બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત આધ્યાત્મિક મેળામાં વ્યસનો છોડવા સંકલ્પ લેતા રાજકોટવાસીઓ
બ્રહ્માકુમારીઝ સંસ્થા, સુરક્ષા સેતુ સોસાયટી તથા રાજકોટ શહેર પોલીસનાં સંયુકત ઉપક્રમે મહાશિવરાત્રી નિમિતે આયોજીત આધ્યાત્મિક મેળામાં શનિ-રવિવારે લોકપ્રવાહ ઉમટી પડયો હતો. કુવાડવા રોડ, રણછોડદાસબાપુનાં આશ્રમ પાસે આયોજીત આધ્યાત્મીક મેળામાં અમરનાથ ગુફા દર્શન, બાર જયોતિલીંગ દર્શનની સાથોસાથ વ્યસનમૂકિત માટે ન જાગૃતિ આણવાનાં હેતુથી રાખવામાં આવેલા સ્ટોલ અને પોસ્ટરોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. વ્યસનો હોમવા માટે બનાવવામા આવેલા હોમકુંડમાં ચીઠીમાં લખી અસંખ્ય લોકોએ ભૌતિક વ્યસનોની સાથે માનસિક વ્યસનો જેવા કે ક્રોધ, ઈશ્ર્ચર્યા, અભિમાન, લોભ, અહંકાર, આળસ, છોડવા માટે દ્દઢ સંકલ્પ કર્યો હતો.
સામાકાંઠાના રહેવાસીઓ ઉપરાંત રાજકોટનાં વિવિધ વિસ્તારોમાંથી મેળાની મુલાકાતે આવેલા રાજકોટીયન્સે મેળાને આધ્યાત્મિક દ્રષ્ટીએ માણ્યો હતો. ખાસ કરીને ગૃહિણીઓએ બાળકો સાથે દરેક સ્ટોલ ઉપર સાધકો દ્વારા આપવામાં આવતી જાણકારીને ખૂબ રસપૂર્વક સમજી હતી. ગમ્મત સાથે જ્ઞાન આપતા વિભાગમાં બાળકોએ વિચારોના માનસીક વ્યસનોને સમજયા હતા મોઢેથી લેવાતા વ્યસનો જ માત્ર વ્યસનો નથી કહેવાતા પણ અશુધ્ધ વિચારસરણી પણ એક પ્રકારનું વ્યસન જ છે તે જાણ્યું હતુ.ખાસ કરીને મુવેબલ મોડેલ દ્વારા આયોજીત બે શોને રસપૂર્વક માણીને કળીયુગ વિશે કળીયુગી અજગર દ્વારા તેમજ ભૌતિકતાને કારણે ગાઢ નિંદ્રામાં સુઈ ગયેલી માનવતાને જાગૃત કરવા માટે મહાકાય કુંભકરણનાં મુવેબલ પુતળાનો શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
મહાશિવરાત્રીનાં દિવસે પુરા દિવસ દરમિયાન આ સોનું પ્રદર્શન ચાલુ રહેનાર છે. લાઈટની સ્પેશ્યિલ ઈફેકટ દ્વારા શોને રસપ્રદ બનાવવાનો પ્રયાસ મુંબઈથી આવેલી ખાસ ટીમ દ્વારા કરવામાં આવે છે. અઢાર તારીખ સુધી ચાલનારા આધ્યાત્મિક મેળાનો લ્હાવો લેવા આયોજક દ્વારા રાજકોટવાસીઓને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે.