અનુસુચિત જાતિ, જનજાતિના પ્રમોશનને લઈ સુપ્રીમનો નિર્ણય
સુપ્રીમ કોર્ટમાં આજે અનુસુચિત જાતિ, જનજાતિના પ્રમોશન અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૨૦૦૬નો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે પ્રમોશનમાં આરંક્ષણ મામલે ૨૦૦૬માં ફેંસલો લીધો હતો જેને નાગરાજ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિઝર્વેશનમાં અનુસુચિત જાતિ, જનજાતિના લોકોને પ્રમોશન મળશે કે કેમ આ અંગેની વધુ તપાસ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં અનુસુચિત જાતિ, જનજાતિના કવોટા હેઠળ લાખો લોકો નોકરીયાત છે. ૨૦૦૬માં પાંચ જજોની બેઠકમાં જસ્ટીસ વાય.કે.સબ્રવાલ, કે.જી.બાલક્રિષ્ન, એસ.એચ.કાપડીયા, સી.કે.ઠકકર અને પી.કે.બાલાસુબ્રમણ્યમ દ્વારા આ ફેંસલો લેવાયો હતો ત્યારે સામે આવ્યું હતું કે, એસસી/એસટી અનુસુચિત જનજાતિના લોકો પણ અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે તો કેટલાક લોકો હજુ પણ બેરોજગારી અને સામાજિક શોષણનો ભોગ બને છે. આજે પણ દેશમાં જ્ઞાતિ-જાતિ તરીકેનો ભેદભાવ જોવા મળે છે ત્યારે સુપ્રીમ કોર્ટે ૨૦૦૬ના નિર્ણયને યથાવત રાખવાની જાહેરાત કરી છે.