તાપમાનનું સરેરાશ પ્રમાણ સામાન્ય રહેશે: એપ્રીલના શરૂઆતી અઠવાડિયામાં ગરમીનો પ્રકોપ જોવા મળશે
હાલ શિયાળામાં મિશ્ર ઋતુ જોવા મળી છે જેમાં સવારે અને રાત્રે ઠંડી તો દિવસમાં ગરમીનો માહોલ સર્જાયો છે ત્યારે કેટલાક પ્રદેશોમાં માવઠુ પડતા ખેડૂતોના પાકને નુકશાન થયું છે. આ ઉનાળામાં પણ મિશ્ર વાતાવરણ નહીં રહે તેવા સારા સમાચારો છે.
ગત વર્ષે સારો વરસાદ ન પડવાને કારણે તેમજ આ શિયાળો વિચિત્ર વાતાવરણ સાથે રહ્યો તેથી ઉનાળામાં પણ વધુ ગરમીની ભીતિ સેવાઈ હતી. પરંતુ હવામાન વિભાગના રિપોર્ટ મુજબ હાશકારો લેવા જેવા સમાચાર છે કે આ વર્ષે ઉનાળો આકરો નહીં રહે. માર્ચથી લઈ મે સુધીમાં સીઝનનું એવરેજ વાતાવરણ સામાન્ય રહેશે.
હિમાચલ પ્રદેશ, વેસ્ટ રાજસ્થાન કોન્કણ, ગોવા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને અરૂણાચલ પ્રદેશ જેવા પ્રદેશો સામાન્ય વાતાવરણ કરતા ૧ ડિગ્રી વધુ તાપમાન ધરાવે તેવી શકયતાઓ છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત ગુજરાતભરમાં તાપમાનનું પ્રમાણ સામાન્ય રહેશે.ગત બે વર્ષથી ઉનાળામાં તાપમાનનું પ્રમાણ ખુબજ વધતું જોવા મળ્યું છે ત્યારે આ વર્ષે ઉનાળો સામાન્ય વાતાવરણ અને ગરમી સાથે શાંતિપૂર્ણ સંપન્ન થાય તેવા સારા સમાચાર છે. સામાન્ય રીતે એપ્રીલના પહેલા અઠવાડિયા દરમિયાન ગરમી વધશે. પરંતુ ત્યારબાદ તાપમાન સામાન્ય રહેવાના એંધાણ છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ૩૭ ટકા તાપમાન સામાન્ય રહે તેવા વધુ ચાન્સીસ છે.