રાજકોટનું મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ભૂખ્યા લોકોની ભૂખદુર કરી રહ્યું છે. કોઇ પણ પ્રસંગમાં વધતું ભોજનને એકઠું કરી સંસ્થા લોકોને પહોંચાડે છે. ટ્રસ્ટ દ્વારા ભોજન બચાવવાને એક સરસ ‘સ્વચ્છ થાળી અભિયાન’ નામ આપ્યું છે. ટ્રસ્ટમાં હાલ 50થી વધુ લોકો કમિટી મેમ્બર છે. જે તમામ લોકોને અન્નનું મહત્વ સમજાવે છે. માટે તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે. મિશન સ્માર્ટ સિટીના સભ્યોને કોઇ પણ જગ્યાએથી ભોજન વધ્યું હોય અને ફોન આવે તો દિન-રાત કે સમય જોયા વિના તાત્કાલિ પહોંચી જાય છે અને ભોજન એકત્રિત કરી ગરીબોને પહોંચાડી દે છે. સમાજના અન્ય લોકો પણ ભોજનનો બગાડ ના કરે તે માટે ટ્રસ્ટના સભ્યો કોઇ પણ પ્રસંગમાં જાય તો પોતાની ચોખ્ખી પ્લેટનો ફોટો પાડે છે અને તે અન્ય લોકોને મોકલી અન્નનો બચાવ કરવાની અપીલ કરે છે.
મિશન સ્માર્ટ સિટી રાજકોટના કોઇપણ ખૂણે વધેલું ભોજન લઇ જાય છે અને ગરીબ પરિવારને પહોંચાડે છે. જો આપના પ્રસંગમાં પણ જમવાનું વધ્યું હોય તો 98242 27676 જીતુભાઇ ગોટેચાનો સંપર્ક કરવાથી મિશન સ્માર્ટ સિટીના સભ્યો લઇ જશે. પ્રસંગોમાં વધતું ભોજન ફેંકી દેવાને બદલે ગરીબને મળે તે માટેના પ્રયત્નો કરવા અપીલ સંસ્થા દ્વારા કરાઇ છે.
મિશન સ્માર્ટ સિટીના જીતુભાઇ ગોટેચાએ કહ્યું હતું કે, અનેક પરિવારને રાત્રે ભૂખ્યા ઊંઘી જવું પડે છે તો દેશમાં લાખો લોકો ભૂખમરાથી મરે છે. બાબત ખૂબ ગંભીર પૂર્વક ગણી શકાય. મારી 64 વર્ષની ઉંમરમાં મે ક્યારેય પણ ભોજન પડતું મુક્યું નથી. મારા જન્મ દિવસની ઉજવણીમાં 200 લોકોને અન્નનો બગાડ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી.
વિચારવા જેવી વાત એછે કે, આ તકે એક પણ વ્યક્તિની પ્લેટમાં એંઠુ ભોજન વધ્યું હતું નહીં અને બગાડ પણ થયો હતો નહીં.