પંજાબના પ્રવાસન મંત્રી સિધ્ધુએ આ વિવાદાસ્પદ નિવેદન દ્વારા તેઓ જેમની સરકારમાં મંત્રી છે તેવા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંગને પોતાના ‘કેપ્ટન’ માનતા નથી તેવું જણાવીને વિવાદ છેડયો
પંજાબના પ્રવાસન મંત્રી સિધ્ધુએ આ વિવાદાસ્પદ નિવેદન દ્વારા તેઓ જેમની સરકારમાં મંત્રી છે તેવા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંગને પોતાના ‘કેપ્ટન’ માનતા નથી તેવું જણાવીને વિવાદ છેડયો
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની નબળી નેતાગીરીના કારણે પાર્ટીમાં સમયાતરે વિવાદ ઉઠતા રહે છે. શિસ્તના અભાવે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ ઉભી થતી રહે છે. તાજેતરમાં પાકિસ્તાન જવાના મુદે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસીંગ અને પૂર્વ ક્રિકેટર નવજોતસીંગ સિધ્ધુ વચ્ચેના મતભેદ બહાર આવ્યા હતા. આ વિવાદમાં નવજોતસીંગ સિધ્ધુએ અમરિન્દરસીંગને પોતાના ‘કેપ્ટન’ માનવાનો ઈન્કાર કરી દઈને તેના ‘કેપ્ટન’ માત્ર રાહુલ ગાંધી જ હોવાનું જણાવતા કોંગ્રેસમાં ફરી એક નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.
પાકિસ્તાનમાં આવેલા કરતારપુર ગુરૂદ્વારામાં ભારતીય શીખ યાત્રીકો જઈ શકે તે માટે ખાસ કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેના ઉદઘાટન કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને કેન્દ્ર સરકાર સાથે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસીંગ સાથે નવજોતસીંગ સિધ્ધુને પણ આમંત્રણ પાઠવ્યું હતુ.
આ કાર્યક્રમમાં પાક. પ્રેરીત આંતકવાદના મુદે અમરિન્દરસીંગે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ, પંજાબના પ્રવાસન મંત્રી નવજોતસીંગ સિધ્ધ આ આમંત્રણ સ્વીકારીને પોતાની રીતે પાકિસ્તાન પહોચી ગયા હતા અને ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો.
સિધ્ધુના આવા પગલા સામે અમરિન્દરસિંગે મીડીયા સમક્ષ પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. જેથી, અમરિન્દરસીંગ અને સિધ્ધુ વચ્ચે વિવાદ ઉભો થવા પામ્યો હતો. ગઈકાલે હૈદરાબાદમાં આ મુદે પત્રકારોએ સિધ્ધુને પ્રશ્ન પૂછતા મજાકમાં સિધ્ધુએ જવાબ આપ્યો હતો કે ‘કયાં કેપ્ટન તેઓ (અમરિન્દરસીંગ) લશ્કરના કેપ્ટન છે. મારા કેપ્ટન તો એક માત્ર રાહુલ ગાંધી છે. રાહુલ માત્ર તેમના જ નહી પરંતુ સમગ્ર પાર્ટીના કેપ્ટન છે. તેવું વિવાદાસ્પદ નિવેદન કરીને સિધ્ધુએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
સિધુએ એમપણ જણાવ્યુ હતુ કે તેઓ તેમના ‘કેપ્ટન’ની સંમતિથી બધે જાય છે. પાકિસ્તાન જવા માટે મને પાર્ટીના ઓછામાં ઓછા ૨૦ નેતાઓએ મને કહ્યું હતુ. પક્ષના કેન્દ્રીય નેતૃત્વએ પણ મને જવા માટે કહ્યું હતુ મારા પિતા સમાન પંજાબના કેબીનેટ મંત્રીને પણ મેં પાકિસ્તાન જવાનું વચન આપ્યું હતુ. તેથી જ હું પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરીડોરના ઉદઘાટન પ્રસંગે ગયો હતો. જો કે, સિધ્ધુના નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ જેમની સરકારમાં મંત્રી છે તે સરકારના વડા એટલે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસીંગને પોતાના ‘કેપ્ટન’ માનતા નથી જેથી, પંજાબમાં સરકારની રચના વખતેની અમરિન્દરસીંગ અને નવજોતસીંગ સિધ્ધુ વચ્ચે ચાલ્યો આવતો મતભેદ હજુ પણ ચાલી રહ્યાનું જોવા મળ્યું છે.
સિધ્ધુની પાકિસ્તાનની મુલાકાત અંગે વિવાદ વધતા પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંગે મીડીયા સમક્ષ જણાવ્યું હતુ કે તેમણે સિધ્ધુને પાકિસ્તાનની યાત્રાએ જવા વિનંતી કરી હતી. કારણ કે તેઓ કોઈ વ્યકિતગત મુલાકાત લેવાથી રોકવામાં માનતા નહોતા કેપ્ટન એમપ૩ણ જણાવ્યું હતુ કે સિધ્ધુએ પાછળથી તેને પાકિસ્તાન જવા માટેની વિનંતી મોકલી હતી. પરંતુ સિધ્ધુની પાકિસ્તાનની આ મુલાકાત તેની અંગત મુલાકાત હતી જો કે, આ મુદે વિવાદ વધતા સિધ્ધુએ ટવીટર પર ટવીટ કરીને ફેરવી તોળ્યું હતુ કે તેઓ રાહુલ ગાંધીના કહેવાથી નહી પરંતુ પાક.ના વડાપ્રધાન ઈમરાનખાનના અંગત આમંત્રણ પર કાર્યક્રમમાં ગયો હતો.