખોલીને બેઠા હોય છે. તેમને ગ્રાહકો જોડે ભાવતાલ કરતા જોવા એ પણ લ્હાવો છે. અહીં ખાસ વાત એ છે કે, અહીં છે માટે કેળની બનેલી બાસ્કેટમાં ફૂલ-હાર અને અગરબત્તી ગોઠવીને હાથ જોડી મંદિરે જતા પણ જોવા મળે છે.
કુટા બીચ પાસે ‘લીજીયન’ અને ‘જીમ્બારન’ નામની જગ્યા છે. અહીં ખરીદી કરવા માટે દુકાનો અને મોલ્સ આવેલા છે. આ સિવાય ‘નુસા ડૂઆ’ નામનો વિસ્તાર છે. જ્યાં અનેક ફાઈવ સ્ટાર હોટેલો આવેલી છે. કેટલીક હોટેલોને તો પોતાના બીચ છે અને સ્વીમીંગ પુલ પણ છે. પુલમાં નહાતા નહાતા સનસેટ જોવાનો લહાવો પણ ચૂકવા જેવો નથી. અહીં ‘ઉબુદ’ નામની જગ્યા પર આશરે ૯૪૪ વર્ષ જુનું મંદિર આવેલું છે. મંદિરની ભવ્યતા અને જાણવણી ઉડીને આંખે વળગે એવી છે. અહીંનું લાકડું નરમ છે માટે તેનાથી બનાવેલી બારીક કોતરણીવાળી વસ્તુઓ પર નજર ચોંટી જાય છે. ચિત્રકામ માટેના વર્કશોપ પણ ઘણા છે. અહીંનું ચિત્રકામ પણ જોવા લાયક છે.
અહીં ચોખાનો પાક મુખ્ય છે. માટે અહીં ચોખાને લગતી વાનગીઓ ખુબ જોવા મળે છે. જો કે અહીં શાકાહારી વાનગીઓ મળે છે એટલે ભારતીય પ્રવાસીઓને અને ખાસ તો ગુજરાતી પ્રવાસીઓને મુશ્કેલી પડે તેમ નથી. ‘ઉલુવાતુ’ નામની જગ્યાએ એક ઊંચા પહાડ પર ‘મંકી ફોરેસ્ટ’ આવેલું છે. વાંદરાઓથી ભરચક આ વિસ્તારમાં ટોપી-ચશ્માં કાઢીને જ પસાર થવું પડે છે. આગળ જતા એક સ્થળ પર અહીંનો સંસ્કૃતિક ‘ફાયર ડાન્સ’ રજુ કરવામાં આવે છે. જોકે, આ ડાન્સ જોવા માટે અંદાજે ૩૦૦૦ રૂપિયાની ટિકિટ લેવી પડે છે. આ ફાયર ડાન્સની ખાસિયત એ છે કે આ ડાન્સમાં આપણી રામાયણ પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યાંની સંસ્કૃતિ પ્રમાણેના વેશ-પરિધાનમાં આપણા રામાયણના પાત્રો ખુબ જ મનમોહક લાગે છે. રામ-સીતા, લક્ષમણ, રાવણને આ અલગ વેશમાં જોવાનો લ્હાવો ચૂકાય એમ નથી. સાંજે થનારા આ શો બાદ પહાડ પરથી સુર્યાસ્ત પણ જોઈ શકાય છે.
સંધ્યા બાદ બીચ પર બેસવાનો પણ એક અલગ આનંદ હોય છે. અહીં બીચની આસપાસ કેટલાક મંદિરો છે અને મંદિર પાસે બેસીને દરિયાના મોજા ગણવાનો અને તેના અવાજ સાંભળવાનો અનુભવ અલ્હાદ્ક હોય છે. પ્રાકૃતિક સૌન્દર્યથી ભરપુર આ પ્રદેશમાં કુદરતને નજીકથી જોવાનો લ્હાવો જીંદગીમાં જરૂર લેવો જોઇએ.