10 હજાર ચુકાદા લોકો માટે ખુલ્લા મૂકતું સુપ્રીમ કોર્ટ
પ્રજાજનો 15 દિવસની મુદ્દતમાં તેમના અભિપ્રાયો સર્વોચ્ચ અદાલતને મોકલી શકશે
સર્વોચ્ચ અદાલતે ગુરુવારે 1 જાન્યુઆરી, 2014 થી માર્ચ 31, 2023 સુધીના 10,000 થી વધુ ચુકાદાઓની સૂચિ જાહેર કરી છે. આ ચુકાદા જાહેર કરી સર્વોચ્ચ અદાલતે પ્રજાજનો તેમજ કાયદાકીય નિષ્ણાંતો પાસે સૂચનો માંગ્યા છે. જો લોકોને આ ચુકાદામાં કોઈ ખામી જણાય તો તેઓ સુપ્રીમ કોર્ટને તેમનો અભિપ્રાય મોકલી શકશે.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદા જાહેર કરીને ટાંક્યુ છે કે, આ ચુકાદામાં જો કોઈને ખામી જણાય તો તેઓ 15 દિવસની અંદર તેમના અભિપ્રાયો સર્વોચ્ચ અદાલતના રજીસ્ટ્રાર અને લાઈબ્રેરી વિભાગને મોકલી શકશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જે નોટીસ જાહેર કરવામાં આવી છબે તેમાં કહેવામાં આવ્યું છે કે, અમે કેસોની સૂચિ અને સંદર્ભિત તટસ્થ અવતરણો પર અમૂલ્ય સૂચનો માંગીએ છીએ. કોઈ પણ કેસની સૂચિ અને તટસ્થ અવતરણોની તેમના પોતાના ડેટાબેઝ સાથે તુલના કરી શકે છે અને તે મુજબ ચુકાદાઓની સૂચિમાં કોઈપણ ગુમ થયેલ અથવા ખોટો ડેટા હોય તો, તેના સંદર્ભમાં સૂચનો કરી શકાય છે. નોંધનીય છે કે, મળેલા સૂચનોને ધ્યાનમાં લઈને તટસ્થ સંદર્ભ સાથેના ચુકાદાઓની અંતિમ યાદી રજિસ્ટ્રી દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ તેનો અભિપ્રાય આપવા માંગતી હોય તો રજિસ્ટ્રાર, લાઇબ્રેરી અને સંપાદકીય વિભાગને 15 દિવસની અંદર જજીસલાઈબ્રેરીના ઇમેઇલ પર અભિપ્રાય મોકલી શકાય છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે આ વર્ષે ફેબ્રુઆરીમાં આ સિસ્ટમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ચીફ જસ્ટીસ ચંદ્રચુડે આ વર્ષે ઈ-ઈએસસીઆર પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટના તમામ ચુકાદાઓનું ડિજિટલ સંસ્કરણ મફત ઍક્સેસ સાથે ઑનલાઇન ઉપલબ્ધ કરવામાં આવે છે.