રેરા હેઠળ ચાલુ પ્રોજેક્ટની નોંધણી કરાવવાની મુદ્દત પૂર્ણ: રાજ્ય સરકારે સમયમર્યાદા વધારવાનો ઇન્કાર કર્યો
ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રથમ વખત નિયમન લાવનારા રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (રેરા) હેઠળ ચાલુ પ્રોજેક્ટ્સની નોંધણી કરાવવાની મુદત ૩૧ જુલાઇના રોજ પૂર્ણ થઇ ગઇ છે ત્યારે રાજ્ય સરકારે તેની મુદતમાં કોઇ વધારો કરવાનો ઇનકાર કરી દીધો છે પરંતુ સાથોસાથ ભારે વરસાદ અને વિનાશક પૂરને ધ્યાને લઇને ઓન ગોઇંગ પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન વખતે શિક્ષાત્મક કાર્યવાહી તાત્કાલિક રીતે નહીં કરવાનો પણ નિર્ણય કર્યો છે. ચાલુ પ્રોજેક્ટ્સનું ગમે ત્યારે રજિસ્ટ્રેશન કરવાની જોગવાઇ કાયદામાં છે જ. જોકે, રિયલ એસ્ટેટ લોબીની માંગ છે કે રેરા હેઠળ રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ હજી ૨૦ દિવસ અગાઉ જ ચાલુ થઇ છે તે ધ્યાને લઇને સરકારે રજિસ્ટ્રેશનની મુદત વધારવી જોઇએ.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,ભારત સરકારે રેરા હેઠળ રજિસ્ટ્રેશનની મુદ્દત વધારી નથી. આ અંગે મુદ્દત વધારવાનો નિર્ણય રાજ્ય સ્તરે કરવામાં આવ્યો નથી પરંતુ કોઇ વચગાળાનો માર્ગ કાઢવામાં આવશે.
ગુજરાતની રેરા ઓથોરિટીના ચેરમેન મંજુલા સુબ્રમણિયમે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે છેલ્લાં દિવસોમાં પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન મુશ્કેલ હતા પરંતુ રજિસ્ટ્રેશનની મુદ્દત વધારવાનો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ પ્રોજેક્ટ્સ અને ૯૦ જેટલા એજન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કુદરતી હોનારતની સ્થિતિ અને અમલીકરણમાં પણ વિલંબ થયો હતો તે ધ્યાને લેતાં જે પ્રોજેક્ટ્સના રજિસ્ટ્રેશન નથી થયાં તેમની સામે તાત્કાલિક રીતે દંડાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે.ઉલ્લેખનીય છે કે રેરાની જોગવાઇઓ મુજબ, જે ચાલુ પ્રોજેક્ટ્સના રજિસ્ટ્રેશન ૩૧ જુલાઇ સુધીમાં ના થયા હોય તે ડેવલપરોએ વેચાણ સ્થગિત કરવું પડશે અને તેઓ પોતાના પ્રોજેક્ટ્સની જાહેરાત પણ નહીં કરી શકે. એટલું જ નહીં, સરકાર તેમના પર પ્રોજેક્ટ કોસ્ટનો પાંચ ટકા દંડ પણ લગાવી શકે છે.
જોકે, ગાહેડ-ક્રેડાઇએ રજિસ્ટ્રેશનની મુદ્દત વધારવાની માંગ કરી છે. ગાહેડના પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું હતું કે, ૧ મેથી રેરાનો કાયદો અમલમાં આવ્યો હતો પરંતુ પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ ૧૧ જુલાઇથી કાર્યરત થઇ હતી તે બાબત સરકારે ધ્યાનમાં લેવી જોઇએ. ઉપરાંત છેલ્લાં ૧૦ દિવસમાં ભારે વરસાદ અને રાજ્યના વિવિધ ભાગમાં ભારે પૂરની સ્થિતિના કારણે બિલ્ડરો માટે રજિસ્ટ્રેશન કરાવવું શક્ય નહોતું. ગોવા જેવા કેટલાક રાજ્યોમાં રજિસ્ટ્રેશનની મુદ્દત ત્રણ મહિના વધારવામાં આવી છે તે પ્રકારે ગુજરાતમાં પણ મુદ્દત વધારવી જોઇએ, કારણ કે રાજ્યમાં ઓછામાં ઓછા ૫૦,૦૦૦ પ્રોજેક્ટ્સ ચાલુ છે તેમાંથી ૪૦૦ જેટલા જ રજિસ્ટ્રેશન કરાવી શક્યા છે.
પરીખ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટના એસો. વાઇસ પ્રેસિડેન્ટ અનુપ શાહે જણાવ્યું કે, રિયલ એસ્ટેટ ઉદ્યોગે રેરા માટે જે ઉત્સાહ દર્શાવ્યો હતો તેને ધ્યાને લેતાં રજિસ્ટ્રેશનની જે સંખ્યા છે તે ઘણી ઓછી છે પરંતુ વેબસાઇટ કાર્યરત થવામાં સમય લાગ્યો હતો અને ભારે વરસાદ પણ તેના માટે કારણભૂત છે. આવનારા દિવસોમાં વધારે ઝડપથી પ્રોજેક્ટ્સ અને ક્ધસલ્ટન્ટ્સનું રજિસ્ટ્રેશન થશે એ નક્કી છે.
જ્યારે ક્રેડાઇના નેશનલ પ્રેસિડેન્ટ જક્ષય શાહે જણાવ્યું કે, રેરા હેઠળ નહીં નોંધાયેલા પ્રોજેક્ટ્સનું વેચાણ ના કરી શકાય તે જોગવાઇ અગાઉથી જ દબાણ હેઠળ રહેલા રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે વધારે વિપરિત સ્થિતિ સર્જશે. ખાનગી બચત અને રોકાણને પ્રોત્સાહિત કરવામાં હાઉસિંગ સેક્ટરની ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ નિયમની સમીક્ષા થવી જરૂરી છે. ઉપરાંત, જે પ્રોજેક્ટ્સ પૂર્ણતાના આરે છે તેમાં રેરાના કારણે વધારે વિલંબ થઈ રહ્યો છે. લોકોએ પૂરા નાણાં ચૂકવી દીધા હોવા છતાં રાહ જોવી પડે છે અને તેથી ઓનગોઇંગ પ્રોજેક્ટ્સની વ્યાખ્યામાં વધુ સ્પષ્ટતા જરૂરી છે. સાથોસાથ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંજૂરી આપતા સત્તાવાળાઓને પણ રેરા હેઠળ સમાવવા આવશ્યક છે.
રાજ્યના શહેરીવિકાસ વિભાગે રેરા ઓથોરિટીને એક પત્ર પાઠવી વિનંતી કરી છે કે રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં અતિવૃષ્ટિનાં કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે, તેમજ ઓનલાઇન નેટવર્ક પ્રોબ્લેમનાં કારણે ઓનગોઇંગ(ચાલુ) પ્રોજેકટસ ૩૧-૭-૨૦૧૭ સુધી રજિસ્ટ્રેશન માટેની અરજી કરી શકયા નથી. તેવી રજૂઆતને પગલે આગામી બે માસ સુધી ઓનગોઇંગ પ્રોજેકટસ માટે રજિસ્ટ્રેશનની અરજીઓ પરત્વે કોઇ શિક્ષાત્મક કાર્યવાહી ન કરવામાં આવે તે જોવા જણાવવામાં આવ્યું છે.