“અંજનિ ગર્ભસંભુતો વાયુપુત્રો મહાબલા કુમારો હા બાલ બ્રહ્મચારી, હનુમંતાય નમો નમ : !!
પનોતિ નિવારક હનુમાન….વિવિધ રુપે અને સ્વરુપે પૂજાતા અગિયારમાં રૂદ્ર એવા હનુમાનજીની જયંતિ આખા ગુજરાતમાં તો ધામધૂમથી ઉજવાય જ છે. હનુમાનજીની સિરીયલની પણ સૌથી વધારે ટીઆરપી ગુજરાતમાં હતી જ પણ ગુજરાત સિવાય પણ આખા ભારતમાં હનુમાનજી માત્ર હિન્દુઓમાં જ નહિંં મુસ્લિમ વસ્તી ધરાવતા રાજ્યોમાં પણ એટલા જ પ્રખ્યાત છે. આવો હનુમાન જયંતિના પાનવ દિવસે ભારતના ગુજરાત સિવાયના સ્થળોએ આવેલાં હનુમાનજી મંદિરની શાબ્દિક સફર કરી પાવન થઇએ.
સંકટ મોચન હનુમાન મંદિર :-
આ મંદિર ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી રાજ્યમાં આવેલું છે. ‘સંકટ મોચન’ અર્થાત ‘દુ:ખ હરનાર’ આ મંદિરની સ્થાપના ૧૯મી સદીમાં કરવામાં આવી હતી. અહીં દર વર્ષે હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રા કાઢવામાં આવે છે. હનુમાનજીની મુર્તિની એક વિશેષ ખાસિયત એ છે કે ભગવાન હનુમાનની મૂર્તિમાં કોઇ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો આ મૂર્તિને માટીમાંથી બનાવવામાં આવી છે. આ મૂર્તિનું સર્જન અદ્ભૂત રીતે કરવામાં આવ્યું છે. જેમાં હનુમાનજીની મૂર્તિમાં હદ્યના ભાગમાં ભગવાન રામને બિરાજમાન કર્યા છે જેથી જોતા એવું લાગે છે કે ભગવાન હનુમાનના હદ્યમાં ભગવાન રામ બિરાજમાન છે. માનવામાં આવે છે કે આ મંદિર હાલ જ્યાં સ્થિત છે ત્યાં જ તુલસીદાસને ભગવાન હનુમાન સ્વપ્નમાં આવ્યા હતા. અને આ મંદિરની સ્થાપના તુલસીદાસ કરી છે.
૭ માર્ચ ૨૦૦૬માં વારાવણસીમાં ૩ આંતકી હુમલાઓ થયા હતા. જેમાં એક હુમલો આ મંદિર પર પણ કરવામાં આવ્યો હતો. આતંકી હુમલા સમયે મંદિરમાં આરતી થઇ રહી હતી. એ સમયે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરમાં ઉપસ્થિત હતા. આ હુમલા પછી દરેકે એક બીજાની મદદ કરી અને બીજે દિવસે ફરી મોટી સંખ્યામાં ભાવિકો એકઠા થઇ મંદિરમાં આરતી કરી હતી.
જાખૂ મંદિર :-
ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યની રાજધાની શિમલામાં આવેલું છે. આ પ્રસિધ્ધ મંદિર જાખુ પહાડી પર આવેલ છે. મંદિરના આગળના ભાગમાં અનેક વાંદરાઓ રહે છે. અહીં રાજ્ય સરકાર દ્વારા ટ્રેકિંગ અને પર્વતારોપણ કરવામાં આવે છે. જાખુ પહાડી ઉપરથી શિમલા શહેરનો નજારો કંઇ અદ્ભૂત જ દેખાય છે. જેનો આનંદ જ કંઇક અલગ છે.જાખુ મંદિર જાખુ પહાડીના દરીયાકિનારાથી ૮૦૪૮ ફૂટની ઉંચાઇએ આ મંદિર આવેલ છે.
હાલ જાખુ મંદિરએ હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવી છે જે ૧૦૮ ફીટની ઉંચાઇ ધરાવે છે. આ મૂર્તિ ૨૦૧૦માં મૂકવામાં આવી હતી. આ મંદિરના ગેઇટ પર વાંદરાઓથી બચવા માટે લાકડી પણ મળે છે.
મહાવીર મંદિર :-
પટનામાં આવેલું આ મંદિર બીજા મંદિરો કરતા અલગ પડે છે કારણ કે અહી બજરંગ બલીની એક નહીં પણ બે મૂર્તિઓ રાખવામાં આવેલ છે. માનવામાં આવે છે કે અહીં જે પણ ભક્તો આવે છે તેમની અચૂકપણે મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં ભગવાન હનુમાનની બે મૂર્તિ રાખવા પાછળનું એક કારણ છે કે એક મૂર્તિ બાળકોના કારજ માટે રાખવામાં આવી છે અને બીજી મૂર્તિ ખરાબ લોકોની અંદર રહેલ ખરાબ શક્તિઓને દૂર કરવા માટે રાખવામાં આવેલ છે.
હનુમાન મંદિર :-
દિલ્હીના કોર્નટ પ્લેસમાં આવેલ છે. આ મંદિરમાં કોઇ મૂર્તિ બનાવીને મૂકવામાં નથી આવી તે સ્વયંભૂ છે. બાળચંદ્ર અંકિતવાળા શિખરવાળું આ મંદિર વિશ્ર્વભરમાં ઘણું પ્રસિધ્ધ છે. અહીં હનુમાન જયંતિ નિમિતે ભાવિકોને પ્રસાદ આપવામાં આવે છે. ઉપરાંત આ દિવસે ભજન સંધ્યાનું પણ આયોજન પણ કરવામાં આવે છે.
દિલ્હનું ઐતિહાસિક નામ ઇન્દ્રીપ્રસ્થ છે. જે યમુના નદીના કિનારે પાંડવો દ્વારા મહાભારત કાળ દરમિયાન વસાવવામાં આવ્યું હતું. ત્યારે પાંડવો ઇન્દ્રપ્રસ્થ અને કૌરવો હસ્તીનાપુર પર રાજ કરતા હતાં. બંને કુરુવંશથી હતા. હિન્દુ માન્યતા અનુસાર ભીમને હનુમાનજીના ભાઇ માનવામાં આવે છે. ભીમ અને હનુમાન બંનેને પવન-પુત્ર કહેવામાં આવે છે. માન્યતા અનુસાર સંત તુલસીદાસએ જ્યારે દિલ્લી યાત્રા કરી હતી એ સમયે તેમણે આ મંદિરના દર્શન કર્યા હતા અને અહીં જ તેમણે હનુમાન ચાલીસાની રચના કરી હતી.વર્તમાન ઇમારત આંબેરના મહારાજા માનસિંહ પ્રથમ (૧૫૪૦-૧૬૧૪)એ મુગલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન બનાવી હતી. આનો વિસ્તાર મહારાજા જયસિંહ દ્વિતિયએ (૧૬૮૮-૧૭૪૩) જંતર-મંતરની સાથે જ કરાવ્યું હતું.
સાલાસર હનુમાન મંદિર :-
આ મંદિર રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું છે. અહીં દર વર્ષે ચૈત્રિ પૂર્ણિમા તેમજ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો અહીં આવે છે. ભારતનું આ એવું પહેલું મંદિર છે જ્યાં ભગવાન હનુમાનને દાઢી અને મૂંછ છે માનવામાં આવે છે કે આ મંદિર મુસ્લિમ કારીગરોએ બનાવ્યું છે જેમાં મુખ્યકારીગર ફતેહપુરના નૂર મહોમ્મદ વ દાઉ હતાં.
આ મંદિર જયપુર-બીકાનેર રાજમાર્ગ પર આવેલ છે. ભગવાન હનુમાનના ભક્ત મોહનદાસએ અહીં પવિત્ર અગ્નિ પ્રગટાવી હતી જે આજે પણ પ્રગટી રહી છે. શ્રધ્ધાળુઓ અહીંથ પવિત્ર રાખ પ્રસાદીરુપ લઇ જાય છે. શ્રીમોહન મંદિર બાલાજી મંદિરથી થોડે જ અંતરે છે. આ ઘણું પ્રસિદ્વ મંદિર છે. કારણ કે મોહનદાસજી અને કનિદાદીના પગના નિશાન આજે પણ તે જગ્યાએ દેખાય છે. આ સ્થળને બંને પવિત્ર ભક્તોનું સમાધી સ્થાન માનવામાં આવે છે. છેલ્લાં ૨૦ વર્ષોથી અહીં અખંડ હરિકિર્તન અને રામનામનો જપ કરવામાં આવે છે. અહીં ૧૮૧૧માં એક ચમત્કાર પણ થયો હતો. માનવામાં આવે છે કે અસોટા નામના ગામડામાં એક ખેડૂત પોતાના ખેતરે કામ કરતો હતો. અચાનક જ એક પથ્થર તેના હળ ઉપર પડ્યો અને તેમાંથી અવાજ આવતો હતો. તેને સમજણ ન પડી કે આ શું છે અને તેમાંથી અવાજ કેમ આવે છે ? ત્યારે એ પથ્થર તેની ઘરે લઇ ગયો અને તેની પત્નીને બતાવ્યો. તેની પત્નીએ એ પથ્થરની પાણીથી સાફ કર્યો અને જોયું તો તે બાલાજી હતા. અને બાલાજીને જોઇ બંને આશ્ર્ચર્યમાં મુકાયા અને તેમની પુજા કરી.
હનુમાન મંદિર :-
આ મંદિર અલાહ્બાદમાં આવેલું છે. આ મંદિર મહાનદીઓ ગંગા, જમાના અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે. ત્યાં આવેલ છે. હનુમાનજીના બંને પગ નીચે દેવી આવેલ છે અને હનુમાનજીની મૂર્તિ પાસે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણની મૂર્તિ રાખવામાં આવેલ છે.માનવામાં આવે છે કે કનોજ શહેરમાં એક ધનિક વેપારી રહેતો હતો. જેના જીવનનું લક્ષ્ય કંઇ જ નહોતું. તેણે હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવાનું વિચાર્યુ આ મંદિર વિંદાચલ પર્વતમાળા પર પુત્ર પ્રાપ્તિની આશાથી બાંધ્યું હતું. ત્યારબાદ તેણે મૂર્તિને અલગ-અલગ તીર્થા પર સ્નાન કરાવ્યું અને એક દિવસે જે તીર્થ પર મૂર્તિને સ્નાન કરાવી ત્યાં તેણે રાત્રી રોકાણ કર્યુ અને એ જ રાત્રે એના સ્વપ્નમાં હનુમાનજી આવ્યા અને તેન તે મૂર્તિ ત્યાં જ રાખવાનું કહ્યું હનુમાનજીના કહેવા પર તેણે તે મૂર્તિ ત્યાં જ રાખી તે પોતાના ગામ કનોજ જતો રહ્યો. અને થોડા સમય બાદ તેને પુત્ર ત્યાં પ્રાપ્તિ થઇ. પુત્ર પ્રાપ્તિ બાદ તે પોતાના પરિવાર સાથે એ જ જગ્યાએ દર્શન માટે આવ્યો. અને સમય જતાં તે મૂર્તિ પાણીમાં જ સમાય ગઇ.
મહેંદીપુર બાલાજી મંદિર :-
આ મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલ છે. બાલાજી હનુમાન ભગવાનનું બીજું નામ છે. ભારતના અમુક રાજ્યોમાં ભગવાન હનુમાનને બાલાજી નામે પણ ઓળખવામાં આવે છે. બાલાજી એ હનુમાનજીના નાનપણનું નામ છે. હનુમાનજીની આ મૂર્તિમાં છાતીના એક તરફના ભાગે નાનું એવું કાણું છે જેમાંથી સતત પાણીની પાતળી ધારાવાળી થાય છે. આ એકઠા થયેલ પવિત્ર જળને ભગવાનના ચરણોમાં રાખી દરેક ભક્તોને પ્રસાદના રુપમાં આપવામાં આવે છે.
આ મંદિરનું નિર્માણ પરંપરાગત રાજસ્થાની વાસ્તુ નિયમોથી કરવામાં આવ્યું છે. આ મંદિરની કલાકૃતિ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. આ મંદિર એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે આ મંદિરનો અડધો ભાગ કચેલી જીલ્લામાં તો અડધો ભાગ દૌસા જીલ્લામાં આવેલ છે. એની સામે જ ભગવાન રામનું મંદિર છે. જે આ મંદિરની જેમ જ બે ભાગોમાં વિભાજીત છે.
આ મંદિર રાજસ્થાનની રાજધાની જયપુરથી ૬૬ કિ.મી.ના અંતરે આવેલ છે. આ મંદિર ૧૦૦૦ વર્ષ જૂનૂં છે. માનવામાં આવે છે કે મંદિરના જૂના મહંત જેમને ‘ઘંટે વાલે બાબા’નામથી ઓળખાય છે તેમને એક સ્વપ્નું આવ્યું જેમાં તેમણે ત્રણ દેવતાઓને જોયા. જે બાલાજીના મંદિરના નિર્માણનું પહેલું પગથિયું હતું તેણે જોયું કે એક જંગલમાં જંગલી જાનવરો ભર્યા હતાં. ત્યાં ભગવાન પ્રગટ થયા અને તેમણે મહંતને આદેશ આપ્યો કે સેવા કરી પોતાના કર્તવ્યનું પાલન કરો. ત્યારબાદ ત્યાં પૂજા પાઠ શરુ કરવામાં આવ્યા પછી ત્રણ દેવતા ત્યાં સ્થિત થયા.
આ મંદિર ભારતના ઉતરીભાગમાં ઘણું પ્રસિદ્વ છે. આ મંદિરની સંભાળ મહંત દ્વારા કરવામાં આવે છે તેની પહેલા તે મહંત ગણેશપૂરીજીના પૂજારી હતા. લોકોની એવી માન્યતા છે કે અહીંથી મળેલ પથ્થરથી જો ઇલાજ કરાવવામાં આવે તો હાડકાના દુ:ખાવા મટી જાય છે. ઉપરાંત કોઇપણ પ્રકારની તકલીફો કે સમસ્યાઓ દૂર થઇ જાય છે. જો કે સાઇન્ટીફીકલી આ વાતને સ્વીકારવામાં આવતી નથી.
હનુમાનધારા :-
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં સીતાપુર નજીક આ મંદિર આવેલું છે. સીતાપુરથી હનુમાનધારાનું આ મંદિર ત્રણ મીલના અંતરે આવેલું છે. આ મંદિર પર્વતમાળાના મધ્યભાગમાં આવેલું છે. આ મંદિરમાં પાણીના બે કુંડ પણ આવેલા છે. જે હંમેશા પાણીથી ભરેલા રહે છે અને જેમાંથી નિરંતર પાણી વહ્યા કરે છે. આ પાણી ભગવાન હનુમાનનો સ્પર્શ કરી સતત વહેતું રહે છે માટે આ મંદિરનું નામ હનુમાન ધારા કહેવામાં આવે છે.
હનુમાન ધારાનું આ પાણી પહાડમાં જ સમાઇ જાય છે. લોકો આને પ્રભાતી નદી અને પાતાળ ગંગા પણ કહે છે. માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામનો અયોધ્યામાં અભિષેક થયા પછી હનુમાજીએ શ્રીરામને કહ્યું કે “હે ભગવાન મને કોઇ એવી જગ્યા દેખાડો જ્યાં લંકા દહનથી મારા શરીરમાં જે તાપ ઉત્પન્ન થયો છે એ નિકળી જાય ત્યારે ભગવાન શ્રીરામે હનુમાનજીના આ જગ્યા બતાવી હતી જે પાણીના સ્પર્શે હનુમાનજીની દાહકતા શાંત થઇ હતી.
હનુમાન ગઢી :-
આ મંદિર અયોધ્યામાં આવેલું છે. ધર્મગ્રંથો અનુસાર અયોધ્યાએ ભગવાન રામની જન્મભૂમિ છે. અયોધ્યાનું પ્રસિદ્વ હનુમાન મંદિર હનુમાન ગઢીના નામથી પ્રખ્યાત છે. આ મંદિર ઉંચા મણ પર આવેલું છે. ૬૦ પગથિયાં ચઢ્યા બાદ ભગવાન હનુમાનનું મંદિર આવે છે. આ મંદિર ઘણું ભવ્ય છે. જેમાં રહેવા માટેના રુમની પણ વ્યવસ્થાઓ છે. આ મંદિરની સ્થાપના આશરે ૩૦૦ વર્ષ પહેલ અભયારામદાસજી સ્વામીએ કરી હતી. ભગવાન રામે અયોધ્યાની જવાબદારી હનુમાનને સોંપી હતી માટે આખા અયોધ્યા પર નજર રહે એ માટે આ મંદિર અયોધ્યામાં સૌથી ઉંચુ બનાવાયેલું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,