ડીએલએફે પ્રમોટર્સ દ્વારા રોકાયેલી મૂડીનો ઉપયોગ કરીને રૂ.૭,૧૦૦ કરોડની લોન ચૂકવી દીધી
રિયલ્ટી કંપની ડીએલએફનું ચોખ્ખું દેવું સારા એવા પ્રમાણમાં ઘટીને ડિસેમ્બર ક્વાર્ટરના અંતે રૂ.૫,૫૧૩ કરોડ રહ્યું હતું. પ્રમોટર્સ દ્વારા મૂડી ઉમેરવાના કારણે કંપનીનું દેવું ઘટ્યું છે. ડીએલએફ આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ ઋણમુક્ત થવાની યોજના ધરાવે છે.
દેશની સૌથી મોટી રિયલ્ટી કંપની ડીએલએફે પ્રમોટર્સ દ્વારા રોકાયેલી મૂડીનો ઉપયોગ કરીને રૂ.૭,૧૦૦ કરોડની લોન ચૂકવી દીધી છે. રોકાણના પ્રેઝન્ટેશન પ્રમાણે ડીએલએફનું ચોખ્ખું દેવું ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રૂ.૫,૫૧૩ કરોડ હતું. તે મુખ્યત્વે હાઉસિંગ પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ માટે હતું.
કોમર્શિયલ રિયલ એસ્ટેટ બિઝનેસનું દેવું ડીએલએફ સાયબર સિટી ડેવલપર્સ લિમાં પ્રતિબિંબિત થાય છે જે સિંગાપોરના સોવેરિન વેલ્થ ફંડ જીઆઇસી સાથેની સંયુક્ત સાહસ કંપની છે. ડીસીસીડીએલનું ચોખ્ખું દેવું ત્રીજા ક્વાર્ટરના અંતે રૂ.૧૬,૦૭૪ કરોડ હતું. સંયુક્ત સાહસ ડીએલએફ ગ્રૂપની ભાડું મેળવતી કોમર્શિયલ એસેટ્સમાં મોટો હિસ્સો ધરાવે છે. ચાલુ નાણાકીય વર્ષના જૂન મહિનામાં ડીએલએફનું ચોખ્ખું દેવું રૂ.૨૬,૮૦૦ કરોડ હતું.
કંપનીના પ્રમોટર્સે ગયા વર્ષે ઓગસ્ટમાં ડીસીસીડીએલમાં તેનો સમગ્ર ૪૦ ટકા હિસ્સો રૂ.૧૧,૯૦૦ કરોડમાં વેચ્યો હતો. આ સોદામાં ડીસીસીડીએલનો ૩૩.૩૪ ટકા હિસ્સો રૂ.૮,૯૦૦ કરોડમાં જીઆઇસીને વેચવાનો તથા બાકીના શેર્સને રૂ.૩,૦૦૦ કરોડમાં ખરીદવાનો સમાવેશ થતો હતો.
ડિસેમ્બરમાં સોદો પૂર્ણ થયો હતો. તેના પરિણામે ડીડીસીડીએલમાં ડીએલએફનો હિસ્સો ૬૦ ટકાથી વધીને ૬૬.૬૬ ટકા થયો હતો. જ્યારે સંયુક્ત સાહસમાં જીઆઇસી પાસે બાકીનો ૩૩.૩૪ ટકા હિસ્સો છે. આ ટ્રાન્ઝેક્શન બાદ ડીએલએફના પ્રમોટર્સ કે પી સિંઘ અને પરિવારે કંપનીમાં રૂ.૯,૦૦૦ કરોડ ઉમેર્યા હતા.