એન્કાઉન્ટર અંગેની તમામ વિગત મીડિયા સાથે શેર કરવાના હેતુથી પોલીસે પત્રકારોને સાઈટ પર બોલાવી લાઈવ કવર કરવા આમંત્રણ આપ્યું!!
દેશનું પ્રથમ એન્કાઉન્ટર કે જે મીડિયા સમક્ષ લાઈવ થયું હોય
ઉતરપ્રદેશના અલીગઢ જિલ્લામાં મીડિયાની સમક્ષ પોલીસે લાઈવ એન્કાઉન્ટર કર્યું છે. અલીગઢના કેટલાક સ્થાનિક પત્રકારોને ગુરુવારના રોજ સવારે પોણા સાત વાગ્યાની આસપાસ પોલીસનો ફોન આવ્યો હતો. જેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓએ પત્રકારોને કહ્યું હતું કે જો તેઓ રીયલ અને લાઈવ એન્કાઉન્ટર જોવા અને કવર કરવા ઈચ્છતા હોય તો હરદુગંજના મછુઆ ગામે પહોંચી જાય.
આ ખબર જાણે જંગલમાં આગ પ્રસરે એ રીતે ફેલાઈ ગઈ અને એન્કાઉન્ટર સાઈટ પર તમામ સ્થાનીય અને રાષ્ટ્રીય સ્તરના પત્રકારો પહોંચી ગયા. યુપી પોલીસનું આ એન્કાઉન્ટર લગભગ દેશનું પહેલું જ એન્કાઉન્ટર છે જે મીડિયા સમક્ષ લાઈવ કવર થયું હોય.
પોલીસે આ એન્કાઉન્ટરમાં મુસ્તકીમ અને નૌશદ નામના બે આરોપીઓને ઠાર માર્યા. આ બંને આરોપી પર છ લોકોની હત્યાનો આરોપ હતો અને અન્ય બે સાધુઓની હત્યાના મામલામાં પણ જોડાયા હતા. આ અંગે એસપી અતુલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મુસ્તકીય અને નૌશાદે આ અગાઉ પોલીસ ટીમ પર ફાયરીંગ કર્યું હતું અને ત્યારબાદ અહીં તેઓ સરકારી બિલ્ડીંગમાં છુપાઈ ગયા હતા.
આ એન્કાઉન્ટરનું લાઈવ કવર કરનાર પત્રકારોના જણાવ્યા મુજબ પોલીસે આરોપીઓને ઢાળી દીધા પહેલા તેઓ પર ૩૪ રાઉન્ડ ફાયરીંગ કરાયું હતું. પત્રકારોને આમંત્રણ આપી બોલાવવા વિશે પુછતા એસએસપી અજય સાહનીએ કહ્યું કે, આમાં કોઈ ખોટું નથી.
અમે ઈચ્છતા હતા કે, એન્કાઉન્ટરથી જોડાયેલી તમામ વિગતો સૌપ્રથમ મીડિયાને મળે. તેમણે ભારપૂર્વક જણાવતા કહ્યું કે, એન્કાઉન્ટર સાથે જોડાયેલી તમામ વિગતો મીડિયા સાથે શેર કરવાનો આદેશ અમને ઉપરથી મળ્યો છે અને અમે બધુ પારદર્શક રાખવા માંગીએ છીએ જે વ્યકિત ઈચ્છે તે વીડિયો અને ફોટો લઈ શકે છે.