જે વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્ય ઉપર ભરોસો હોય તે વિદ્યાર્થીઓ ધો.12ની પરીક્ષા આપીને પોતાની ક્ષમતા બતાવી શકશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા થોડા દિવસ પહેલા જ માસ પ્રમોશનને આધારે વિદ્યાર્થીઓના પરિણામની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી હતી. ફોર્મ્યુલા જાહેર બાદ એકમાત્ર ‘અબતક’ સાંધ્ય દૈનિક દ્વારા લખવામાં આવ્યું હતું કે, 50:25:25નો રેશિયો વિદ્યાર્થીઓ-વાલીઓને પચશે ?
‘અબતક’ મીડિયા દ્વારા અગાઉથી જ જાહેર કરાયું હતું કે, સરકારે ફક્ત માસ પ્રમોશન નહીં પરંતુ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપીને પોતાનું કૌશલ્ય બતાવવું હશે તો તે બતાવી શકશે. કેમ કે કસોટી વગરનું દાન નિરર્થક હોય છે. પરીક્ષા જ વિદ્યાર્થીઓની આવડત, કાબેલીયત અને ક્ષમતાની ચકાસણી કરી શકે છે.
જે વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્ય ઉપર ભરોસો હોય તે ધો.12ની પરીક્ષા આપી શકશે
પરીક્ષા જ વિદ્યાર્થીઓની આવડત, કાબેલીયત અને ક્ષમતાની ચકાસણી કરી શકે: પરીક્ષાના અભાવે વિદ્યાર્થીઓની કૌશલ્ય ક્ષમતા ખીલી ન શકે
પરીક્ષાના અભાવે વિદ્યાર્થીઓની કૌશલ્ય ક્ષમતા ખીલી ન શકે. ‘અબતક’ મીડિયા દ્વારા પાંચ દિવસ પૂર્વે એ પણ લખાયું હતું કે, પરીક્ષા વગરના માસ પ્રમોશને કસોટી સર્જી છે. જો કે, આ લખાયા બાદ સરકાર પણ સફાળી જાગી હોય તેમ પરિપત્ર બહાર પાડ્યો છે કે, માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓના ઘરે પરીણામ આવે તે પરીણામથી વિદ્યાર્થીને સંતોષ નહીં હોય તો તે ફરી પરીક્ષા આપી શકશે.
થોડા દિવસો પહેલા જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે. રિઝલ્ટ જાહેર થયાના 15 દિવસની અંદર પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ ગાંધીનગરમાં આવેલી ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિસમાં જમા કરાવવાની રહેશે.
ધો.12ના સાયન્સ, કોમર્સ સહિતના તમામ પ્રવાહની પરીક્ષાઓને રદ કરવાનો મહત્વનો નિર્ણય સીબીએસઈ દ્વારા લેવાયો હતો. જો કે સીબીએસઈએ એ જ દિવસે પરીણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીને પરીક્ષા આપવાનો વિકલ્પ આપ્યો હતો. જ્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ધો.12ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાનો કોઈ જ વિકલ્પ અપાયો ન હતો. બોર્ડ દ્વારા તેની જાહેરાત કરવાની બાકી હતી.
રવિવારે ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાઈ હતી કે, ધો.12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સરકારે નક્કી કરેલા ગુણાંકન પદ્ધતિ મુજબ પરીણામ તૈયાર થશે.
આ પરીણામથી કોઈ વિદ્યાર્થીઓ સંતુષ્ટ ન હોય તો પરીણામ પ્રસિધ્ધ થયાના 15 દિવસની અંદર પોતાનું પરીણામ ગુજરાત બોર્ડની કચેરી ખાતે જમા કરાવી ધો.12ની પરીક્ષા આપી શકશે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. તેના માટેનો કાર્યક્રમ હવે પછીના દિવસોમાં જાહેર કરાશે. ગુજરાતના તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થી-વાલીઓને આ સંદર્ભે નોંધ લેવા જણાવાયું છે. ધો.12 સાયન્સના સવા લાખથી વધુ અને સામાન્ય પ્રવાહના 6 લાખથી વધુ વિદ્યાર્થી છે. સીબીએસઈ દ્વારા પરીક્ષા લેવાની જાહેરાત બાદ થોડા દિવસો પછી ગુજરાત બોર્ડે પણ આ જ પ્રકારની જાહેરાત કરવાની ફરજ પાડી હતી. જો કે, ‘અબતક’ મીડિયા દ્વારા જે વિદ્યાર્થીઓને પોતાનું કૌશલ્ય બતાવવું હશે તે પરીક્ષા આપી શકશે તે અગાઉથી જ જાહેર કરી દેવાયું હતું.
હવે હોશિયાર વિદ્યાર્થીઓ કે જેઓ માસ પ્રમોશનથી સંતુષ્ટ નથી તેઓ પરિણામ જાહેર થયા બાદ પોતાની માર્કશીટ શિક્ષણ વિભાગને જમા કરાવી ફરી પરીક્ષા આપી શકશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં સતાવાર રીતે જાહેર કરવામાં આવશે.