અગ્નિકાંડમાં મૃત્યુઆંક અને ઉગઅને લઈ તંત્રનું ‘કાન ફાડી’ નાંખે તેવું મૌન
સાચો આંકડો ક્યારેય બહાર આવશે કે અગ્નિકાંડમાં ભસ્મિભૂત થઇ જશે?
રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં સત્તાવાર રીતે કુલ 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયાં હતા તેવો રિપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ તમામ હતભાગીઓના મૃતદેહની ડીએનએ ટેસ્ટ મારફત ઓળખ કરીને સ્વજનોને સોંપી પણ દેવાયા છે પરંતુ લોકમુખે એક જ ચર્ચા છે કે, ખરેખર આ ગોઝારી ઘટનામાં કેટલા લોકો જીવતા ભડથું થયાં હતા? શું જેટલાં મૃતદેહ મળ્યા એટલા જ લોકો મોતને ભેંટ્યા કે પછી એવા મૃતકો પણ છે કે જેમની ઓળખ સુધા પણ થઇ શકે નહિ તેવી રીતે તેઓ ભસ્મિભૂત થઇ ગયાં? આ તમામ સવાલો વચ્ચે સિવિલ હોસ્પિટલના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે, મૃતદેહની ઓળખ માટે કુલ 70 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એક પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું ડીએનએ સેમ્પલ લેવાયું હતું એટલે કે અલગ અલગ 70 પરિવારોના ડીએનએ સેમ્પલ લેવાયા હતા. હવે મૃતકની યાદીમાં 27 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તંત્રએ અન્ય કોઈ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં દાખલ કે મરણ પામ્યો હોય તેવું બિલકુલ બન્યું નથી તેવું પણ જાહેર કરી દીધું છે તો પછી 70 લોકોના લેવાયેલા ડીએનએ ટેસ્ટનું શું? આ સવાલો ઉભા થયાં છે અને અગ્નિકાંડમાં મૃત્યુઆંક અને ડીએનએને લઈને તંત્રનું મૌન ’કાન ફાડી’ રહ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ડેથઝોન બનેલા ગેમઝોનમાં વિકરાળ આગ લાગતા મોતનું જાણે તાંડવ થયું હોય તેવી રીતે નિર્દોષ લોકો જીવતા ભડથું થયાં હતા. ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં આગની ચપેટમાં આવનાર લોકોની મરણચિસોથી જાણે આખુ રાજકોટ ધ્રુજી ઉઠ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો અને આખુ સૌરાષ્ટ્ર હિબકે ચડ્યું હતું. ઘટનામાં આગ પર કાબુ મેળવ્યા બાદ મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેમઝોનના કાટમાળમાં દબાયેલ 27 જેટલાં મૃતદેહ મળી આવતા તમામને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સ્થિત પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં હતભાગી થયેલા મૃતદેહ એટલી ગંભીર રીતે દાઝ્યા હતા કે તેમની ઓળખ શક્ય ન હતી. જેથી તમામ મૃતદેહની ઓળખ મેળવવા પરિજનોના ડીએનએ ટેસ્ટ કરી મેચ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી.
સિવિલ હોસ્પિટલના અત્યંત વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર જયારે ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી તો કુલ 70 (68 લોકોના રાજકોટ ખાતે જયારે 2 લોકોના અમદાવાદ ખાતે) જેટલાં લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ લોકોના સેમ્પલ લઈને ગાંધીનગર ખાતે ઓળખ મેળવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા.
હવે 70 ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા અને સામે 27 લોકોને મૃત જાહેર કરીને તેમની ઓળખ મેળવીને સ્વજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યાનું તંત્રએ જ જાહેર કર્યું છે. અધૂરામાં પૂરું તંત્રએ જાહેર કરેલી પ્રેસનોટમાં હાલ સુધીમાં કોઈ પણ વ્યક્તિ લાપતા હોય તેવી કોઈ ફરિયાદ પોલીસને મળી નથી તો પછી બાકી રહેલા 47 ડીએનએ સેમ્પલનું શું? આ એક મોટો સવાલ છે. ઉલ્લેખનીય બાબત છે કે, એક પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું સેમ્પલ લેવામાં આવ્યું હતું એટલે એક જ પરિવારના એકથી વધુ વ્યક્તિનું સેમ્પલ હોય તેવું પણ કહી શકાતું નથી.
હવે આ મામલે જયારે આંકડાઓમાં ભારે વિસંગતતા ઉભી થઇ છે ત્યારે તંત્રનું આ સમગ્ર મામલામાં કાન ફાડી નાંખે તેવું મૌન શહેરીજનોના કાનમાં પડઘા પાડી રહી છે.
હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે, જયારે ત્રણ માળનું ગેમઝોન ધમધમી રહ્યું હતું. ગેમઝોનની અંદર અઢળક રાઇડ્સ ચાલી રહી હતી ત્યારે ગેમઝોનમાં પ્રવેશ મેળવનાર લોકોની એન્ટ્રી એક રજીસ્ટરમાં કરવામાં આવી હતી. હવે આ રજીસ્ટરમાં મળતી માહિતી મુજબ 70 લોકોએ પ્રવેશ મેળવ્યો હતો.
સાથોસાથ ત્રણ માળના ગેમઝોનમાં તમામ રાઇડ્સના સંચાલન અને કેફેટેરિયા માટે કમ સે કમ 25 કર્મચારીઓની જરૂર પડે જ. ત્યારે ભડથું થયેલા 27 લોકો સિવાયના તમામ બહારના લોકો અને અંદરના કર્મચારીઓ ગેમઝોનની બહાર આવવામાં સફળ થઇ ગયાં હશે કે પછી તેઓ આગમાં ભસ્મિભૂત થઇ ગયાં હશે? આ પણ એક મોટો સવાલ છે. શું તંત્રએ આ દિશામાં તપાસ કરી છે? શું તંત્ર અકસ્માતમાં હતભાગી થયેલા તમામ લોકોનો સચોટ આંકડો મેળવી શકી છે? જો સચોટ આંકડો તંત્ર પાસે છે તો શું જાહેર કરવામાં તંત્ર ખચકાટ અનુભવી રહ્યું છે? શું આ સાચો આંકડો ક્યારેય બહાર આવશે કે પછી અગ્નિકાંડમાં ભસ્મિભૂત થઇ જશે? આ તમામ સવાલો હાલ લોકમુખે અને છડે ચોક જોરોશોરોથી ચર્ચાઈ રહ્યા છે.
પોસ્ટમોર્ટમ રૂમ ખાતે કોઈ મૃતદેહ કે અવશેષ નહિ હોવા છતાં પોલીસ બંદોબસ્ત શા માટે?
પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર ઘટનામાં હતભાગી કુલ 27 મૃતદેહની ઓળખ કરીને પરિજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. જેથી હવે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે કોઈ મૃતદેહ નહિ હોવાની વાત ફલિત થાય છે. તો પછી હજુ પણ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પોલીસ બંદોબસ્ત કેમ ગોઠવવામાં આવ્યો છે? કેમ હજુ પીએમ રૂમ ખાતે પ્રવેશબંદી છે? જો હવે ત્યાં કંઈ રહ્યું જ ન હોય તો પોલીસ બંદોબસ્ત કેમ હટાવી લેવાયો નહિ? આ તમામ સવાલ પણ શંકા ઉપજાવનાર છે.
લોકમુખે ચર્ચાતા પ્રશ્ર્નો
* ગેમઝોનમાં એન્ટ્રીનું રજીસ્ટર મેઇન્ટેન થતું હતું?
* રજીસ્ટર મુજબ અંદર પ્રવેશ મેળવનાર લોકોની સચોટ સંખ્યા શું?
* રજીસ્ટર હાથવગુ કે ગેરવલે?
* ડીએનએ સેમ્પલ કેટલાના લેવાયા? તેણો સાચો આંક શું?
*3 હજાર ડિગ્રી તાપમાનમાં ભડથું થયેલા કેટલા એવા મૃતકો હશે કે જેમની ઓળખ કયારેય શકય નહીં બને?
ત્રણ માળના ગેમઝોનમાં કેટલા કર્મચારીઓ કામ કરતા’તા? : બહાર નિકળી શક્યા કે બળીને ખાક થયાં?
ટીઆરપી ગેમઝોનમાં ત્રણ માળનો માચડો ખડકીને અઢળક રાઇડ્સ ચલાવવામાં આવતી હતી. સાથોસાથ રેસ્ટોરેન્ટ જેવું કાફે પણ ચલાવવામાં આવતું હતું. ત્યારે આ બધી રાઇડ્સ અને રેસ્ટોરન્ટના સંચાલન માટે કમ સે કમ 25 થી 30 કર્મચારીઓની જરૂર રહે તે વાતમાં શંકાને સ્થાન નથી. તો પછી આ કર્મચારીઓ આગની ઘટના દરમિયાન બહાર નીકળી શક્યા હતા કે પછી તેઓ આગમાં બળીને ખાખ થઇ ગયાં હતા? આ દિશામાં પોલીસે તપાસ કરી છે કે કેમ? તે પણ એક સવાલ છે.