પહેલાના જમાનામાં બાળકો શેરી ગલીઓમાં રમતા ત્યારે તેમને ઘણું બધું શીખવા મળતું : વિવિધ શેરી રમતો દ્વારા શરીર ખડતલ બનતું અને બાળકો રોગથી દૂર રહેતા હતા જુના જમાનાની જીવન શૈલીથી બાલ ઉછેર ખુબ જ સારો થતો હતો : શેરી રમતોથી બાળકોમાં ભાઈચારો , ખેલદિલી જેવા ઘણા ગુણો વિકસતા હતા.
આજના યુગમાં બાળકો કે તેના વાલીઓ શેરી રમત ભૂલી ગયા છે : નવા યુગની નવી જીવનશૈલી ને કારણે આજના બાળકો ઘણી બધી વસ્તુ થી દૂર થઈ ગયા છે : આજે મા બાપ ને બાળકો માંદા ન પડે તેનો ડર સતત સતાવી રહ્યો છે : બાળકોને ઋતુ પ્રમાણેના ખોરાક સાથે રમાતી વિવિધ રમતોમાં સામેલ કરવા ખૂબ જ જરૂરી છે.
બાળ ઉછેરમાં આઉટડોર રમતનું વિશેષ મહત્વ છે. આપણે આપણાં સંતાનોને આહાર-ઉછેર સાથે લાડ કોડમાં ઉછેરીએ છીએ. રમવા-જમવાની સાથે તમામ કાળજી લઇએ છીએ. પહેલા આવી કોઇ કાળજી ન લેતા, ત્યારે તો બાળકો તડકો, ટાઢ, ધૂળ, વરસાદ જેવા તમામમાં મોજથી હસતા-કૂદતાં-ખેલતા રમતા બાળકો હતા. કદાચ તેને કારણે બાળકમાં તમામ વાતાવરણ સહન કરતાં આવડી જતુંને તેનું શરીર પણએ પ્રમાણે ટેવાય જતું. આજના યુગના વિજ્ઞાનીઓએ પુરાવા સાથેએ વાતને સાચી પાડી છે કે બાળક ધૂળ-માટીમાં રમે તો તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ધૂળમાં ઘણા બેક્ટેરિયા હોય છે. જે શરીરને લાભકર્તા હોય છે. આજે તો બાળકને ટોકીએ છીએ કે ધૂળમાં રમવા ન જા પણ હવે સાબિત થઇ ગયું છે કે બાળકો માટે એ લાભની વાત છે. એક અભ્યાસ મુજબ ધૂળ કે માટીમાં રમવું બાળક માટે જોખમવાળું નથી. સારા વાતાવરણમાં કુદરતી ખૂલ્લા શેરી કે પ્લોટ કે મેદાનમાં બાળક રમે તો તેને માટે લાભકર્તા છે. માટીમાં રહેલા કેટલાક જીવાણું તેના માટે ફાયદાકારક છે. ઘણા ધૂળના બેક્ટેરીયા તો એલર્જી કે અસ્થમા કે ખોરાકની એલર્જીમાં રક્ષણ આપે છે.ધૂળ-માટીમાં રમવું વધારે હિતાવહ છે. ઘણા સ્થળો ગંદકીને કાદવ કિચડથી ખદબદતા હોય તેવી જગ્યાએ બાળકને અવશ્ય ન રમવા દેવું. માટીમાં ન રમતા બાળકોને સારા બેક્ટેરીયાનો લાભ મળતો નથી , તેથી સામાન્યત: શરદી, ઉધરસ, તાવ, ડાયેરીયા કે પેટના દુ:ખાવાની વધુ ફરિયાદ હોય છે. આજે તો બાળક જેવું બહાર રમવા ગયું કે તુરંત આપણે દોડીને ઘરમાં પૂરી દઇએ છીએ. જે વિજ્ઞાનીઓના મતે તે ખોટું છે. બાળકનો સ્વભાવ ચંચળ હોય છે. તેને બહાર-રમવું ફરવું ને તેની જેવડા ભાઇબંધ જોડે ધીંગા મસ્તી કરવી ખૂબ જ ગમે છે જે સાચું પણ છે.
અગાઉના છોકરા ઝાડ પર ચડતા-પડતાને સાયકલમાં તો જેટલા બેસી શકે તેટલાને બેસાડીને દોડાવતા હતા. આજે ધૂળ-માટીના ઘણા બેક્ટેરીયા ફાયદામંદ છે , તેનો અભ્યાસ કરીને તારણો આપ્યા છે. જેટલી આપણી જૂની સિસ્ટમ-રિવાજ વિગેરે હતા તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક આધારો સાથે હતા. બાળકોને કુદરતના ખોળે મુક્ત વાતાવરણમાં રમવા દો, ખીલવા દો જે તેના ફાયદા માટે છે. જૂના જમાનામાં જ્યારે લાગતું ત્યારે ઝીણી ધૂળ લગાડી દેતાને મટી પણ જતું. દરેક મા-બાપ ચિંતા છોડોને બાળકોને ધૂળ-માટીમાં રમવા દો તો જ તેનો સારો વિકાસ થશે.
ધૂળ-માટીમાં રમવાના ઘણા ફાયદાઓ જોવા મળે છે. આપણે નાના હતા ત્યારે આઉટડોર ગેમનો જમાનો હતો. આપણે બધા પણ ધૂળ-માટીમાં રમેલા જ છીએને. આજના મા-બાપો તો બાળકોને સતત ટોક્યા જ રાખે છે. આપણને ક્યારેય રમવાની ના પાડતા નહી. પહેલાનો અને આજનો બાળ ઉછેર અલગ છે, તેથી ઘણી મુશ્કેલી બાળકના સર્ંવાગી વિકાસમાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો પણ માટીમાં રમવાથી બાળકોના શરીરમાં સારા બેક્ટેરીયાનો વિકાસ થાય અને તેની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.પ્રકૃતિ સાથેના લગાવનું શિક્ષણ માટીમાં રમવાથી જ બાળકોને મળે છે. પોતાની જગ્યા, વૃક્ષો, તળાવો, જંગલો જેવા વિવિધ પ્રકૃતિના સ્થળો વિશે જાણવા મળે છે. ધૂળ-માટીમાં રમતા બાળકોને નાની-નાની બિમારીઓ બહુ ઓછી આવે છે. પહેલા તો મા-બાપ પાસે સમય હતો તેથી તે પણ સાથે રમતાં હતા. આજે સૌથી મોટી ખોટ બાળકો માટે મા-બાપ પાસે સમય નથી. પહેલાના પરિવારો-બાળકો સૌ આઉટડોર ગેમ વધુ રમતા હતા જ્યારે આજે ઇન્ડોર ગેમનું ચલણ છે. જેમાં મોબાઇલ નંબર વનના સ્થાને છે. આજે પણ માટીમાં રમવાનું બાળકને મન થાય છે પણ મા-બાપ ખીજાય છે એમને લાગે છે કે બાળક બહાર રમવા જશે તો તે માંદુ પડશે પણ એ માન્યતા ખોટી છે. મનોવિજ્ઞાન પણ બાળકોને ખુલ્લા વાતાવરણમાં રમવાની હિમાયત કરે છે જેનાથી બાળકોની રચનાત્મક શક્તિ ખિલે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.