ગોવાની જેમ ક્રુઝ પર DJ, મ્યુઝિકની મોજ માણવા મળશે: વડા પ્રધાન મોદીના હસ્તે પ્રારંભ થવાની સંભાવના
ટેસ્ટ માટે ક્રુઝ ઉતારાઇ: એક બાદ એક આકર્ષણો થકી કેવડિયા બની રહ્યું છે વિશ્વ કક્ષાનું પર્યટન સ્થળ
કેવડિયા કોલોની હવે વિશ્વ કક્ષાનું પર્યટન સ્થળ બની રહ્યું છે. અહીં નિરંતર નવા આકર્ષણો ઉમેરાતાં જાય છે. અહીંના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ હવે નર્મદા નદીમા ક્રૂઝની સફર કરી શકશે જેના માટે ક્રૂઝ તૈયાર થઈ ગઈ છે. ક્રૂઝને નર્મદા નદીમાં ઉતારીને એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ૨૧ અને ર૨ માર્ચની ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી કેવડિયા ખાતે નર્મદા નદીમાં ક્રૂઝનું લોકાર્પણ કરશે.
કેવડિયા ખાતે જનારા પ્રવાસીઓ હવે ક્રૂઝમાં જળ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવાનો રોમાંચ મેળવી શકશે, જેના માટે બસો પ્રવાસીઓ બેસી શકે એવી ક્ષમતાવાળી ક્રૂઝ તૈયાર કરવામાં આવી છે. આ ક્રૂઝમાં પ્રવાસીઓ ગોવાની જેમ ડીજે-ડાન્સની મજા માણી શકશે. ક્રૂઝની સવારીનું ભાડું વ્યકિતદીઠ ૩૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ગરુડેશ્વરથી ૬ કિલોમીટરના અંતરમાં આ ક્રૂઝ ચાલશે. શ્રેષ્ઠ ભારત ભવન પાસે પોઇન્ટ બનશે.
ત્યાંથી સીધા ૬ કિલોમીટરના રૂટમાં એક કલાક ક્રૂઝની મજા પ્રવાસીઓ માણી શકશે. આગામી ૨૧ અને રર માર્ચે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન મોદી કેવડિયા આવશે અને ક્રૂઝનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ પ્રવાસીઓ ક્રૂઝનો આનંદ માણી શકશે. કેવડિયા કોલોનીમાં એક પછી એક આકર્ષણો ઉમેરાતાં જાય છે અને અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે.