સંગીત આડઅસર વગરની એક અનુશાસિત શ્રેષ્ઠ ચિકિત્સા છે
આપણા શરીરની પ્રત્યેક ક્રિયા ઉપર મગજનું નિયંત્રણ છે અને તેના ઉપર આપણા મનનું નિયંત્રણ છે. એટલે શરીરની સ્વસ્થતા અને અસ્વસ્થતાનો આધાર માનસિક સ્વસ્થતા ઉપર જ હોય છે. આયુર્વેદમાં પણ પ્રજ્ઞાપરાધને રોગનું મૂળ કારણ બતાવાયું છે. એટલે રોગ પહેલાં મનમાં થાય છે અને પછી તનમાં થાય છે. આ વાતની પુષ્ટિ કરતાં કાર્લગુસ્તાવયુંગ નામના લેખક ‘એયોન’ નામના પુસ્તકમાં લખે છે કે મન સારાં અને ખરાબ સ્પંદનો પેદા કરતું હોય છે, અને આ જ વાત ફ્રિટજોફ કાપરા નામના સુપ્રસિદ્ધ ભૌતિક વૈજ્ઞાનિકે ‘ધ ટર્નિંગ પોઇન્ટ’ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે આપણા મન અને શરીરને હાનિકર્તા સ્પંદનોથી વિરુદ્ધ પ્રકારનાં સારાં સ્પંદનો દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારી શકાય છે.
આયુર્વેદમાં પ્રાચીન કાળથી ગંધર્વ વેદની સહાયથી સ્વર ચિકિત્સા પ્રણાલીનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આયુર્વેદના પ્રણેતા ચરકઋષિએ સિદ્ધિસ્થાન નામના પુસ્તકમાં છઠ્ઠા પ્રકરણમાં સંગીતના ઔષધીય ઉપયોગનું વિસ્તૃત વર્ણન પણ કર્યું છે.સંગીત સ્વરામૃત નામના ગ્રંથમાં કહ્યું છે કે ધ્વનિ તરંગોની સીધી અસર આપણા વાત, પિત્ત અને કફ ઉપર થાય છે. અર્થાત્ ખૂબ મોટા અવાજના ધ્વનિ તરંગો રુક્ષ અને રૂખા હોય છે તે વાત, વાયુ પેદા કરે છે. ગંભીર અને ઘન તરંગો પિત્ત વધારે છે તો કોમળ, મૃદુ અને સ્નિગ્ધ ધ્વનિતરંગો કફ વધારે છે.
ખૂબ મોટા એટલે કે ૧૦૦થી ૧૧૦ ડેસિમલ જેવી તીવ્રતાવાળા બેન્ડ આદિના અને વેસ્ટર્ન મ્યુઝિકના ધ્વનિતરંગો સન્નીપાત પેદા કરી શકે તેવા જોખમી હોય છે. જ્યારે શરણાઈ અને દેશી વાદ્યો આદિના સૂરો દેવોને પણ પ્રિય હોય છે અને આરોગ્ય માટે અત્યંત અનુકૂળ હોય છે. ઊંચી કંપસંખ્યા ધરાવતા ધ્વનિતરંગો આપણા કાનમાં શૂળ ભોંકાતી હોય તેવો અનુભવ કરાવે છે. આવા વિકૃત સંગીતના જલસાઓમાં સ્પીકર પાસે તમે ઊભા રહો તો તમારા પેટમાં પણ હથોડા પડતા હોય તેવો અનુભવ થાય છે. જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે આવા ધ્વનિતરંગોમાં ભાષાવર્ગણાના સમૂહની સંખ્યા ઘણી વધુ હોય છે.
જે કોઈ વ્યક્તિ આ સ્તોત્ર સવારે અને સાંજે એમ ઉભયકાળ બોલે અથવા સાંભળે તેને કોઈ પણ જાતના રોગો થતા નથી અને થયા હોય તો પણ તે દૂર થાય છે. બંધ અને અલંકારોથી સુબદ્ધ એવી તેની ૪૦ ગાથાઓમાં ૨૮ છંદના આધારે અસલ પદ્ધતિમાં તેનો ઉચ્ચાર કરવામાં આવે તો ધારી અસર આજે પણ નીપજાવી શકે છે. સાબરમતી, અમદાવાદમાં શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ગુરુકુલમનાં બાળકોનું આવું સમૂહગાન અત્યંત કર્ણપ્રિય છે.
ઓડિસી દ્વારા અમે જગન્નાથને પ્રસન્ન કરીએ છીએ, કથક દ્વારા કૃષ્ણની ભક્તિ કરીએ છીએ અને ભરતનાટીમ્ દ્વારા પ્રથમ નર્તક, નટ અને કળાકાર એવા શિવની આરાધના કરીએ છીએ. ભારતીય સંગીતનું અંતિમ ધ્યેય મોક્ષપદની પ્રાપ્તિ હોય છે. આ ભક્તિ ઝેરને પણ અમૃત કરી દેતી હોય છે. ભક્તિમાં વીણાવાદન કરતા રાવણની વીણાનો તાર તૂટી જતાં પોતાની નસ ખેંચીને તે વીણામાં લગાવીને ભક્તિ અખંડ રાખે છે અને તેના દ્વારા તે ર્તીથંકર નામકર્મ બાંધે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજા ફરમાવે છે કે જિનવર બિંબને પૂજતા હોય શતગણું પુણ્ય; સહસ્ત્રગણું ફળ ચંદને, જે લે એ તે ધન્ય. લાખ ગણું ફળ કુસુમની માળા પહેરાવે; અનંતગણું ફળ તેહથી, ગીતગાન કરાવે.
આજની સ્ટ્રેસયુક્ત તનાવભરી જીવનશૈલી કોમ્પિટિટિવ ઍટમોસ્ફિયરને કારણે માનવના મન અને પ્રજ્ઞા ઉપર ઘણું દબાણ રહેતું હોય છે. આયુર્વેદ પ્રજ્ઞાપરાધને જ રોગોનું મુખ્ય કારણ બતાવે છે. આવા સમયમાં આધુનિક રિસર્ચ દ્વારા સંગીતની ચિકિત્સાએ ઘણું કાઠું કાઢ્યું છે. તાજેતરમાં જ સંગીત અને જ્યોતિષના જાણકાર રમેશભાઈ કોઠારી દ્વારા એક સંગીતચિકિત્સાનો પ્રેક્ટિકલ કાર્યક્રમ રજૂ થયો હતો, જેમાં હાઈ બ્લડપ્રેશર માપ્યા પછી માત્ર થોડા સમય માટે રાગ ભૂપાલી, શુદ્ધ કલ્યાણ અથવા આનંદ ભૈરવી સંભળાવીને પછી જ્યારે રોગીનું પ્રેશર માપવામાં આવ્યું તો અનેક લોકોની હાજરીમાં સારું એવું નીચું નોંધાયું હતું.
સંગીત આડઅસર વગરની એક અનુશાસિત શ્રેષ્ઠ ચિકિત્સા છે, કારણ કે તેના લયબદ્ધ સૂરો લોકોને મૃદુ અને ભાવમય બનાવે છે. સંગીતચિકિત્સા પર વિશ્વમાં ઘણું સંશોધન ચાલી રહ્યું છે, જેમાં સ્નાયુઓના મંડળને સક્રિય અને ગતિમાન કરવા દ્વારા શ્વાસોચ્છ્વાસની ક્રિયાને પણ સંતુલિત કરવામાં આવી રહી છે.
આજના હાઈ-લો બ્લડપ્રેશરના રોગો, ડાયાબિટીઝ, માથાનો દુ:ખાવો, અનિદ્રા અને ડિપ્રેશન જેવા રોગોમાં તો તે તાત્કાલિક ફળ આપે છે, કારણ કે સંગીત સાંભળવા માત્રથી જ્ઞાનતંતુઓને ઊર્જા પ્રદાન થાય છે, જેનાથી સ્ટ્રેસ, થાક અને ચીડિયાપણું બહુ અલ્પ સમયમાં દૂર થઈ શકે છે.સંગીતચિકિત્સામાં વ્યક્તિના રોગો અને તેની રુચિ જાણ્યા પછી તે પોતે તે રાગ ગાય અથવા સાંભળે તો સ્વર, લય, માત્રા, બીટ્સ અને મધુર સ્વરના સંયોજનથી તાત્કાલિક ફાયદો થતો હોય છે.
પ્રત્યેક રાગની અલગ-અલગ મનોવૈજ્ઞાનિક અસર તાત્કાલિક થતી હોય છે. બે ભ્રમરની વચ્ચે અને મસ્તિષ્કના મધ્યભાગમાંથી બે તીર અંદર લઈ જવામાં આવે તો બન્ને તીર જ્યાં મળે તે આજ્ઞાચક્ર માણસના જીવનના આધ્યાત્મિક ઉત્થાન માટે અને કલ્પના અને સકારાત્મક વૈચારિક ઓરાનું તે એપીસેન્ટર છે. સંગીત દ્વારા આ આજ્ઞાચક્રને બળ અને ઊર્જા પ્રદાન કરી શકાય છે. સંગીત સાંભળતી વખતે જ્યારે આંખો બંધ થઈ જાય છે ત્યારે આજ્ઞાચક્ર જાગૃત થવાથી અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. ૮ પ્રહર અને ૬૦ ઘડીના બનેલા દિવસમાં અલગ-અલગ સમયે અલગ-અલગ રાગોની પ્રધાનતા છે, જેમ કે સવારે ૪ કલાકે બ્રાહ્મ મુહૂર્તમાં રાગ સોહની અને પરજ ગવાય છે.