વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે તાત્કાલિક ટીપરવાન બોલાવી મહિલાઓનો રોષ શાંત પાડયો: ટીપરવાન નિયમિત નહીં કરાય તો આંદોલનની ચીમકી
રાજકોટને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાના સપના મહાપાલિકા નિહાળી રહી છે બીજીતરફ શહેરના અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ટીપરવાન નિયમિત આવતી ન હોવાની ફરિયાદો સતત ઉઠી રહી છે. શહેરના વોર્ડ નં.૧૩માં જે.ડી.પાઠક પ્લોટ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી કચરો લેવા માટે ટીપરવાન ન આવતા રોષે ભરાયેલી મહિલાઓએ આજે રોડ ઉપર કચરો ઠાલવી મહાપાલિકા સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.૧૩માં જે.ડી.પાઠક પ્લોટમાં છેલ્લા ત્રણ દિવસથી ગાર્બેજ કલેકશન માટે ટીપરવાન આવી ન હોય ઘરમાં ગંદકીના ગંજ ખડકાતા રોષે ભરાયેલી મહિલાઓએ રોડ ઉપર કચરો ઠાલવ્યો હતો. આ અંગે વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગરને જાણ થતા તેઓએ તાત્કાલિક વિસ્તારમાં ટીપરવાન મોકલી હતી અને એસ.આઈને એવી ચીમકી આપી હતી કે જો વિસ્તારમાં ગાર્બેજ કલેકશન માટે નિયમિત ટીપરવાન નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.