ચૈત્રી નવરાત્રી, હરિ કથા સત્સંગમાં પ્રવચન આપતા પૂ.બાપુ

ચૈત્ર-નવરાત્રિના અનુષ્ઠાનના ત્રીજા દિવસે તેમજ રાષ્ટ્રનાં ૨૧ દિવસીય અનુષ્ઠાનના પણ ત્રીજા દિવસે, પૂજય બાપુએ એક અનુભૂત સુત્ર સાથે સંવાદનો પ્રારંભ કરતાં કહ્યું કે, આપણું શરીર અસ્વસ્થ હોય, તો તેની અસર આપણા મન પર અવશ્ય પડે જ છે. એ જ રીતે આપણા જેવા સામાન્ય વ્યકિતઓનું મન વિષાદગ્રસ્ત હોય તો એની અસર આપણા શરીર પર થયા વિના રહેતી નથી. અસ્વસ્થ શરીર હોય ત્યારે મન સ્વસ્થ રહી શકતું નથી અને અસ્વસ્થ મન હોય ત્યારે શરીર સ્વસ્થ રહી શકતું નથી. જોકે એવા કેટલાય વિશેષ મહાપુરુષો છે જેને આપણે સદગુરુ-બુદ્ધ પુરુષ કહીએ છીએ, એમનું શરીર ગમે તેટલું અસ્વસ્થ થયું હોય, તો પણ એમનું મન કદી વિચલીત થતું નથી. શરીરની ગમે તેટલી અસ્વસ્થતા વચ્ચે પણ તેમનું મન શાંત રહે છે.

પૂજય બાપુએ કહ્યું કે, ભગવત ગીતાના પ્રથમ અધ્યાયનું નામ અર્જુનવિષાદ યોગ છે અને આખરી ૧૮મા અધ્યાયનું નામ મોક્ષ સંન્યાસ યોગ છે પરંતુ મારે મારા માટે જો અઢારમાં અધ્યાયનું નામ આપવાનું હોય, તો હું તેને અર્જુન પ્રસાદ યોગ એવું નામ આપું ! અર્જુન કોઈ સામાન્ય આદમી નથી. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવતગીતાના વિભૂતિયોગમાં અર્જુન પાંડવોમાં મારી વિભુતિ છે એવું કહ્યું છે. અર્જુન કૃષ્ણનો મિત્ર પણ છે અને પ્રિય પણ છે. અર્જુનની વીરતા વિરલ છે. ૧૮૧૧૮ કોશ દુર આવેલા પર્વત પરના દુર્ગ પર રહેલી સરસવની સીંગમાં રહેલા બીજને, એટલે દુરથી બાણ મારીને બે ભાગમાં વિભાજિત કરી નાખે એવી એની વીરતા છે.

બાપુએ કહ્યું કે, આપણા મનોરોગને મટાડનાર વૈદ્ય સદગુરુ છે – બુદ્ધ પુરૂષ છે જેની નથી કોઈ જાતિ કે નથી કોઈ જ્ઞાતિ ! નથી કોઈ વર્ણ, નથી કોઈ પંથ ! નથી કોઈ પ્રાંત કે દેશ …! એ સાર્વભૌમ છે, – વિશ્ર્વમાનુસ’ છે- એવા કોઈ સદગુરુ આપણા વૈદ્ય બને, તો તે આપણા મનના રોગને મટાડે. સદગુરુ રૂપી વૈદ મળી જાય, પછી એમના વચન ઉપર વિશ્ર્વાસ કરવો ! ગુરુ આપણને સંયમ બતાવે છે કે, હવે વિષયોની આશા ઓછી કરી નાખો. પૂજય બાપુએ કહ્યું કે, જેની કોઈએ કયારે ય કલ્પના પણ નહોતી કરી, એવી મહામારી વિશ્ર્વ પર આવી પડી છે તે કદાચ વિષયોનાં અતિશય સેવનથી આવી હોય શકે !! જે પંચ મહાભૂતથી આપણે અને આપણી આ સૃષ્ટિ બની છે તે પૃથ્વી, વાયુ, આકાશ, જલ અને અઢારભાર વનસ્પતિ પર જુલમ કરવામાં આપણે જરા ય ઓછા નથી ઉતર્યા. પણ હવે તો સંયમ કરીએ…!! સદગુરુ આપણને એક જડીબુટ્ટી આપે છે, સંજીવની આપે છે એ છે રઘુપતિની ભકિત. અહીં રઘુપતિનો કોઈ સંકિર્ણ અર્થ ન કરશો. એ નિખિલ બ્રહ્માંડમાં છવાયેલું પરમ તત્વ છે. વૈદ જયારે આપણને કોઈ ઔષધિ આપે છે ત્યારે એનું અનુપાન પણ આપે છે જેમાં શેરી સાથે ઔષધિ લેવી, એનું સુચન હોય છે. અહીં અનૂપાન શ્રદ્ધા છે. ગુણાતિત શ્રદ્ધા સાથે આપણે ગુરુકૃપાથી મળેલી ભકિતરૂપી ઔષધિનું સેવન કરીશું તો જ આપણે મનોરોગથી મુકત થઈ શકશું.

બાપુએ કહ્યું કે, આપણે આવા સંકટમાં બધી બાબતોને ગંભીરતાથી લઈએ. બિમારીને છુપાવીએ નહીં, તરત જાહેર કરીએ કે જેથી ચેઈન ત્યાંની ત્યાં જ અટકી જાય. લંકાવાસીઓએ પણ આજ ભુલ કરેલી. લંકામાં સારામાં સારા વૈદ હોવા છતાં પણ લંકાવાસીઓની મજબુરી તો જુઓ ત્યાં બધા જ રોગી છે પણ કોઈ માનવા તૈયાર નથી કે અમે રોગી છીએ !! રામાનુજ લક્ષ્મણ મૂર્છીત થાય છે, એને સંજીવની મંગાવીને સજીવ કરી શકે એવા વૈદ હોવા છતાં, કોઈ પોતાને રોગ હોવાનું કબુલતું જ નથી અને એટલે વૈદ પાસે કોઈ જતું નથી !! પરીણામે લંકાનો સર્વનાશ થાય છે. આવો, આપણે વિષાદથી પ્રસાદ તરફ યાત્રા કરીએ. અકારણ ઘરની બહાર નહીં નીકળવાનો સહુને અનુરોધ કરીને પૂજય બાપુએ, સહુને નિરામય બનવાની પ્રાર્થના સાથે કથાના સત્સંગને વિરામ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.