સત્તાધીશોની વિદેશ યાત્રાઓ પાછળ થતા બેફામ ખર્ચના હિસાબોના ઓડિટ કરાવવા ઘટે અને તેને પ્રજા સમક્ષ મૂકવા જોઈએ… દિવાળીના તહેવારોની સાક્ષીએ આ બધું કરાવીને પ્રજાનાં પૈસાની લૂંટાલૂંટ બંધ કરાવીએ એ આજની ઘડીનો તકાજો!

વર્ષો પહેલા કોલેજ-કાળમાં એક કવિતા લખાઈ હતી.

‘વિશ્વ શાંતિતણું કાર્ય કરવા મળે, દેશ-પરદેશનાં કૈંક નેતા, યોજનાઓ ઘડી અમલમાં ના મૂકે ખર્ચના આંકડે મૌન રેતા હોય શાંતિ તણી વાત જીભે, વળી- અંતરે આગ-અંગાર જાગે દેશ દેશો પરે વહેમ દ્રષ્ટિ ભરી- ને યુધ્ધની નોબતો ઘોર વાગે…

આજ ફેશન બની કૈક નેતા તણી યોજના, ભાષણોનો ઝપાટો.

માનવી માનવી ના રહે તે છતાં માત્ર વાતો જ, વાતો જ, વાતો!

આટલા બધા વર્ષો પછી એવી જ હાલત પ્રવર્તે છે !

‘વિદેશયાત્રા’ એ જવાની, અને તે પણ પ્રજાના પૈસે વિદેશ યાત્રાએ જવાની નેતાઓ-સત્તાધીશોની આદત જેમની તેમ રહી છે.

જમાનો બદલાયો છે. હજુ બદલાવ ચાલુ રહ્યો છે. આદતોએ અને વ્યસનોએ માનવ જાતને ઘેરી લીધી છે.

માણસ જાતની અનેક આદતોમાં એક સૌથી વધુ નોંધપાત્ર અને ખરાબમાં ખરાબ આદત જૂઠું બોલવાની, કાંઈક ને કાંઈક છાનું રાખવાની, પોતાની મોટાઈ દર્શાવવાની, કોઈની ઈર્ષા-અદેખાઈ કરવાની, પોતાનાથી નબળાને દબાવવાની, મૈત્રીમાં પણ લુચ્ચાઈ કરવાની અને વચન ભંગની છે.

આજના મોટાભાગના નેતાઓમાં પ્રજાનાં પૈસાનો પોતાના સ્વાર્થ ખાતર ધૂમાડો કરવાની જે આદત છે તે સૌથી ગંભીર પ્રકારની છે, એમ કહ્યા વિના છૂટકો નથી.

કોઈ સજજન સ્વજન પાસેથી કૂડકપટ દ્વારા ઉધાર ઉછીના નાણાં લઈને તે ચાલાકીપૂર્વક હજમ કરી જવાની આદત પણ આપણા વર્તમાન સમાજમાં જાણે ઘર કરી ગઈ છે.

માનવ જાત હિંસક તો રહી જ છે, પણ યુધ્ધખોરેય રહી છે.

શું એવો સવાલ ન ઉઠે કે માણસ આટલા યુધ્ધોમાંથી કેમ પસાર થયો ? જરૂર મનુષ્યનાં નિર્માણમાં કોઈ મૂળભૂત ભૂલ થઈ જઈ છે. આટલી હિંસામાંથી મનુષ્યને નિરંતર કેમ પસાર થવું પડયું ? છે ત્રણ મહાયુધ્ધ તો આપણી બધાની સામે જ છે તે હજુ ભૂલાયાં નથી. પહેલા મહાયુધ્ધમાં પાંચ કરોડ લોકોની હત્યા થઈ.

વિશ્વની માનવજાતે આવા હાહાકારથી બચવાનું છે. આખા વિશ્વને બચાવવાનું છે… કોણ બચાવી શકે ?

રાજસત્તા બચાવી શકે ? ના, એનાં ગજાં બહારની આ વાત છે. અને ત્રેવડ નહિ. સામર્થ્ય નહિ દૈવત નહિ. ભ્રષ્ટાચારના રાક્ષસ સામેનું યુધ્ધ એ હારી ચૂકી છે. પાપાચાર સામેના યુધ્ધમાં પણ તે પરાસ્ત થઈ છે. અધાર્મિકતા અને અસત્ય સામેના યુધ્ધમાં પણ તેણે નાલેશીભરી હાર ખમી છે. પ્રજાતંત્રની પવિત્રતાને ખરડાતી અટકવામાં તે બૂરી રીતે નાસીપાસ થઈ છે. સવા કરોહ જેટલો વસતિને એક સૂત્રે જોડી રાખવામાં આપણા ધૂરંધર નેતા તથા ધર્માત્માઓએ નિર્ણાયક ફાળો આપ્યો છે.

વિશ્વ વિખ્યાત પરમપૂજય શ્રી પ્રમુખસ્વામીની તપભીની પ્રેરણાથી વ્યસન મૂકિતનં વિશ્વવ્યાપી અભિયાન ચલાવીને લાખો લોકોને શ્રધ્ધાભેર વ્યસન મૂકત કર્યા હતા. જેને ભારતીય સંસ્કૃતિને વિશિષ્ટ બળ આપ્યું હતુ.

દેશની અને દુનિયાની વર્તમાન પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા ‘નવ મનુષ્યો’ સર્જવાની અને માનવસમાજને બદલવાની આવશ્યકતા છે. અને મંદિર સંસ્કૃતિ તથા ધર્મસત્તા જ એમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે તેમ છે. એવો યુગલક્ષી ઉપદેશ તેમણે માનવજાતને પ્રદાન કર્યો હતો. માનવજાત તેમની ઋણી છે.

ધર્મને રાજકારણીઓનાં પ્યાદા ન બનવા દેવાનો ઉપદેશ આપણા ધર્મગ્રંથોમાં અભિવ્યકત કરાયો છે. ગરીબાઈના નિ:સાસાપણ ઉદ્વેગ જગાડે છે. માનવ સેવા અને ગરીબોની સેવા જ ધર્મનો પ્રાણ છે. એ મંત્રની ઉપેક્ષા થઈ શકે નહિ !

અહી એક મોટી કમનશીબી આપણા દેશના નેતાઓ વિદેશયાત્રાને રવાડે ચઢી રહ્યા છે તે છે. તેઓ રંગઢંગ વગરની અને ઘણે ભાગે વાહિયાત સ્વરૂપની કામગીરી કરીનેય જાણે મોટી મોથ મારી હોય એવો ભ્રામક પ્રચાર કરે છે. એમના માહિતી ખાતાની કામગીરી ઉભા શ્ર્વાસે કરવી પડે એટલી હદે વધે તેમ છે ! પ્રજાના પૈસાના ધૂમાડાને તેઓ વિકાસ તરીકે ઓળખાવે છે. અને પ્રજાને તથા પરમાત્માને છેતરે છે. વૈશ્વિક લાભાલાભ અને વિશ્વ શાંતિના ઓઢણા હેઠળ કાળાંધોળા કરે છે, પરંતુ આવા રાજકીય બદમાસોને પ્રજાન નહિં સાંખે, એ નિર્વિવાદ છે. નેતાઓ દ્વારા થતા વિદેશ યાત્રાઓનાં બેસુમાર ખર્ચના તમામ હિસાબોનાં પ્રમાણિક અને પવિત્ર ઓડીટ કરાવવા ઘટે અને તેને પ્રજા સમક્ષ મૂકવા જોઈએ. દીવાળીના દીવડાઓની સાક્ષીએ આ બધુ કરીએ. અને પ્રજાના પૈસાની લૂંટાલૂંટ રોકીએ એની આજની ઘડીએ તાતી જરૂર છે. નહિતર તમામ રાજયોના વડાઓ પણ વિદેશયાત્રાના રવાડે ચઢયા વિના નહિ રહે એવી દહેશત રહેશે !…………

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.