આતંકવાદના સફાયા માટે ચીનની આગેવાનીમાં રચાયેલા એસસીઓ હેઠળના દેશોએ રશીયામાં કર્યો યુદ્ધાભ્યાસ
પારંપરીક શત્રુ ગણાતા ભારત-પાકિસ્તાને ઈતિહાસમાં સૌપ્રથમ વખત સંયુક્ત સૈન્ય કવાયત કરી છે ! આતંકવાદને ઝેર કરવાના ભાગરૂપે સાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા રશિયા ખાતે આ કવાયત યોજવામાં આવી હતી. જેમાં ચીન, રશીયા, ભારત, પાકિસ્તાન, કઝાકિસ્તાન, તાજીકીસ્તાન સહિતના દેશોએ ભાગ લીધો હતો.
અર્બન વિસ્તારોમાં આતંકવાદનો સફાયો કઈ રીતે કરી શકાય તેની ટ્રેનીંગ એસસીઓ હેઠળના દેશોને મળી રહી છે. આ દેશોના સૈન્ય એકબીજા સાથે મળી નવી તરકીબો આતંકવાદના ખાત્મા માટે વિકસાવી રહ્યાં છે. જેના ભાગરૂપે મહાકાય સૈન્ય કવાયત થઈ હતી. જેમાં રશિયાએ ૧૭૦૦, ચીને ૭૦૦, ભારતે રાજપૂત રેજીમેન્ટના ૨૦૦ સૈનીકો તૈનાત કર્યા હતા. વર્ષ ૨૦૦૧માં રચાયેલા એસસીઓ ગ્રુપમાં ચાલુ વર્ષે પાકિસ્તાન અને ઉજબેકિસ્તાનનો સમાવેશ થયો છે. ફૂલ મેમ્બર્સની સંખ્યા ૮ છે જયારે વધારાના ૪ દેશોને ઓબ્ઝર્વર તરીકે રાખવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય ૬ દેશોને ચર્ચા માટે આમંત્રીત કરાયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સમાવિષ્ટ હોય તેવી એક પણ મલ્ટીનેશનલ સૈન્ય કવાયતમાં ભારતીય સૈન્યએ કયારેય ભાગ લીધો નથી. જો કે, યુએનના ઘણા મિશનમાં ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ સાથે કામ કર્યું છે.
રશિયા ખાતે તાજેતરમાં યોજાયેલી સંયુક્ત સૈન્ય કવાયતને પીસ મિશન-૨૦૧૮ નામ આપવામાં આવ્યું છે. આ કવાયત રશીયાના ચેબરકુલ પ્રાંતમાં થઈ હતી. જેમાં વિવિધ દેશની કુલ ૨૫૫ આર્મ રેન્જ દ્વારા ભાગ લેવાયો હતો. આ કવાયતનું મુખ્ય ધ્યેય અર્બન વિસ્તારોમાં આતંકવાદીઓનો કેવી રીતે સફાયો કરવો તે હતો.