મેંગ્લોરના બંદરે મજુરોને કામ કર્યા વગર મળે છે અધધધ મજુરી સરકાર ચોંકી: દેશના અન્ય ૧૧ બંદરોનો રિપોર્ટ મંગાવાયો
તમને જાણીને નવાઈ લાગશે કે મજુરી કરીને પણ માણસો મહિને દહાડે ડોકટરો, વકીલો કે રાષ્ટ્રપતિથી પણ વધુ આવક મેળવી રહ્યા છે. મેંગ્લોરના બંદરે લોડીંગ અનલોડીંગનું કામ કરતા મજુરો મહિને અઢી લાખથી વધુ આવક મેળવી સ્વપ્નની જિંદગી જીવી રહ્યા છે તો બીજી તરફ મજુરોની ચુકવાઈ રહેલી આટલી મોટી રકમના કારણે ધંધાર્થીઓ હેરાન થયા છે અને આ મામલે ફરિયાદ કરતા શીપીંગ મંત્રાલય પણ ચોંકી ઉઠયું છે અને દેશના અન્ય બંદરે આવી સ્થિતિ છે કે કેમ ? તેનો રીપોર્ટ મંગાવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મેંગ્લોર બંદરે લોડીંગ અને અનલોડીંગનું કામ કરતા મજુરોને કોઈ જ પ્રકારનું કામ કર્યા વગર મહિને દહાડે અઢી લાખ જેટલી મજુરી મળી રહી છે. ક્રેન દ્વારા લોડીંગ અને અનલોડીંગમાં શ્રમિકોને ઈનસેટીવ આપવામાં આવતું હોવાથી આ સ્થિતિ નિર્માણ થઈ છે અને મજુરોને મોટી રકમ ચુકવવી પડતી હોય. મેંગ્લોર બંદરે વેપાર કરતા ધંધાર્થીઓ આવા વધારાના નાણા ચુકવવાથી કંટાળી ગયા છે અને અન્ય બંદરો પર પોતાનો વેપાર લઈ જવા માટે પોર્ટ સતાવારાઓને અલ્ટીમેટમ આપી દીધું છે. બીજી તરફ મેંગ્લોર પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ એમ.ટી.કૃષ્ણબાબુએ ચાર્જ સંભાળ્યા બાદ પોર્ટ સાથે સંકળાયેલા લોકો સાથે બેઠક યોજતા આ ચોંકાવનારી બાબત સામે આવી હતી જેમાં પોર્ટ ઉપર ગોઠવવામાં આવેલી ચાર ક્રેનમાં કામ કરતા મજુરોને કોઈપણ જાતની મજુરી વગર નાણા ચુકવતા પડતા હોવાનું બહાર આવ્યું હતું. મેંગ્લોર કોર્ટમાં ગોઠવવામાં આવેલી ક્રેનમાં દરેક પાળીમાં ૧૦-૧૦ મજુરો હોય છે જેઓનો માસિક રૂ.૬૦ હજારથી ૮૦ હજાર જેટલો હોય છે.
વધુમાં વેપારીઓને પડી રહેલી આ મુશ્કેલી અંગે હાલ તુરંત તો મેંગ્લોર પોર્ટના અધ્યક્ષે ૧લી ઓગસ્ટથી આ પ્રથાને બંધ કરાવી છે અને આ મામલે શીપીંગ મંત્રાલયને જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે ક્રેન ઓપરેટરો મજુરોને પ્રોત્સાહન આપવા ઈનસેટીવ આપતા હોય છે જેનો ભોગ વેપારીઓ બની રહ્યા હોય શીપીંગ મંત્રાલય પણ ચોંકયું છે અને દેશના અન્ય મોટા ૧૧ બંદરો પર આવી સ્થિતિ છે કે કેમ ? તે અંગેનો અહેવાલો મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.