ટુરીઝમમાં ૬૫ લાખ નોકરીઓ આપવાનો અને ૧૨૫ હજાર કરોડ કૃષિ ક્ષેત્રમાં વાપરવાનું વચન

કર્ણાટક વિધાનસભાની ચુંટણી હવે નજીકમાં છે ત્યારે કોંગ્રેસે વચનોની લ્હાણી કરવાની શરૂઆત કરી છે. વચનો આપવામાં કોંગ્રેસ ભાન ભુલી ગઈ છે. અત્યાર સુધી કર્ણાટકમાં શાસન કરી રહેલી કોંગ્રેસે હજુ ૧ કરોડ નોકરી ઉભી કરવાનું વચન આપ્યું છે. કર્ણાટકની વસ્તીની દ્રષ્ટિએ ૧ કરોડ નોકરીઓ કઈ રીતે ઉભી થઈ શકે તે મોટો પ્રશ્ર્ન છે.

ચુંટણીઓ નજીક આવતી હોય ત્યારે રાજકીય પક્ષો વચન આપવામાં પાછીપાની કરતા નથી. ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષો લોકોને હથેડીમાં ચાંદ બતાવે છે અને ચુંટણી પતી ગયા બાદ ઈદના ચાંદ થઈ જાય છે. ગુજરાતમાં પણ ભાજપ હંમેશાથી વિરોધ પક્ષોએ આ નથી કરવા દીધું કે અગાઉ આ નથી કર્યું તેવા આક્ષેપો કરી પોતાનો બચાવ કરે છે.

ગઈકાલે કર્ણાટક વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસે ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ ચુંટણી ઢંઢેરાને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકોનો અવાજ ગણાવ્યો છે. ચુંટણી ઢંઢેરામાં ૧ કરોડ નોકરીઓની જાહેરાત કરવામાં આવી છે.

આ ચુંટણી ઢંઢેરામાં ૫૦ બેડની આયુષ હોસ્પિટલો તેમજ ૧૫૦ હજાર કરોડની રકમ ખેતી માટે વાપરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. એકલા પ્રવાસન ક્ષેત્રમાં જ ૬૫ લાખ નોકરીઓ ઉભી કરવામાં આવશે તેઓ દાવો કોંગ્રેસ દ્વારા ચુંટણી ઢંઢેરામાં કરવામાં આવ્યો છે. અલબત ૧ કરોડ નોકરીઓનું વચન કર્ણાટકની વસ્તીની દ્રષ્ટીએ કાલ્પનીક લાગે તેમ છે.

આ મામલે કેન્દ્રીય મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૩ના ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસે ૫૦ વચનોની લ્હાણી કરી હતી પરંતુ આ વચનો પુરા કરવામાં નિષ્ફળ નિવડી હોવાનું કોંગ્રેસે કબુલ્યું છે. કોંગ્રેસના શાસનમાં ૨૦૦૦ ખેડુતોએ આપઘાત કર્યો છે. રાજયમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. જમીન માફીયા, ખાણ-માફીયા અને પીડબલ્યુડી માફીયા ઉભા થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે આગામી તા.૧૨ મેના રોજ કર્ણાટક વિધાનસભાની ચુંટણી માટે મતદાન થશે અને ૧૫મેના રોજ પરીણામની જાહેરાત થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.