કચેરીના કર્મચારીઓની તેમજ અરજદારોની ગ્રાહકીનો લાભ લઈને સખી મંડળની બહેનો સ્વનિર્ભર બને તેવા ઉદ્દેશથી મંજૂરી અપાઈ હતી
જિલ્લા કલેકટર કચેરીમાં રાતો-રાત ઉભી કરવામાં આવેલી કેન્ટીનનું કાઉન્ટર રોડ તરફ રાખવામાં આવ્યું હોવાથી અનેક સમસ્યાઓ ઉદ્ભવે તેમ છે. જેના કારણે વહીવટી તંત્રએ આ કેન્ટીનના રોડ તરફ રાખવામાં આવેલા કાઉન્ટર સામે વાંધો ઉઠાવ્યો છે. જો કે, આ કેન્ટીનને કર્મચારીઓ તેમજ અરજદારોની ગ્રાહકીનો લાભ મળે તેવા ઉદ્દેશ્યથી મંજૂરી અપાઈ હતી. પરંતુ કેન્ટીનના સંચાલકોએ રોડની ગ્રાહકી મેળવવા કેન્ટીનનું કાઉન્ટર રોડ તરફ રાખતા સમગ્ર મામલો વિવાદીત બન્યો છે.
જિલ્લા કલેકટર કચેરીની શોભા સમાન બગીચામાં થોડા દિવસ પૂર્વે રાતો-રાત કેન્ટીન ખડકી દેવામાં આવી હતી. જો કે, આ કેન્ટીન શરૂ કરવા માટે સુલતાનપુર સખી મંડળ દ્વારા મંજૂરી મેળવી લેવામાં આવી હતી પરંતુ અધિકારીઓને કેન્ટીન ઉભી કરવાની પ્રાથમિક જાણ કર્યા વગર જ અડધી રાત્રે કેન્ટીન ખડકી દેવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સખી મંડળની મહિલાઓ સ્વનિર્ભર બને તેવા આશયથી આ કેન્ટીનને મંજૂરી આપવામાં આવી હતી. સૌપ્રથમ જિલ્લા કલેકટર કચેરીના પાછળના ભાગે આ કેન્ટીનની જગ્યા નક્કી થઈ હતી પરંતુ અરજદારોની ગ્રાહકી મળે તેવા હેતુથી કેન્ટીનની જગ્યા ફેરબદલ કરી ગાર્ડન ખાતે નક્કી કરવામાં આવી હતી.
જયારે સખી મંડળ દ્વારા ગાર્ડન ખાતે કેન્ટીન ઉભી કરવામાં આવી છે પરંતુ તેનું કાઉન્ટર કલેકટર કચેરી તરફ રાખવાને બદલે રોડ તરફ રાખવામાં આવ્યું છે. જેથી જિલ્લા વહીવટી તંત્રએ રોડ તરફ રાખવામાં આવેલા કેન્ટીનના કાઉન્ટર સામે વાંધો ઉઠાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાર્ડનને અડીને આવેલા રોડ ઉપર ભારે ટ્રાફિક રહેતો હોય છે ત્યારે આ કેન્ટીનને ગ્રાહકીના કારણે ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બનશે.