ભારત-પાકિસ્તાન વચ્ચેનાં મેચની પ્લેટીનમ ટીકીટનો ભાવ ૧.૬૬ લાખ રૂપિયા
વિશ્વકપમાં આઈસીસી દ્વારા નિર્ધારીત કરેલા ટીકીટનાં ભાવમાં અધધ વધારો જોવા મળી રહ્યો છે જેમાં ટીકીટનો ભાવ ૧૭ હજાર રૂપિયા રાખવામાં આવ્યો હતો તેને વધારી દોઢ લાખ કરવામાં આવ્યો છે. લોકોને ઘણા ખરાઅંશે આ કાળાબજાર કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આઈસીસી દ્વારા ઓફિશીયલ ભાવો આ અંગે નિર્ધારીત કરવામાં આવ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જે ૩૦ જુનનાં રોજ મેચ રમાવવા જઈ રહ્યો છે તેમાં ટીકીટનો ભાવ ૨૦,૬૬૮ રાખવામાં આવ્યો હતો તેનાથી વધારી ૮૭,૫૧૦ રૂપિયા કરવામાં આવ્યો છે.
વિશ્વકપમાં જે સિલ્વર અને બ્રોન્ઝ કેટેગરીમાં જે ટીકીટનાં ભાવ નિર્ધારીત કરવામાં આવ્યા હતા તેમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. વાત કરવામાં આવે સિલ્વર કેટેગરીમાં તો તે ૧૭,૧૫૦ નિર્ધારીત કરવામાં આવ્યો હતો જેનો હવે ભાવ દોઢ લાખ કરવામાં આવ્યો છે. એવી જ રીતે બ્રોન્ઝ કેટેગરીમાં આઈસીસી દ્વારા જે ૮૩૫૫નો ભાવ નકકી કરવામાં આવ્યો હતો તે હવે ૧.૩૧ લાખ કરવામાં આવ્યો છે. આ જોતા એક પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થાય છે કે શું આ ટીકીટનાં ભાવો કાળાબજારનાં છે કે કેમ ? પરંતુ જણાવી દઈએ કે વિશ્ર્વકપ માટે જે નવા ટીકીટનાં ભાવો સામે આવ્યા છે તે કાળાબજારનાં નહીં પરંતુ આઈસીસી દ્વારા ઓફિશીયલ જાહેર કરાયા છે.
૧૩ જુનનાં રોજ ભારત – પાકિસ્તાન વચ્ચેનો જે મેચ રમાવવા જઈ રહ્યો છે તેની ટીકીટનો ભાવ ૧.૬૬ લાખ રૂપિયા પ્રતિ વ્યકિત નિર્ધારીત કરાયો છે જેમાં ગાલા ડિનરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને માનચેસ્ટર શહેરમાં રાત્રીરોકાણનો ભાવ તેમાં જ ઉમેરવામાં આવ્યો છે. જો કોઈ ક્રિકેટ રસિકને રાત્રી રોકાણ આઈસીસી દ્વારા નિર્ધારીત કરેલી હોટલમાં ન કરવો હોય તો ટીકીટનો ભાવ દોઢ લાખ રૂપિયા નકકી કરાયો છે. આઈસીસી દ્વારા નકકી કરેલા ટીકીટોનાં ભાવની સરખામણીમાં ભારત જે ટીમો સાથે મેચ રમશે તે મેચોની ટીકીટનાં ભાવમાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે જેનું એકમાત્ર કારણ એવું પણ માનવામાં આવે છે કે, ક્રિકેટ રસિકોનાં મત પ્રમાણે ભારત વિશ્વકપ ફાઈનલમાં પહોંચશે.