વર્ધમાનનગર શ્રી સંઘમાં આચાર્યની પ્રખર વાણીનો લાભ લેતા શ્રોતાજનો
વર્ધમાનનગર શ્રી સંઘમાં બિરાજી રહેલા પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજે આજે પોતાની પ્રવચન શ્રેણી અંતર્ગત નિંદાનો ત્યાગ કરવાની શીખ આપી હતી. પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત આચાર્યશ્રી પોતાની વાણીનો લાભ આપી રહ્યા છે. વિશ્વ હિતચિંતક આચાર્યદેવ શ્રી કીર્તિયશસૂરિશ્ર્વરજી મહારાજની વાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે
પૂર્વના મહર્ષિઓએ બતાવેલા આત્મસ્વરૂપની પ્રાપ્તિનાં 15 ઉપાય પૈકી 8 ઉપાય વર્ણવ્યા બાદ, વિશ્ર્વ હિતચિંતક, પ્રવચન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિયશસૂરિજી નવમાં ઉપાય તરીકે ’નિંદાનો ત્યાગ કરવો જોઇએ’ તેમ જણાવી તેના લાભ દર્શાવ્યા હતા. તેમણે કહ્યુ હતું કે, નાનામાં નાના માણસથી લઇ મોટામાં મોટા પુરૂષ સુધીના કોઇ પણ જીવની નિંદા ન કરવી. નિંદા એ ભયંકરમાં ભયંકર દૂષણ છે. મહાન સાધકોને પણ ક્ષણવારમાં સાધના જીવનથી બહાર કરી દે એવો આ મહાદોષ છે.’કોઇની સાચી વાત કરીએ તો એ ય નિંદા કહેવાય ? એવા શ્રોતાના પ્રશ્નનો ઉત્તર આપતા આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે કોઇનું ખરાબ દેખાય તે રીતે એની સાચી વાત કરવી એ પણ નિંદા છે. જેની વાત થતી હોય એ વ્યકિત સામે આવી જાય ને એ વાત કરનારે જો એ વાતને બધં કરવી પડે, કે વાતનો વિષય બદલવો પડે તો એ નિંદા હતી એમ સમજવું પડે. સાચી વાત પણ સાચી રીતે અને સાચાભાવે કહેવાવી જોઇએ. એનાથી કોઇનું અહિત ન થવું જોઇએ. સાચી વાત કહેવાની રીત અને કહેનારનું હૈયું જો સાચાં ન હોય તો એ સાચી વાત પણ નિંદા બની જાય.
ઘણા લોકોનાં ઘર-પેઢીઓના ઉઠમણાં નિંદાના કારણે થયાં છે. ઘણા ઘરભગં આ નિંદાના કારણે જ થયા છે. ઘણાના જીવતરને બદતર બનાવવાનું કાર્ય નિંદાએ કયુ છે. જેઓમાં આત્મજાગૃતિ નથી હોતી તેમના માટે આ નિંદા વિના એમનો સમય પણ પસાર થતો નથી. એ પોતાના જીવનને બરબાદ કરે છે, જેની નિંદા કરે છે, તે સક્ષમ ન હોય તો તેના જીવનને પણ બરબાદ કરે છે અને જેની સમક્ષ નિંદા કરે છે તેના જીવનને પણ બરબાદ કરે છે.10માં ઉપાય તરીકે ’શિષ્ટ લોકનું અનુસરણ કરવું’, એમ જણાવતા આચાર્યશ્રીએ કહ્યું કે જે લોકો પરલોકને મુખ્ય બનાવી જીવન જીવતા હોય તે શિષ્ટ લોક કહેવાય. જેના જીવનમાં પરલોક દ્રષ્ટ્રિ ન હોય તે ગમે તેવા સન ગણાતા હોય તો પણ શિષ્ટલોક ન કહેવાય. આજે પરલોકની દ્રષ્ટ્રિ, પરલોકનો વિચાર ઘણો ગૌણ બન્યો છે. ’આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા’ આવું બોલનારા કયારેય શિષ્ટ ન હોય શકે. શિષ્ટ લોકોને અનુસરવું એ આધ્યાત્મ ધ્યાનયોગની પ્રાપ્તિ માટે આવશ્યક છે.કોઇની નિંદા વગેરે કરવી તે આ લોકોની પ્રવૃત્તિ છે. તે જ રીતે મહારંભ-મોટી હિંસાવાળા ધંધા, કર ઉઘરાવવા વગેરે પરલોક વિરૂધ્ધ પ્રવૃત્તિ છે. ચોરી, માંસાહાર, જુગાર, શિકાર, મદિરાપાન, પરીગમન, વેશ્યાગમન વગેરે વ્યસન તે બંને લોક (ઉભયલોક) વિરૂધ્ધ પ્રવૃત્તિ છે. આ બધી પ્રવૃત્તિનો ત્યાગ કરીને જીવનને દાન સમૃધ્ધ, વિનય સમૃધ્ધ અને સદાચાર સમૃધ્ધ બનાવાય તે શિષ્ટ્રલોકમાં પ્રિય બની શકાય. એ જ શુભાભિલાષા.