રાજસ્થાનમાં ગેરકાયદે ખનનના કારણે ડુંગરાળ પ્રદેશો ઉજ્જડ બનતા દિલ્હીમાં
પ્રદૂષણનો સ્તર ભયંકર: વડી અદાલતે ૪૮ કલાકમાં જ પગલા લેવા તાકીદ કરી
રામાયણમાં હનુમાન દાદાએ લક્ષ્મણજીની સારવાર માટે સંજીવની જડીબુટી લાવવા આખો પર્વત ઉપાડી લાવ્યા હતા. આ કિસ્સો એટલે ઉલ્લેખનીય છે કે, હાલ રાજસ્થાનના અરવલ્લી ક્ષેત્રમાં ગેરકાયદે ખનનના કારણે ૩૧ ડુંગર લુપ્ત થઈ ગયા છે. આ મામલે ન્યાયાધીશ લોકુરે ટીપ્પણી કરતા કહ્યું છે કે, ૩૧ ડુંગર લુપ્ત થઈ ગયા. શું લોકો હનુમાન બની ડુંગરાઓ ઉપાડી ગયા છે ?
રાજસ્થાનના અરવલ્લી ક્ષેત્રમાં છેલ્લા ૫૦ વર્ષથી ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. કુલ ૧૨૮ ડુંગરમાંથી ૩૧ ડુંગર લુપ્ત થઈ ચૂકયા છે. પરિણામે વડી અદાલતમાં ગેરકાયદે ખનન મામલે અરજી થઈ છે અને કોર્ટે અરવલ્લીમાં ૨૪ કલાકમાં જ ગેરકાયદે ખનન બંધ કરવા આદેશ આપ્યો છે. ન્યાયાધીશ મદન બી.લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠ ડુંગરાઓ ગુમ થયા હોવાની વાત જાણી ચોકી ઉઠી છે અને સરકારને તાત્કાલીક પગલા લેવા તાકીદ કરી છે.
કુદરતની આહુતી આપી રોયલ્ટી મેળવવાની લ્હાયમાં રાજસ્થાન સરકારે મોટી ભુલ કરી છે. રાજસ્થાનમાં ડુંગરા લુપ્ત થતાં તેની અસર દિલ્હી સુધી થઈ છે. દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ તથા ધુળની ડમરીઓની ઘટનાઓ વધવા પામી છે. અગાઉ આ ડુંગરા દિલ્હી સુધી આવતા પ્રદૂષણ અને ધૂળની ડમરીઓને રોકતા હતા. રાજસ્થાનમાંથી ૨૦ ટકા ડુંગરા ગેરકાયદે ખનનથી લુપ્ત થઈ જતાં તમામ લોકો ચોંકી ગયા છે. વડી અદાલતે આ મામલે રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી છે.
આ મામલે ખંડપીઠે કહ્યું છે કે, ડુંગરનું નિર્માણ ભગવાન દ્વારા કોઈ કારણોસર કરાયું હોય છે. જો તમે ડુંગર હટાવવાનું કામ કરશો તો અન્ય વિસ્તારોમાંથી પ્રદૂષણ દિલ્હી સુધી પહોંચી જશે. દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચવા પાછળ આ કારણ જવાબદાર હોય શકે છે.
ખનન કંપનીઓના લાભ માટે તમે લાખો લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છો. ભયાનક ઘટનાને અંજામ તો આપી જ ચૂકયા છો. ડુંગર ઘટી જવાથી થઈ રહેલું નુકશાન દિલ્હીથી જયપુર હાઈવે પર જોવા મળી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારની નીતિ અને રોયલ્ટી કમાવવાની લાલચમાં કુદરતની સંપતિનું નુકશાન થતું હોવાનું અનેક વખત નોંધાઈ ચૂકયું છે.