શિયાળુ શાકભાજીની યાર્ડમાં મબલક આવક
સ્વાદિષ્ટ ઉંધીયા માટે તમામ વેજિટેબલ્સનું બજારમાં આગમન; વિન્ટર વટાણાની મધ્યપ્રદેશમાંથી આવક શરૂ
વાલ, ચોળા, રીંગણા, ટમેટા, કોબીજ તેમજ
મેથી-પાલક જેવી ભાજીઓ પણ યાર્ડમાં ઠલવાઈ ગુવાર-ભીંડો જેવા નોન સીઝનેબલ શાક મોંઘા
ગાજર-મરચાંના રાયતા અને બીટ-મૂળાનો સલાડ ભોજનને બનાવશે સંપૂર્ણ
કારતક માસ ચાલુ થતા વેંત જ શિયાળાની ઠંડીએ ધીમે ધીમે જોર પકડયું છે. કહેવાય છેકે શિયાળાની ઋતુ તંદુરસ્ત શરીર બક્ષે છે. સવારે કડકડતી ઠંડીમાં પણ લોકો વોક કરે છે. તેમજ સ્વાસ્થ્ય વર્ધક સુપ, ઉકાળો અને લીલાછમ શાકભાજી ખાવાની મોજ માણી હેલ્ધી બોડી બનાવે છે.આ મોસમમાં વાલ, વટાણા, ચોળા, રીંગણા, ટમેટા, ફલાવર, કોબીજ તેમજ લીલીડુંગળી-લસણ વગેરે આવતું હોવાથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખવાતા ઉંધીયાની મજા જ કંઈક ઓર હોય છે. ગરમા ગરમ ટામેટા સૂપ તો દેશી ઉકાળો પી લોકો તન-મનને પ્રફૂલ્લિત બનાવે છે. લીલીછમ મેથી પાલકના ભજીયા આરોગી સંતોષ પામે છે.ઠંડીના ચમકારાની સાથે સાથે ઉપરોકત તમામ વસ્તુઓ-વાનગીઓ માટે તંદુરસ્ત આરોગ્ય બક્ષતા લીલાછમ શાકભાજી, લસણ-ડુંગળીનું બજારમાં આગમન થયું છે. શાકભાજીની મબલક આવક થતા ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. વટાણાની મધ્યપ્રદેશમાંથી આવક થઈ રહી છે.તો અન્ય શાકભાજી જેમાં વાલ, ચોળા, ફલાવર, રીંગણા, ટામેટા, કોબીજ વગેરે આસપાસનાં ગામડાઓમાંથી આવી રહ્યા છે. જો કે અનસીઝનેબલ શાક જેવા કે ગુવાર-ભીંડો વગેરે મોંઘા છે. આ વર્ષે વરસાદ પ્રમાણમાં ઓછો પડયો હોય જેથી શિયાળુ શાકભાજી માત્ર એક મહિનો પૂરતા જ સસ્તા રહેવાની શકયતા છે.સુત્રોમાંથી વધુમાં જાણવા મળ્યા મુજબ પાણીના અભાવથી વાડીઓમાં શાકભાજીનો પૂરતો ઉતારો નહિ આવતા ટુંક સમયમાં જ મોંઘા થશે. દર વર્ષની જેમ ખેડુતો માર્કેટીંગ યાર્ડમાં ઢબલાબંધ શાકભાજી ઠાલવી રહ્યા હોય વધુમા વધુ રૂ.૨૦ લેખે કોઈપણ શાકભાજી ગૃહિણી ખરીદી રહી છે. મીઠા મધુર ગાજર અને મરચાના રાયતા તો બીટ, મૂળા જેવા કંદમુળનો સલાડમાં ઉપયોગ કરી ભોજનને સંપૂર્ણ બનાવશે.પાણીના અભાવે શાકભાજીની ‘લીલીછમ’ સીઝન માત્ર એક મહિનો ચાલવાની શકયતાશિયાળુ શાકભાજીની હાલ ધૂમ આવક ચાલુ થઈ છે. હાલ ઢબલાબંધ લીલાછમ શાકભાજી યાર્ડમાં ઠલવાઈ રહ્યા છે. પરંતુ આ વર્ષે ઓછા વરસાદને કારણે શાકભાજીની ભરપૂર આવક માત્ર એક મહિના સુધી થશે. જેના કારણે હાલ ગૃહિણીઓને મળતા સોંધા શાકભાજી માત્ર એકાદ મહિનામાં જ મોંઘા થવાની શકયતાઓ છે. અત્યારે કમોસમી શાક જેવા કે ગુવાર-ભીંડોને બાદ કરતા અન્ય તમામ શાકભાજી ફક્ત રૂ.૨૦ના કિલો મળી રહ્યા છે.
શાકભાજીના ભાવ રૂપીયામાં (ર૦ કિલોમાં)
ટમેટાં | ૧૦૦-૨૦૦ |
રીંગણા | ૭૦-૧૨૦ |
ફલાવર | ૧૬૦-૨૩૦ |
વાલ | ૩૩૦-૬૦૦ |
કોબીજ | ૫૦-૧૦૦ |
લીલી તુવેર | ૩૫૦-૫૦૦ |
મરચા | ૧૬૦-૨૦૦ |
ગાજર | ૨૩૦-૩૫૦ |
કોથમીર | ૩૦૦-૪૦૦ |
વટાણા | ૧૦૦૦-૧૨૦૦ |
ભીંડો | ૩૦૦-૫૦૦ |
ગુવાર | ૨૮૦-૫૦૦ |
ચોળા | ૩૧૦-૪૦૦ |
કારેલા | ૩૦૦-૪૦૦ |
ગલકા | ૨૫૦-૩૦૦ |
લીંબુ | ૪૫૦-૮૦૦ |