આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. એલોપથી મેડિકલ વિજ્ઞાન ‘એન્ટિડિપ્રેશન’ અથવા ‘મુડએલિવેટર્સ’ ગોળીઓ આપીને તણાવ દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની અનેક આડઅસરો છે. માનસિક તાણના સંજોગોમાં આડઅસર વિનાનો અદ્ભુત ઇલાજ ભારતીય આધ્યાત્મિક શાસ્ત્રમાંથી જ પ્રગટેલા યોગ-વિજ્ઞાનમાં છે.
માનસિક તાણ દૂર કરવા શવાસન, મકરાસન અને ધ્યાન જેવા આસાન કરવા જોઈએ :
શવાસન :
આ આસન સાવ સહેલું છે. બે હાથ અને બે પગ સાધારણ પહોળા કરીને શબની જેમ ચત્તા સૂવું તેનું નામ શવાસન. શવાસનમાં મનનું નિયંત્રણ ખૂબ અગત્યનું છે. શબને જેમ કોઈ વિચાર હોતો નથી, કોઈ હલન-ચલન હોતું નથી, તેમ સમગ્ર શરીરમાંથી મનની વૃત્તિને ખેંચીને આત્મામાં સ્થિર કરવી. જાણે શ્વાસ ચાલતો જ ન હોય તેટલા ખૂબ ધીમા શ્વાસોચ્છ્વાસ સહજતાથી ચાલવા દેવા. આ દરમ્યાન મનમાં સ્વામિનારાયણ નામનું સ્મરણ કરી શકાય. તે સિવાય મનના વિચારો શૂન્ય થઈ જવા જોઈએ.
મકરાસન :
મકરાસન એટલે મગરની જેમ સૂવાની પ્રક્રિયા. આઆસનમાં માણસે બાળકની જેમ છાતીઅને પેટ પર ઊંધા સૂવાનું હોય છે. બાળઅવસ્થામાં માણસને કુદરતી રીતે આ મુદ્રામાં સૂવાની ટેવ હોય છે. પરંતુ મોટી ઉંમર થયા પછી તે ભૂલી જાય છે. બે હાથની સાંકળ બનાવીને તેના પર માથું ટેકવીને મકરાસનમાં સૂતાં સૂતાં હળવા શ્વાસોચ્છ્વાસ લેવાં. પાંચેક મિનિટ સુધી મકરાસન કરવાથી રિલેક્સેશન થશે.
ધ્યાન :
પ્રાણાયામ ધ્યાનનો પાયો છે. પ્રાણાયામ વિના અંદરની મન અને ઇન્દ્રિયો અંકુશમાં આવતી નથી. માનસિક તાણના સંજોગોમાં પ્રાણાયામ એટલે માત્ર ઊંડા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરવાની છે. નાકની એક બાજુથી ઊંડો શ્વાસ લેવો અને બીજી બાજુથી શ્વાસ છોડવો. શક્ય હોય તો નાભી સુધી પહોંચે તેટલો ઊંડો શ્વાસ લેવો. આ પ્રક્રિયા દરમ્યાન શ્વાસને રોકવો નહીં. આ હળવા શ્વાસોચ્છ્વાસ દરમ્યાન નાડીઓ વગેરેને એકદમ ઢીલાં છોડવાં. આમ કરવાથી શરીર એકદમ હળવું થઈ જશે.
ત્રણ-ચાર મિનિટ શ્વાસોચ્છ્વાસની આ પ્રક્રિયા કર્યા બાદ હવે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને સરળ બનાવી દો. પ્રયત્નપૂર્વક પ્રાણાયામના ઊંડા શ્વાસોચ્છ્વાસને બદલે હવે તેની મેળે થતા શ્વાસોચ્છ્વાસ ચાલવા દો. જાણે તમે શ્વાસોચ્છ્વાસ કરતા જ નથી તેટલું સહજ ચાલવા દો. આપોઆપ જે શ્વાસ આવશે તે શરીરની અંદરથી જ આવશે જે તમને તણાવથી મુક્ત કરશે.બે-ત્રણ મિનિટ આંખો મીંચીને શ્વાસોચ્છ્વાસ સહજ બન્યા પછી હવે થોડો સમય ધ્યાન માટે વિતાવો. ધ્યાનમાં એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. જે વ્યક્તિ કે જે કારણે તમને ટેન્શન થતું કે થયું હોય તેને બિલકુલ યાદ ન કરો. તે વ્યક્તિનો ચહેરો પણ યાદ ન કરો. બીજા લોકોના દોષને પણ ભૂલી જાવ. તે વખતે માત્ર ભગવાન કે સંતની મૂર્તિ ચિત્તમાં ધરી હોય, તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. ટેન્શનની ગાડી પર આ ધ્યાન એક વિશિષ્ટ બ્રેકનું કામ કરે છે.