રૂ.૬ની કિંમતે મળતી પાણીની બોટલના સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૦૦ના ચૂકવણા મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ
૨૦૦ એમ.એલ. પાણીની બોટલના તંત્ર દ્વારા અધધધ… રૂ.૨૦૦ ચૂકવવામાં આવતા હોવાના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે. સુરત મહાનગરપાલિકામાં પાણીની બોટલની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ અદાલતમાં કરાયો છે. બજારમાં જે બોટલની કિંમત રૂ.૬ આંકવામાં આવે છે તે બોટલ સુરત મહાનગરપાલિકા રૂ.૨૦૦માં ખરીદતી હોવાનો આક્ષેપ પીઆઈએલમાં કરાયો છે.
અરજકર્તા જીગ્નેશ પાનસેરીયા દ્વારા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં પાણીની બોટલમાં અઢળક ખર્ચ થતો હોવાનો આક્ષેપ કરાયો છે. મહાનગરપાલિકાને જે કાર્યક્રમો સાથે કંઈ લાગતુ વળગતુ નથી તેવા કાર્યક્રમોમાં પણ એક પાણીની બોટલ પાછળ રૂ.૨૦૦ જેટલી રકમ ખર્ચવામાં આવતી હોવાનું કહેવાયું છે. લીંબુ સોડાની નાની બોટલના રૂ.૩૭૦નું ચૂકવણું સુરત મહાનગરપાલિકાએ કર્યું હોવાનું કોર્ટને જણાવાયું છે. આ કૌભાંડની તપાસ માટે કમીટીની રચના કરી, તપાસ બાદ જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી માંગણી થઈ છે.
અરજકર્તાના વકીલ કે.આર.કોસ્ટીની દલીલ મુજબ જૂન અને ઓગષ્ટ મહિનામાં મહાનગરપાલિકા તંત્રને આ મુદ્દે ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ તેનો નિકાલ થયો નહોતો. પરિણામે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની ફરજ પડી છે. બજારમાં રૂ.૬ની કિંમતે મળતી પાણીની બોટલના રૂ.૨૦૦નું ચૂકવણું થયું હોવા મામલે હાઈકોર્ટમાં અરજ થયા બાદ આ મુદ્દો વધુ ઉગ્ર બનશે તેવું માનવામાં આવે છે.