શુભ મુહૂર્તમાં કરેલું પૂજન નવી પેઢી , વેપાર, ધંધા ,દુકાન સહિતના કામના સ્થળોમાં ખોલશે વિકાસના દ્વાર
યોગ્ય દિશામાં લક્ષ્મીજીનું સ્થાપન ઘરમાં લાવશે અઢળક ધન -સંપત્તિ
દિવાળી અને ધનતેરસના દિવસે માઁ લક્ષ્મીના પૂજન વિશેષ મહત્વ હોય છે. ક્યાં દિવસે કઈ દિશામાં અને ક્યાં સમયે ગૃહ પૂજન ,લક્ષ્મી પૂજન કે કુળ દેવીનું પૂજન કરવું જેથી પરિવાર અને આસ પાસના લોકોને ફળદાયી રહે. તો ચાલો જાણીએ વાસ્તુ જ્યોતિષ મુજબ ઘર, ફેકટરી કે નવી પેઢીની શરૂઆત માટે ધનતેરસના દિવસે લક્ષ્મીજીના પૂજન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત , યોગ્ય દિશા અને પૂજન વિધિમાં ઉપયોગમાં લેવાની સામગ્રીની વિશેષ માહિતી તેમજ ઘરમાં એકથી વધુ દેવી દેવતાઓના ફોટા રાખવાથી કેવી અસર થાય અથવાતો તહેવારોમાં ગૃહ શુસોભન માટે કેવી વસ્તુઓ ખરીદવી તેની વિસ્તૃત માહિતી જાણીએ.
સામગ્રી: શ્રીફળ, કંકુ , ચોખા, મગ, ગોળ ધાણાં, અને કાચું મીઠું ( સમુદ્રનું મીઠું ), કપૂર
સમુદ્રનું નમકનું વાસ્તુશાસ્ત્રમાં સારો ભાવ છે. સમુદ્રનું મીઠું નેગેટિવ એનર્જી દૂર કરે છે.
પૂજા માટે કઈ દિશા ઉત્તમ:
ઓફીસ , દુકાન કે શોરૂમના દરવાજા કે શટરને અડધું ખુલ્લું રાખી ઉંબરમાં બન્ને બાજુ કપૂર મૂકી ઈશાન ખૂણે પહેલા કંકુનો સાથિયો તેમાં પર મગનો સાથિયો અને તેના ઉપર ચોખાનો સાથિયો કરો.ત્યારબાદ કુળદેવી , પિતૃઓને યાદ કરી લક્ષ્મીજી અને ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું. પૂજામાં ધરાવેલો પ્રસાદ પોતે જ ખાતા આવેલા મહેમાનોને આપવો. આ રીતે ઘરે જાતે પૂજા કરી શકાય છે.
:મુહૂર્ત:
નવી પેઢી, દુકાન કે ફેકટરી શરૂ કરવા માટે સવારે ૮:૪૦ થી ૮:૫૧ સુધીનું મુહૂર્ત ઉત્તમ
તા. ૧૩ને શુક્રવારે આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજન
સવારે -૭ : ૫૦ થી ૯ : ૧૪ સુધી
સવારે – ૭ : ૫૦ થી ૯ : ૧૪ સુધી
સવારે – ૯ : ૧૪ થી ૧૦ : ૩૭
બપોરે – ૧૨ વાગ્યાથી ૧ :૨૫ સુધી
ઉપરોક્ત તમામ મુહૂર્તમાં સવારનું ૯:૧૪ મિનિટથી ૧૦:૩૭ સુધીનું મુહૂર્ત સર્વોત્તમ છે
તા.૧૪ને શનિવારે દિવાળીના શ્રેષ્ઠ શુભ મુહૂર્ત
સાંજે – ૬ :૨૨ થી ૬:૩૫ સુધી
રાત્રે – ૯ : ૦૧ થી ૯ :૧૪ સુધી
ઉપરોક્ત બન્ને મુહૂર્ત નવી પેઢીની શરૂઆત , બિઝનેસ ,ફેકટરી , દુકાનોના પ્રારંભના મુહૂર્ત સાચવવા ઉત્તમ
ઘરમાં કે કામના સ્થાને દેવી દેવતાઓની એકથી વધુ મૂર્તિઓનું સ્થાપન ક્યારેય ન કરવું
તહેવારોમાં ગૃહ શુસોભન કે પ્રોપર્ટીની જગ્યાએ કેવી વસ્તુઓ ખરીદવી અને એ વસ્તુઓને યોગ્ય સ્થાન આપવુ? આ બાબત પણ વાસ્તુની દ્રષ્ટિએ ઘ્યાનમાં રાખવી જોઈએ. જો અયોગ્ય વસ્તુઓ ઘરમાં આવી જાય તો ક્યારેક અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે.ઘરમાં કે કામના સ્થાને મુકેલી મૂર્તિઓનો એક ભાવ હોય છે જે જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી હોય છે. એટલે ઘરમાં એક થી વધું ભગવાનની સ્થાપના ક્યારેય ન કરવી જોઈએ. વધારે પોસ્ટર સુશોભનની વસ્તુઓ રાખવાનો કોઈ અર્થ નથી. એટલે પૂજાના સ્થાનની મર્યાદા જાળવીને દેવી દેવતાઓની સ્થાપના કરવી હિતાવહ છે.
કેવી રીતે કરશો લક્ષ્મીજીનું પૂજન?
જે લોકો પોતાના ઘરે કે કામના સ્થળોએ બ્રાહ્મણને બોલાવ્યા વગર જાતે જ લક્ષ્મીજીનું પૂજન કરવાના હોય તેમણે આ પ્રમાણે વિધિ , સામગ્રી અને યોગ્ય દિશાની પસંદગી કરવી.