જયપુરમાં કોંગ્રેસ અધિવેશનનું આયોજન થયું હતું. સરદાર સાહેબ આ અધિવેશનમાં ભાગ લેવા માટે પોતાના ઉતારેથી કાર્યક્રમ સ્થળે જવા માટે નીકળ્યા. સરદાર જીપગાડીમાં બેઠા હતા. ડ્રાઈવર જીપ હંકારીને અધિવેશનના પ્રવેશદ્વાર સુધી લાવ્યો. સરદારને સત્કારવા માટે ઘણા લોકો પ્રવેશદ્વાર પર એમની રાહ જોઈને ઊભા હતા.
ડ્રાઈવરે પ્રવેશદ્વાર પર જીપ ઊભી રાખી, સરદારે જીપમાંથી ઊતરવા માટે હજુ તો એક પગ નીચે મૂક્યો ત્યાં એમને મળવા માટે કેટલાક લોકો જીપ પાસે આવી ગયા. સરદારનો એક પગ જમીન પર અને બીજો પગ જીપમાં જ હતો. ગાડી ચલાવી રહેલા ડ્રાઈવરને થયું કે સરદાર સાહેબ નીચે ઊતરી ગયા છે એટલે એમણે ગાડી હંકારી દીધી.
સરદાર તો સીધા જ નીચે ફંગોળાયા. ગાડી સહેજ આગળ ગયા પછી ડ્રાઈવરને પોતાની ભૂલ સમજાઈ એટલે એ ગાડી ત્યાં જ રાખીને દોડતો દોડતો પાછો આવ્યો. આસપાસ ઊભેલા લોકોએ સરદારને ઘેરી લીધા હતા. ગાડીમાંથી ફંગોળાયા હોવાથી સરદારને થોડું વાગ્યું પણ હતું. ડ્રાઈવરે સરદાર સાહેબને આવી હાલતમાં જોયા એટલે એ તો ધ્રુજવા લાગ્યો. આજે જાણે કે એનું આવી જ બનશે એ વિચારમાત્રથી એના દિલની ધડકન તેજ થઈ ગઈ.
આસપાસ ઊભેલા લોકોને પણ હતું કે અંગ્રેજ સરકાર પર તાડૂકતા સરદાર આજે આ ડ્રાઈવરને પણ બરોબરના ખીજાશે. સરદાર શાંતિથી ઊભા થયા. કપડાં પરની ધૂળ ખંખેરીને ડ્રાઈવર સામે એક હળવું સ્મિત આપ્યું. ડ્રાઈવર પર ગુસ્સો કરવાના બદલે કે તેને શિખામણનો એકપણ શબ્દ કહ્યા વગર સરદાર સભા સ્થળે જવા માટે આગળ નીકળી ગયા. ડ્રાઈવ2 સરદારની આ દરિયાદીલી જોઈને એનો ચાહક બની ગયો. આપણું રોજ ધ્યાન રાખનારી વ્યક્તિ દ્વારા કેટલીક વખત સાવ અજાણતાં નાની એવી ભૂલ થાય તો એ માફ કરવાના બદલે આપણે એને સજા કરીએ છીએ. ભૂલનું પુનરાવર્તન થતું હોય ત્યારે સજા કરીએ તો બરોબર પણ બિચારો પહેલી વખત કોઈ ભૂલ કરે અને દુર્વાસાની જેમ એના પર કોપાયમાન થઈ જઈએ તો એના દિલને જીતવામાં આપણે નિષ્ફળ જઈશું.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ 1981માં અમદાવાદ ખાતે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ ભવ્યતાથી ઊજવતા હતા. આ ઉત્સવની પાણીની માંગને પહોંચી વળવા ટેકરા ઉપર પાણીનો હોજ બનાવ્યો હતો. હોજની બાજુમાં પાણીનો બોર હતો. તેની સાથે હોજની લાઈન જોડી હતી. પાણીનો વાલ્વ ખોલે તો જ હોજમાં પાણી ભરાય. રાત્રે આ વાલ્વ કોઈએ ભૂલમાં ખોલ્યો હશે તેથી સવારે બો2 ચાલુ કરતાં જ આ હોજ ઊભરાઈ ગયો અને માટીનું ધોવાણ થઈ ગયું. આ સાથે જ મોટો હોજ મિનિટોમાં જ ફસકી પડ્યો. દસથી બાર હજાર રૂપિયાનું નુકસાન થઈ ગયું. ખબર મળતાં પ્રમુખસ્વામી મહારાજ પણ ઘટના સ્થળે પહોંચી ગયા.
પાણીની સેવામાં જોડાયોલા અક્ષરવિહારી સ્વામીને અંતરમાં સખત ડર લાગ્યો કે હવે ઠપકો અને શિખામણ જરૂર મળશે. પણ એની સામે સ્વામીશ્રીએ તેઓને જોઈને પ્રેમથી પૂછ્યું કે, ‘વિહારી! શું જુએ છે?’ આ નાના સંતે ખેદ સાથે કહ્યું કે, ‘સ્વામીબાપા! આ હોજ ફાટી ગયો.’ સ્વામીશ્રી બોલ્યા, ‘એમ! હોજ ફાટી ગયો!’ એમ કહેતાં ખડખડાટ હસી પડ્યા. ગંભીર વાતાવરણ હળવું થઈ ગયું. તેઓએ બધું જોયું, પણ એક શબ્દ બોલ્યા નહીં અને પ્રસન્ન મુદ્રામાં જ આશીર્વાદ આપીને ત્યાંથી વિદાય થયા.
કચારેક આપણે સામેવાળી વ્યક્તિને સુધારવા માટે શબ્દોરૂપી શસ્ત્રો ઉગામીએ છીએ કારણ કે આપણે પરિસ્થિતિથી અકળાઈ ગયા હોઈએ છીએ. પણ મહાપુરુષો આવા સમયે ક્ષમારૂપી ચાદર ઓઢાડી સામેવાળાને હૂંફ અને સલામતીનો અનુભવ કરાવે છે. તેઓ સામેવાળાની ભાવના અને દાનતને ગણતરીમાં લે છે. ભલે કોઈના દ્વારા એક વખત ભૂલ થાય પણ જો એ ભૂલને માફ અથવા નજર-અંદાજ કરીએ તો આપણા ધાર્યા બહારનું સકારાત્મક પરિણામ આપણે પામી શકીએ છીએ.
આમ જોવા જઈએ તો સામેવાળી વ્યક્તિ જ્યારે ભૂલ કરે છે ત્યારે ભગવાન આપણને તક આપે છે – તેને ક્ષમા કરવાની, તેના અંતરનો આદર પામવાની. પણ ખેદની વાત એ છે કે આપણે આ તક ચૂકી જઈએ છીએ. અને કેવળ ચૂકી જઈએ છીએ એટલું જ નહિ પણ ગુસ્સો કરી બાજી બગાડી નાંખીએ છીએ.
આપણને કેટલીય વખત અનુભવ થયો હશે કે આપણાં સંતાન, સંબંધી કે મિત્ર દ્વારા થયેલી ભૂલનો પ્રતિભાવ આપણે ગુસ્સાથી આપ્યો હોય અને પછી આપણે જ એમને મનાવવા માટે પ્રયતો આદર્યા હોય. સંબંધોને સુધારવા માટે પછી આપણે જ વલખાં મારવા પડે છે. માટે જો આપણે આજથી નક્કી કરીએ કે કોઈપણ વ્યક્તિ મારા કાર્યમાં ભૂલ કરે તો તેના પર ગુસ્સે થવાના બદલે તેના અંતરનો આદર પામવાની તક હું ઝડપી લેવી છે તો એ વ્યક્તિ સાથેના આપણા સંબંધો સારા હશે તેના કરતાં પણ વધુ સારા બની જશે.તો ચાલો આજથી જ ગુસ્સાને છોડી અંતરનો આદર પામીએ અને સંબંધોને વધુ સઘન બનાવીએ…