નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભા ગૃહમાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતા વેળાએ એવી ઘોષણા કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં 2 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, સામાજીક જવાબદારી નિભાવવાની સાથે સાથે સરકારી કે અર્ધ સરકારી સેવામાં જોડાઈ કારકિર્દી બનાવવાની દરેક યુવાનની ઝંખના હોય છે. ભાજપ સરકાર યુવાનોને વધુમાં વધુ તક આપવા માટે સતત પ્રયત્નશીલ છે. આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સરકારી કચેરીમાં, બોર્ડ નિગમમાં, અનુદાનિક સંસ્થા અને સ્થાકિ સ્વરાજ્ય સંસ્થામાં લાયકાત ધરાવતા 2 લાખ યુવાનોની ભરતી કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું કે, વિવિધ પ્રોત્સાહક નીતિના કારણે ઔદ્યોગીક અને સેવાકીય ક્ષેત્રે મોટા પ્રમાણમાં મુડી રોકાણ વધ્યું છે જેના કારણે રોજગારીની વ્યાપક તકો ઉપલબ્ધ થઈ રહી છે. નવા ઉદ્યોગ ધંધા, ખેતી, પશુપાલનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે યુવાનોની રોજગારી પૂરી પાડવા અનેકવિધ આયોજન કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા રોજગારી મેળવવાનું આયોજન કરી યુવાનોને ખાનગી ક્ષેત્રમાં લાયકાત મુજબ નોકરી આપવાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે આગામી પાંચ વર્ષમાં મેન્યુ ફેકચર્સ, ઈન્ફાસ્ટ્રકચર, આઈટી, પ્રવાશન, હોસ્પિટાલીટી, બેન્કીંગ અને સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે.