સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી રિપોર્ટ ચાર સપ્તાહમાં મંગાવ્યો
સમગ્ર વિશ્ર્વમાં એશિયાટીક સિંહોની એક અલગ જ છાપ ઉદભવિત થઈ છે ત્યારે ગીરના જંગલોમાં ૨૪ સિંહોનાં મૃત્યુ બાદ સિંહોનાં સંવર્ધન માટે મધ્યપ્રદેશ મોકલવા માટેની માંગો ઉઠવા પામી છે ત્યારે સુપ્રીમ કોર્ટે આગામી ૪ અઠવાડિયામાં કેન્દ્ર પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે. હાલનાં તબકકે એ વાત સામે આવી રહી છે કે ગીરના સાવજોને મધ્યપ્રદેશનાં પાલપુરકુનો વાઈલ્ડ લાઈફ સેન્ચયુરીમાં સ્થળાંતરીત કરવામાં આવશે ત્યારે અંદાજે ૫૦૦ સિંહોને મધ્યપ્રદેશ મોકલવાની વાતો વચ્ચે ગુજરાત સરકારે આ અંગે નનૈયો ભણ્યો છે.
ગીરના જંગલોમાં જે ૨૪ સાવજોનાં મોત નિપજયા તેમાં કેનિન ડિસ્ટેમ્પર વાયરસનું કારણ સામે આવ્યું છે ત્યારે સંપર્ક સુત્રોનાં જણાવ્યા મુજબ ગુજરાત રાજયમાં પણ ઘણાખરા એવા સ્થળો છે કે જયાં સિંહોને સ્થળાંતરીત કરવામાં આવી શકે છે પરંતુ મધ્યપ્રદેશ મોકલવા પાછળનાં શું કારણ હોય શકે તે હજુ સુધી સામે આવી શકયું નથી ત્યારે ગીરના સાવજોને મધ્યપ્રદેશ મોકલવા માટેનો મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં કોર્ટનાં ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ બી.આર.ગવાઈ તથા સુર્યકાન્ત દ્વારા કેન્દ્રને તાકિદ કરી આગામી ચાર અઠવાડિયામાં રીપોર્ટ મંગાવ્યો છે. આ મુદ્દાને લઈ ગુજરાત રાજય નનૈયો કરી રહ્યું છે કે ગીરનાં સાવજોને મધ્યપ્રદેશ મોકલવા ન જોઈએ.
ગત એક-બે વર્ષમાં સિંહોની જે હાલત કફોડી બની છે તેનાં કારણોસર સિંહોને સ્થળાંતરીત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવું લાગે છે. જે રીતે સરકાર દ્વારા ઈકો સેન્સેટીવ ઝોનની હદ વધારવામાં આવી છે તેનાથી સાવજોને જે ખોરાક મળવો જોઈએ તે મળી શકતો નથી અને હાલનાં તબકકે માલધારીઓ કે જેમનો માલ મરી જતો હોય તે વાસી માલને સિંહોને ભોજનરૂપે આપવામાં આવે છે જેના કારણે સિંહોમાં કેનીન ડિસ્ટેમ્પર વાયરસ જોવા મળતા મૃત્યુ આંક ૨૪ પહોંચ્યો છે. સ્થાનિક માલધારીઓનું માનવું છે કે જો સિંહો માટેની હદ ઘટાડવામાં આવે અને જો તેઓને લોકોની નજીક રાખવામાં આવે તો તેમનું સંવર્ધન પણ સારી રીતે થઈ શકે છે.
ગીરના સાવજોને મધ્યપ્રદેશમાં આવેલા પાલપુરકુનો વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં ખસેડવા માટેની કામગીરી ૧૯૮૯થી શરૂ કરવામાં આવી છે અને તે અંગે જગ્યા પણ નિર્ધારીત કરવામાં આવી છે. ૨૦૧૩માં ગીરના સાવજોને મધ્યપ્રદેશ ખાતે રાખવામાં આવે તે માટેની અરજી ફગાવવામાં આવી હતી જેનું એકમાત્ર કારણ તે સમયે કુનો વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી તૈયાર ન થઈ હોવાનું સામે આવ્યું હતું પરંતુ એ વાત સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં મહારાષ્ટ્રની સરખામણીમાં ગુજરાતમાં ઘણાખરા એવા સ્થળો છે કે જયાં ગીરનાં સાવજોને રાખી શકાય તેમ છે પરંતુ સાવજો સાથે સંકળાયેલા અને તેમની આડકતરી રીતે સારસંભાળ લઈ રહેલા માલધારીઓનું માનવું છે કે સરકાર અને પર્યાવરણ મંત્રાલય જો સિંહોને તેમની નજીક રાખે તો તેમની જાળવણી સારી રીતે થઈ શકે તેમ છે.